Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 2 - પવિત્ર બાઇબલ C.L.


બીજું સંબોધન જ્ઞાન પ્રાપ્તિના લાભાલાભ

1 મારા પુત્ર, જો તું મારા શિક્ષણનો અંગીકાર કરીશ, અને મારી આજ્ઞાઓ પ્રમાણે વર્તવાનું સદા યાદ રાખીશ;

2 જો તું જ્ઞાન પ્રત્યે લક્ષ આપીશ, અને વિવેકબુદ્ધિમાં તારું ચિત્ત પરોવીશ;

3 જો તું પારખશક્તિ માટે પોકારીને વિનંતી કરીશ, અને સમજણ માટે ઊંચે અવાજે આજીજી કરીશ;

4 જો તું સોનાચાંદીની જેમ તેની શોધ કરશે, અને છુપા ખજાનાની જેમ તેની ખોજ કરશે;

5 તો પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એટલે શું તે તું સમજી શકીશ, અને ઈશ્વરનો પરિચય પામી શકીશ.

6 કારણ, પ્રભુ જ જ્ઞાન બક્ષે છે, અને તેમના મુખમાંથી વિદ્યા અને વિવેકબુદ્ધિ નીકળે છે.

7 સત્પંથે ચાલનારાઓને તે વ્યવહારિક જ્ઞાન પણ પૂરું પાડે છે, તે પ્રામાણિકજનો માટે ઢાલ સમુ બની તેમનું રક્ષણ કરે છે.

8 અન્ય પ્રત્યે નિષ્પક્ષ અને ન્યાયીવર્તન કરનારની તે રક્ષા કરે છે, અને પોતાના સંતોની ચોકી કરે છે.

9 જો તું મારું સાંભળશે તો તું નેકી અને ઇન્સાફને પારખી શકીશ અને તું સન્માર્ગે આગળ વધીશ.

10 જ્ઞાન તારા અંતરમાં ઊતરશે, અને વિદ્યા તારા પ્રાણને આનંદિત કરશે.

11 વિવેકબુદ્ધિ તારું રક્ષણ કરશે, અને પારખબુદ્ધિ તારી ચોકી કરશે.

12-13 તે તને દુરાચારીઓના માર્ગને અનુસરતાં, તેમ જ કપટી વાણી દ્વારા ઉશ્કેરણી સર્જનાર, અને પ્રામાણિકપણાનો માર્ગ તજી અંધકારના માર્ગોમાં ચાલનારથી બચાવશે.

14-15 એ ઉપરાંત તે તને દુષ્કર્મોમાં મજા માણનારા, ભ્રષ્ટતામાં આનંદ લૂટનારા, સન્માર્ગેથી ભટકી જનારા, અને કપટી વર્તન કરનારાઓથી ઉગારશે.

16 જ્ઞાન તને વ્યભિચારી સ્ત્રીથી અને મોહભરી વાતોથી આકર્ષવાનો યત્ન કરનાર વેશ્યાથી બચાવશે.

17 એવી સ્ત્રી પોતાના પતિ પ્રત્યે બેવફા થાય છે, અને ઈશ્વરની સમક્ષ કરેલો પવિત્ર કરાર વીસરી જાય છે.

18 આવી સ્ત્રીના ઘર તરફ જતો રસ્તો એ જાણે મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને તેને ઘેર જવું એ મૃતકોની દુનિયામાં જવા બરાબર છે.

19 તેની મુલાકાતે જનાર કોઈ પાછો ફરતો નથી અને તેને જીવનદાયક માર્ગ જડતો નથી.

20 તેથી તું સજ્જનોનો નમૂનો લે, અને નેકજનોના પંથમાં ચાલ;

21 કારણ, સદાચારીઓ આ ધરતી પર વસી શકશે, અને પ્રમાણિકજનો તેમાં નભી જશે.

22 પરંતુ દુષ્ટો પૃથ્વી પરથી નષ્ટ થઈ જશે, અને કપટી લોકો જડમૂળથી ઉખેડી નંખાશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan