Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 19 - પવિત્ર બાઇબલ C.L.

1 જુઠ્ઠાબોલા ધનિક માણસ કરતાં પ્રામાણિક જિંદગી જીવતો ગરીબ ચડિયાતો છે.

2 વિદ્યા વિનાનો ઉત્સાહ નકામો છે; એમ જ ઉતાવળે જવું અને માર્ગ ચૂકી જવો એ અર્થહીન છે.

3 માણસ પોતાની મૂર્ખતાથી જ બરબાદ થાય છે; છતાં તે પાછો મનમાં ચિડાઈને પ્રભુને દોષ દે છે.

4 ધનને લીધે અનેક નવા નવા મિત્રો થાય છે, પરંતુ કંગાલનો એક માત્ર મિત્ર પણ તેને તરછોડે છે.

5 ખોટો આરોપ ચડાવનાર દંડાય છે, અને જૂઠાણું ઉચ્ચારનાર છટકી શક્તો નથી.

6 ઘણા લોકો મહાનુભાવોની મહેરબાની ઝંખે છે, અને સૌ કોઈ બક્ષિસ આપનારનો મિત્ર થવા માગે છે.

7 પરંતુ ગરીબને તો તેના ભાઈઓ પણ ધિક્કારે છે, અને તેના મિત્રો પણ તેનાથી દૂર રહે છે; મિત્રોને મનાવવા તે આજીજી કરે છે, પણ તે મિત્રોને મેળવી શક્તો નથી.

8 જ્ઞાન સંપાદન કરનાર તેનું પોતાનું જ હિત કરે છે, અને સમજશક્તિ કેળવનાર સફળ થાય છે.

9 અદાલતમાં જૂઠી સાક્ષી પૂરનારને સજા થશે, અને જુઠ્ઠાબોલો સાક્ષી નષ્ટ થઈ જશે.

10 મૂર્ખને એશઆરામભર્યું જીવન પ્રાપ્ત થાય તે ઘટિત નથી; એમ જ ઉમરાવ પર ગુલામ અધિકાર ભોગવે એ અનુચિત છે.

11 શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે.

12 રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે.

13 મૂર્ખ પુત્ર પિતાની બરબાદીનું નિમિત્ત બની શકે છે; કજિયાખોર પત્ની છતમાંથી સતત ટપક્તા પાણી જેવી ત્રાસદાયક છે.

14 ઘર અને સંપત્તિ તો પૂર્વજો પાસેથી વારસામાં મળે છે, પણ સમજદાર પત્ની તો પ્રભુ તરફથી મળે છે.

15 આળસુ પર છત તૂટી પડે છે, અને એદીને ભૂખમરો વેઠવો પડે છે.

16 ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરનાર દીર્ઘાયુ પ્રાપ્ત કરશે; પોતાના આચરણ વિષે બેદરકાર રહેનાર મૃત્યુ પામશે.

17 કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.

18 આશા હોય ત્યાં સુધી તારા પુત્રને શિક્ષા કર, નહિ તો તું તેના નાશમાં ભાગીદાર બનીશ.

19 ઝનૂનીએ પોતાના ક્રોધનું પરિણામ ભોગવવું જોઈએ; જો તું તેને તેમાંથી બચાવે તો તે વધુ બગડશે.

20 સલાહ માન, અને શિખામણ સ્વીકાર કર; એટલે છેવટે તું જ્ઞાની થઈશ.

21 માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.

22 લોકો માણસમાં વફાદારીની અપેક્ષા રાખે છે, પણ તેઓ જૂઠા ધનિક કરતાં ગરીબને વધુ પસંદ કરશે.

23 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનદાયક છે, તે રાખનાર સંતોષમાં રહેશે, અને તેના પર આપત્તિ આવી પડશે નહિ.

24 આળસુ ભોજનની થાળીમાં હાથ મૂકે છે તો ખરો, પણ તેને મુખ સુધી લાવવાની ઇચ્છા થતી નથી.

25 ઉદ્ધતને શિક્ષા કરશો તો અબુધ પણ શાણપણ શીખશે અને સમજુને ટકોર કરશો તો તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.

26 માત્ર નિર્લજ્જ અને ઉદ્ધત પુત્ર જ પિતા પર હુમલો કરે અને માતાને ઘરમાંથી કાઢી મૂકે.

27 મારા પુત્ર, જો તું શિસ્ત પ્રમાણે વર્તવાનું તજી દઈશ, તો તું તારી પ્રાપ્ત કરેલી વિદ્યા પણ વિસરી જઈશ.

28 કુટિલ સાક્ષી ન્યાયની મજાક ઉડાવે છે, અને દુષ્ટોના મુખને અન્યાય સ્વાદિષ્ટ લાગે છે.

29 તુમાખીખોર લોકો માટે સોટી અને મૂર્ખાઓની પીઠ માટે ફટકા હોય છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan