Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 18 - પવિત્ર બાઇબલ C.L.

1 બીજાઓથી છૂટો પડનાર પોતાના જ સ્વાર્થમાં રત હોય છે. તે સર્વમાન્ય સાચા નિયમનો પણ વિરોધ કરે છે.

2 ઉદ્ધત માણસને કશું સમજવામાં કોઈ રસ હોતો નથી; તેને તો માત્ર પોતાના આભિપ્રાયોનું પ્રદર્શન કરવું હોય છે.

3 ભ્રષ્ટતા સાથે કલંક આવે છે, અને અપકીર્તિ સાથે અપમાન આવે છે.

4 માણસની વાણી ઊંડા જલ સમાન ગૂઢ હોય છે; તે વહેતું ઝરણું અને જ્ઞાનનો તાજગીદાયક ઝરો છે.

5 ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી.

6 મૂર્ખની દલીલો સંઘર્ષ ઊભો કરે છે, અને તેનું મોં લપડાક માગે છે.

7 મૂર્ખની વાણી જ તેના વિનાશનું કારણ બને છે, અને તે પોતાના જ શબ્દોની જાળમાં સપડાય છે.

8 કૂથલીના બોલ સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, તે અભ્યંતરમાં સરળતાથી ઊતરી જાય છે.

9 પોતાનાં કાર્ય કરવામાં આળસ રાખનાર, વિનાશકના સગાભાઈ જેવો છે.

10 યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.

11 ધનવાનોની દષ્ટિમાં તેમનું ધન કિલ્લેબંધ નગર જેવું છે; જે ઊંચા કોટની જેમ તેમનું રક્ષણ કરે છે.

12 મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે.

13 પૂરું સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ અને નામોશી છે.

14 દઢ મનોબળથી બીમારી સહન કરી શકાય છે, પણ મન જ ભાંગી પડે તો તેને કોણ સાજું કરી શકે?

15 વિચારશીલ મન વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનીના કાન વિદ્યા પ્રત્યે સરવા હોય છે.

16 બક્ષિસ માણસ માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહાનુભાવોની હાજરીમાં પહોંચવાનું પણ શકાય બનાવે છે.

17 અદાલતમાં પ્રતિવાદી પોતાની વાત રજૂ ન કરે ત્યાં સુધી વાદીની વાત પ્રથમ સાચી લાગે છે.

18 જ્યારે બે સબળ પક્ષકારો વચ્ચે હિસ્સો વહેંચવામાં ઝઘડો થાય છે, ત્યારે ચિઠ્ઠી નાખીને ઝઘડાનો નિકાલ કરી શકાય છે.

19 દુભાયેલા ભાઈને મનાવવો તે કિલ્લેબંધ નગરને જીતવા કરતાં મુશ્કેલ છે. તેની સાથેનો કજિયો કિલ્લાના મજબૂત દરવાજા જેવો છે.

20 માણસ પોતાની વાણી પ્રમાણે પેટ ભરશે, અને હોઠની ઊપજથી સંતોષ પ્રાપ્ત કરશે.

21 જીવન અને મૃત્યુ જીભ પર અવલંબે છે; જેવો જીભનો ઉપયોગ તેવાં તેનાં ફળ!

22 સદ્ગુણી પત્ની મેળવનારને સુખ પ્રાપ્ત થાય છે; એ તો પ્રભુની કૃપાની નિશાની છે.

23 ગરીબે કાલાવાલા કરવા પડે છે; પણ ધનવાનની વાણીમાં ઉદ્ધતાઈ હોય છે.

24 ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan