નીતિવચનો 17 - પવિત્ર બાઇબલ C.L.1 ઘરમાં મિજબાનીઓ હોય પણ સાથે કજિયાકંક્સ હોય, તે કરતાં લુખો રોટલો હોય પણ મનમાં શાંતિ હોય તે ઉત્તમ છે. 2 ચતુર ચાકર પોતાના માલિકના નકામા પુત્રનો અધિકાર ભોગવશે અને તે અન્ય વારસદારો સાથે હિસ્સો મેળવશે. 3 ચાંદી કુલડીમાં અને સોનું ભઠ્ઠીમાં ગળાય છે, પણ અંત:કરણની પારખ કરનાર તો ઈશ્વર છે. 4 દુર્જન ભૂંડા શબ્દો પ્રત્યે લક્ષ આપે છે, અને જૂઠો માણસ નિંદા કરનાર જીભ તરફ કાન માંડે છે. 5 ગરીબની મજાક કરનાર તેના સર્જનહારનો ઉપહાસ કરે છે, બીજાની આપત્તિની વેળાએ હસનારને ઈશ્વર જરૂર શિક્ષા કરશે. 6 વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે. 7 મૂર્ખના મુખમાંથી ઉમદા વાણીની અપેક્ષા રાખી શકાય નહિ, અને મહાનુભાવોના મુખમાં જૂઠ શોભતું નથી. 8 બક્ષિસ મેળવનારની દષ્ટિમાં બક્ષિસ મૂલ્યવાન મણિ જેવી હોય છે; દરેક બાજુએથી તે ઉત્તમ જણાય છે. 9 અપરાધ ઢાંકનાર પ્રેમને ઉત્તેજન આપે છે, પણ અપરાધ યાદ કરાવ્યા કરવાથી ગાઢ મૈત્રી પણ તૂટે છે. 10 મૂર્ખને સો ફટકા કરતાં, સમજુ માણસને એક ટકોર વધુ ઊંડી અસર કરે છે. 11 દુષ્ટ માત્ર બંડ કરવાની પેરવીમાં હોય છે, પણ તેને ડામવા ક્રૂર સંદેશકને મોકલવામાં આવશે. 12 મૂર્ખાઈમાં ચગેલા કોઈ મૂર્ખ કરતાં જેના બચ્ચાં છીનવાયાં હોય તેવી રીંછણનો સામનો કરવો એ સારું છે. 13 ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળનારના ઘરમાંથી કદી હાનિ હટશે નહિ. 14 ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો. 15 દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે. 16 શીખવાની સૂઝ ન હોય તેવા મૂર્ખ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે નાણાં હોય તે શા કામનાં? 17 સાચો મિત્ર સર્વસમધ્યે મિત્રતા જાળવે છે, અને વિપત્તિકાળે મદદે આવવા માટે તો ભાઈ જન્મ્યો છે. 18 અક્કલહીન માણસ જ વચનથી બંધાઈ જાય છે, અને તે જ બીજાનો જામીન થાય છે. 19 અપરાધને ચાહનાર કજિયા નોતરે છે, અને પોતાના વૈભવનું પ્રદર્શન કરનાર વિનાશ વહોરે છે. 20 કુટિલ માણસ આબાદ થશે નહિ, અને વાંકુ બોલનાર આફત વહોરી લે છે. 21 મૂર્ખ પુત્ર પિતાના દુ:ખનું કારણ બને છે, અને નાદાનના પિતાને કશો જ આનંદ હોતો નથી. 22 આનંદી સ્વભાવ એ ઉત્તમ ઔષધ છે, પણ ઘવાયેલું મન શરીરને સૂકવી નાખે છે. 23 ભ્રષ્ટાચારી ન્યાયાધીશ ખાનગીમાં લાંચ લે છે, તેથી તે ન્યાયને ઊંધો વાળે છે. 24 સમજુ માણસની દષ્ટિ જ્ઞાન પર મંડાયેલી હોય છે, પણ મૂર્ખ આમતેમ બધે ફાંફાં મારે છે. 25 મૂર્ખ પુત્ર પિતાને માટે ખેદનજક અને જનેતાને માટે દુ:ખજનક હોય છે. 26 નેકજનને દંડ કરવો અયોગ્ય છે, અને સજ્જનને તેની પ્રામાણિક્તાને લીધે ફટકારવો એ ગેરવાજબી છે. 27 વિદ્વાન માણસ વાણી પર અંકુશ રાખે છે, અને સમજુ માણસ ઠંડા મિજાજનો હોય છે. 28 અજ્ઞાની પણ ચૂપ રહે તો જ્ઞાનીમાં ખપે છે, અને મુખ બંધ રાખે ત્યાં સુધી તે સમજુ ગણાય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide