નીતિવચનો 16 - પવિત્ર બાઇબલ C.L.1 માણસ મનમાં વિચારો ગોઠવે છે, પણ જીભનો ઉત્તર પ્રભુના હાથમાં છે. 2 દરેક વ્યક્તિને તેનું પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના ઇરાદાઓ પારખે છે. 3 પ્રભુની આધીનતામાં રહીને તારાં બધાં કાર્યો કર, એટલે તારી મનોકામના ફળીભૂત થશે. 4 પ્રભુએ દરેક વસ્તુને કોઈ ને કોઈ હેતુસર બનાવી છે; દુષ્ટોને તો જાણે વિનાશના દિવસ માટે સર્જ્યા છે! 5 પ્રભુ મનના બધા પ્રકારના અહંકારને ધિક્કારે છે, સાચે જ અહંકારીઓ શિક્ષા પામ્યા વિના રહેશે નહિ. 6 પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે. 7 જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે. 8 અન્યાયથી મેળવેલા અઢળક ધન કરતાં પ્રામાણિકપણે મેળવેલ અલ્પ આવક ઉત્તમ છે. 9 માણસ મનથી પોતાની યોજના ઘડે છે, પરંતુ તેના પગને પ્રભુ જ દોરે છે. 10 રાજાની વાણીમાં દિવ્ય અધિકાર હોય છે, તેથી તેના મુખથી અન્યાય થવો જોઈએ નહિ. 11 ત્રાજવાં, તેનો કાંટો અને વજનિયાં અદલ હોય અને પ્રત્યેક વ્યવહાર પ્રામાણિક્તાથી થાય એમ પ્રભુ ઇચ્છે છે. 12 રાજાને માટે દુષ્કર્મો ઘૃણાસ્પદ છે, કારણ, નેકી જ તેના રાજ્યને સ્થિર અને સલામત રાખે છે. 13 સાચું બોલનારથી રાજા આનંદ પામે છે, અને સારું બોલનાર પ્રત્યે તે સદ્ભાવ દાખવે છે. 14 રાજાનો ક્રોધ મૃત્યુના સંદેશક સમાન છે, પણ જ્ઞાની તેને શાંત પાડી શકે છે. 15 રાજાની કૃપાદષ્ટિ જીવન પ્રદાન કરે છે, અને તેની મહેરબાની કાપણી સમયે આવતા પાછોતરા વરસાદના જેવી જીવનદાયક છે. 16 સોના કરતાં જ્ઞાન પ્રાપ્ત કરવું સારું છે, ચાંદી કરતાં સમજ પ્રાપ્ત કરવી વધારે ઇચ્છવા યોગ્ય છે. 17 સદાચારીનો ધોરીમાર્ગ ભૂંડાઈથી દૂર રહીને જાય છે; પોતાનાં પગલાં સંભાળનાર પોતાના જ જીવનની રક્ષા કરે છે. 18 અહંકારનો અંજામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવ પાયમાલીમાં પરિણમે છે. 19 જુલમગારોની લૂંટમાં હિસ્સો સ્વીકારવો, તે કરતાં જુલમપીડિતોની સાથે વિનમ્રતાથી વસવું ઉત્તમ છે. 20 શિક્ષણ પ્રત્યે ધ્યાન આપનારનું હિત થશે, અને પ્રભુ પર ભરોસો રાખનાર સુખી થશે. 21 જ્ઞાની અંતરવાળો માણસ તેની ઊંડી સમજ માટે પંક્ય છે; તેની મધુર વાણી તેના શિક્ષણને સ્વીકાર્ય બનાવે છે. 22 સમજદાર માટે જ્ઞાન જીવનદાયક ઝરો છે, પણ મૂર્ખ માટે તેની મૂર્ખાઈ જ સજારૂપ છે. 23 જ્ઞાનીનું હૃદય તેના મુખને શાણપણ આપે છે, અને તેથી તેની વાણી અસરકારક બને છે. 24 માયાળુ શબ્દો મધની જેમ, સ્વાદમાં મીઠા અને શરીરને આરોગ્યપ્રદ હોય છે. 25 એક એવો માર્ગ છે કે જે માણસને સાચો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે. 26 શ્રમજીવીનું પેટ તેને પરિશ્રમ કરવા પ્રેરે છે; કારણ, તે ખોરાકથી પોતાની ભૂખ સંતોષવા માગે છે. 27 અધમ માણસ તરકટ રચે છે; તેના મુખમાં ભભૂક્તા અગ્નિ જેવા હાનિકારક શબ્દો છે. 28 કુટિલજન ઝઘડા કરાવે છે; કાનભંભેરણી કરનાર મિત્રો વચ્ચે ફાટફૂટ પડાવે છે. 29 ઘાતકી માણસ પોતાના મિત્રોને છેતરીને તેમને વિનાશને પંથે દોરી જાય છે. 30 આંખ મિચકાવનાર કુટિલ યોજનાઓ ઘડે છે, અને હોઠ બીડનાર ષડયંત્રો રચે છે. 31 માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે. 32 ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે. 33 ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide