નીતિવચનો 15 - પવિત્ર બાઇબલ C.L.1 સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે. 2 જ્ઞાનીની જીભ જ્ઞાન પ્રદાન કરે છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખાઈ ઓકે છે. 3 પ્રભુની દષ્ટિ સર્વત્ર છે, તે ભલા અને ભૂંડાજનો પર લક્ષ રાખે છે. 4 મૃદુવાણી ઉચ્ચારનાર જીભ જીવનદાયક વૃક્ષ સમાન છે; પણ કડવા શબ્દો મન ભાંગી. નાખે છે. 5 પિતાની શિસ્તનો તિરસ્કાર કરનાર પુત્ર મૂર્ખ છે; પણ શિખામણ સ્વીકારનાર સમજુ છે. 6 નેકજનના ઘરમાં વિપુલ સમૃદ્ધિ હોય છે, પણ દુષ્ટની કમાણી તેને માટે સંકટ લાવે છે. 7 જ્ઞાનીઓની વાણી દ્વારા વિદ્યાનો ફેલાવો થાય છે, પણ મૂર્ખાઓના મનમાંથી અજ્ઞાન પ્રગટે છે. 8 પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે. 9 પ્રભુ દુર્જનોનાં દુરાચરણને ધિક્કારે છે, પણ નેકીને અનુસરનારને તે ચાહે છે. 10 સાચો માર્ગ તજનારને શિક્ષા ભોગવવી પડશે, અને સુધરવાની ઉપેક્ષા કરનાર માર્યો જશે. 11 પ્રભુની દષ્ટિ આગળ મૃત્યુલોક શેઓલ તથા નરક પણ ખુલ્લાં છે, તો માણસ પોતાનું મન તેમનાથી કેવી રીતે છુપાવી શકે. 12 ઉદ્ધત વ્યક્તિને ટીકા ગમતી નથી; તેથી તે જ્ઞાનીનો સંગ પસંદ કરતો નથી. 13 અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પણ દયની ગમગીનીથી મન ભાંગી પડે છે. 14 સમજુજનો વિદ્યાપ્રાપ્તિ માટે તત્પર હોય છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખતાનો આહાર આરોગે છે. 15 દુ:ખીજનો માટે બધાય દહાડા દુ:ખના હોય છે, પણ આનંદી દિલવાળા સદા મહેફિલ માણે છે. 16 વિપુલ ધન સાથે વિપત્તિમાં જીવવું તે કરતાં અલ્પ ધન હોય પણ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર હોય તે ઉત્તમ છે. 17 પ્રેમાળ લોકોની સંગતમાં શાકભાજી ખાવાં એ ઘૃણાખોર લોકોની સાથે મિષ્ટાન આરોગવા કરતાં ઉત્તમ છે. 18 ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે. 19 આળસુનો માર્ગ કાંટાંથી ભરપૂર હોય છે, પણ સદાચારીઓનો માર્ગ સરળ હોય છે. 20 જ્ઞાની પુત્ર પિતાને આનંદ પમાડે છે, પણ માત્ર મૂર્ખ જ પોતાની જનેતાને ધિક્કારે છે. 21 અબુધો મૂર્ખાઈ આચરીને આનંદ મેળવે છે, પણ સમજુ સીધો સન્માર્ગે વિચરે છે. 22 સલાહ મેળવ્યા વિના યોજનાઓ નિષ્ફળ જાય છે, પણ જ્યાં ઘણા સલાહકારો હોય ત્યાં સફળતા સાંપડે છે. 23 પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે! 24 જીવનનો માર્ગ જ્ઞાનીને ઉન્નતિમાં. લઈ જાય છે, અને તેને મૃત્યુલોક શેઓલના પતનથી બચાવે છે. 25 પ્રભુ અહંકારીનું ઘર ભોંયભેગું કરી નાખે છે, પણ વિધવાની મિલક્તને સાચવે છે. 26 પ્રભુ દુષ્ટ ઇરાદા ધિક્કારે છે, પણ તે નિખાલસ શબ્દો ચાહે છે. 27 અન્યાયી માર્ગે નફો કરનાર પોતાના જ પરિવાર પર આફત લાવે છે, પણ લાંચ નકારનાર આબાદીમાં જીવશે. 28 નેકજનો વિચારપૂર્વક ઉત્તર આપે છે, પણ દુષ્ટો કટુ વાણી વહેતી મૂકે છે. 29 પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે. 30 માયાળુ ચહેરો અંત:કરણને આનંદ પમાડે છે, અને સુખદ સમાચાર છેક હાડકાં સુધી તાજગી આપે છે. 31 હિતકારક સુધારણા પ્રત્યે લક્ષ આપનાર ભરપૂર જીવન પામશે, અને તે જ્ઞાનીઓના સત્સંગમાં ભળી શકશે. 32 શિક્ષણની ઉપેક્ષા કરનાર પોતાને તુચ્છ બનાવે છે, પણ સુધારણાનો અંગીકાર કરનાર સમજ પ્રાપ્ત કરે છે. 33 પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરમાં જ્ઞાન અને શિસ્ત સમાયેલાં છે, અને સન્માન મેળવતાં પહેલાં વિનમ્ર બનવું આવશ્યક છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide