નીતિવચનો 14 - પવિત્ર બાઇબલ C.L.1 જ્ઞાની સ્ત્રીઓ પોતાનું ઘર બાંધે છે, પણ મૂર્ખ સ્ત્રીઓ પોતાને હાથે જ પોતાનું ઘર તોડી પાડે છે. 2 પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર પ્રામાણિક આચરણ કરે છે; પણ ઈશ્વરની અવજ્ઞા કરનાર દુષ્ટ આચરણ કરે છે. 3 મૂર્ખના અહંકારી શબ્દો તેને પીઠ પર સોટીના ફટકા ખવડાવે છે, પણ જ્ઞાનીના શબ્દો તેનું રક્ષણ કરે છે. 4 ખેતી કરવા બળદો ન હોય ત્યાં કોઠારો ખાલી હોય છે, પણ મજબૂત બળદોના ઉપયોગથી મબલક પાક પાકે છે. 5 વિશ્વાસુ સાક્ષી અસત્ય બોલશે નહિ; પણ જુઠ્ઠા સાક્ષીના મુખમાંથી જૂઠાણું વહે છે. 6 ઉદ્ધત જ્ઞાન શોધવા પ્રયત્ન કરે છે, પણ પામતો નથી; પણ સમજુને તો સહેલાઈથી વિદ્યા પ્રાપ્ત થાય છે. 7 મૂર્ખનો સંગ તજી દે, કારણ, તેના મુખમાં વિદ્યાની વાતો હોતી નથી. 8 જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે. 9 મૂર્ખ પાપથી પાછા ફરવાની વાતને મજાકમાં ઉડાવે છે, પણ સજ્જનો પાપ માટે ઈશ્વરની ક્ષમા ચાહે છે. 10 અંત:કરણ પોતે જ પોતાની વેદના જાણે છે; અને તેના આનંદમાં બીજું કોઈ ભાગીદાર થઈ શકતું નથી. 11 દુષ્ટનું મકાન જમીનદોસ્ત થઈ જશે, પણ સજ્જનનો તંબૂ ટકી રહેશે. 12 એક એવો માર્ગ છે જે માણસને સીધો લાગે, પણ અંતે તો તે મૃત્યુ તરફ દોરી જાય છે. 13 હોઠ પર હાસ્ય હોય ત્યારે પણ હૃદય ખિન્ન હોઈ શકે, અને આનંદની સમાપ્તિ પછી પણ વેદના ટકી રહે છે. 14 કુટિલ જનને તેનાં દુરાચરણનાં ફળ ભોગવવાં પડશે, પણ સદાચારીને તેનાં સત્કર્મોનું ફળ મળશે. 15 અબુધ ગમે તે વાત સ્વીકારી લે છે, પણ ચતુર માણસ ચોક્સાઈપૂર્વક વર્તે છે. 16 જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે. 17 ઝટ ક્રોધ કરનારા મૂર્ખાઈભર્યાં કાર્યો કરી બેસે છે, અને કપટીનો તિરસ્કાર થાય છે. 18 અબુધો પોતાને મૂર્ખતાથી શણગારે છે, પણ ચતુરો પોતાના શિરને જ્ઞાનરૂપી મુગટથી સજાવે છે. 19 દુર્જનોને સજ્જનોના ચરણે ઝૂકવું પડે છે, અને દુષ્ટોને નેકજનોના દરવાજે થોભવું પડે છે. 20 ગરીબને એના મિત્રો પણ ટાળે છે, પણ ધનવાનને તો ઘણા ચાહકો હોય છે. 21 ક્ષુધાતુર જનને ટાળવો એ પાપ છે, પણ ગરીબો પ્રત્યે ભલાઈ દર્શાવનાર આશિષ પામશે. 22 શું કપટી ષડયંત્રો રચનારા જ ગેરમાર્ગે દોરવાતા નથી? પણ ભલાઈ કરનારને સન્માન અને વિશ્વાસપાત્રતા મળશે. 23 સખત પરિશ્રમથી લાભ થાય છે, પણ ખાલી વાતો ગરીબીમાં ધકેલી દે છે. 24 જ્ઞાનીઓનો મુગટ તેમનું જ્ઞાન છે, પણ મૂર્ખોની કંઠમાળા તેમની મૂર્ખામી જ છે. 25 સત્યભાષક સાક્ષી ઘણા જીવ બચાવે છે, પણ કપટી જૂઠાણું ફેલાવે છે. 26 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર માણસને દૃઢ વિશ્વાસ અને તેના કુટુંબને સલામતી બક્ષે છે. 27 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનનું ઝરણું છે, તે માણસને મૃત્યુના પાશમાંથી બચાવે છે. 28 રાજાની મહત્તા પ્રજાજનોની સંખ્યા પર અવલંબે છે; પ્રજા વિના રાજા હોઈ શકે જ નહિ. 29 સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે. 30 ચિત્તની શાંતિ શરીરને સ્વસ્થ રાખે છે, પણ ઈર્ષા હાડકાંના સડા સમાન છે. 31 ગરીબો પર જુલમ ગુજારનાર પોતાના સર્જનહારનું અપમાન કરે છે; પણ કંગાલો પ્રત્યે દયા દર્શાવનાર ઈશ્વરને સન્માન આપે છે. 32 દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે. 33 સમજુ માણસનું હૃદય જ્ઞાનપૂર્ણ હોય છે, પણ મૂર્ખાઓ જ્ઞાન વિષે તદ્દન અજ્ઞાત હોય છે. 34 નેકી પ્રજાને મહાન બનાવે છે, પરંતુ પાપ કોઈપણ પ્રજા માટે કલંકરૂપ છે. 35 કાર્યદક્ષ અધિકારીઓ પર રાજાની મહેર રહે છે, પણ કાર્યમાં નિષ્ફળ નીવડનાર અધિકારીઓને તે શિક્ષા કરે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide