નીતિવચનો 13 - પવિત્ર બાઇબલ C.L.1 શાણો પુત્ર પિતાની શિખામણ માને છે, પણ ઉદ્ધત પુત્ર ઠપકાની ઉપેક્ષા કરે છે. 2 યોગ્ય વાણીથી માણસ સારાં વાનાં પ્રાપ્ત કરે છે, પણ કપટી લોકો હિંસાખોરીના ભૂખ્યા હોય છે. 3 સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે. 4 આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે. 5 નેકજન જૂઠાણાને ધિક્કારે છે, પણ દુષ્ટની વાણી શરમજનક અને ઘૃણાસ્પદ હોય છે. 6 નેકી નિર્દોષ માણસોનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીઓનો નાશ કરે છે. 7 કેટલાક શ્રીમંતાઈનો ડોળ કરે છે, પણ વાસ્તવમાં તેમની પાસે કશું હોતું નથી; કેટલાક ગરીબીનો દેખાવ કરે છે; પણ તેમની પાસે અઢળક સંપત્તિ હોય છે. 8 ધનવાને પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે, પણ ગરીબને કોઈ એવી ધમકી આપતું નથી. 9 નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે. 10 અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે. 11 ખોટી ઉતાવળથી મેળવેલું ધન ઝાઝું ટકતું નથી, પણ રફતે રફતે મહેનતથી રળેલું ધન વૃદ્ધિ પામે છે. 12 આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થવાથી મન ઝૂરે છે, પણ ફળીભૂત થયેલી આશા જીવનના વૃક્ષ સમાન છે. 13 ચેતવણીની અવગણના કરનાર નાશ નોતરે છે, પણ આજ્ઞાપાલન કરનારને યોગ્ય બદલો મળે છે. 14 જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે; તેના દ્વારા મૃત્યુના ફાંદામાંથી બચી જવાય છે. 15 સમજુ જનોના શિષ્ટાચારથી સદ્ભાવના પ્રાપ્ત થાય છે, પણ કપટીઓનો વર્તાવ કઠોર હોય છે. 16 શાણા માણસો પોતાનાં કામ વિચારપૂર્વક કરે છે, પણ મૂર્ખાઓ તેમની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે. 17 દુષ્ટ સંદેશક કટોકટી પેદા કરે છે, પણ વિશ્વાસપાત્ર રાજદૂત શાંતિ સ્થાપે છે. 18 શિસ્તની ઉપેક્ષા કરનાર કંગાલ અને અપમાનિત થશે, પણ ઠપકો સ્વીકારીને શીખનાર સન્માન પામશે. 19 સારી આકાંક્ષાની પરિપૂર્તિ આત્માને આનંદ પમાડે છે, પણ દુષ્ટતાનો ત્યાગ મૂર્ખોને કંટાળાજનક લાગે છે. 20 જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે. 21 આપત્તિ પાપીઓનો પીછો કરે છે, પણ નેકજનોને સુખ સાંપડે છે. 22 સજ્જ્નો પોતાના વંશજો માટે વારસો મૂકી જાય છે, પણ પાપીઓએ સંઘરેલી માલમતા નેકજનોને ફાળે આવશે. 23 ગરીબોની પડતર જમીનમાં પૂરતું અનાજ પાકે છે, પણ એ પેદાશ પણ અન્યાયથી પચાવી પાડવામાં આવે છે. 24 પોતાના પુત્રને શિક્ષા ન કરનાર પિતા તેનો દુશ્મન છે, પણ પુત્ર પર સાચો પ્રેમ રાખનાર તેને સમયસર શિક્ષા કરે છે. 25 નેકજન પોતાની ક્ષુધા સંતોષવા પૂરતું જ આરોગે છે, પણ દુષ્ટોનું પેટ ભરાતું જ નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide