Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 12 - પવિત્ર બાઇબલ C.L.

1 વિદ્યા પર પ્રીતિ રાખનાર શિસ્ત પણ ચાહે છે; ઠપકાને ધિક્કારનાર મૂર્ખ છે.

2 સજ્જન પ્રભુની કૃપા મેળવે છે, પણ કપટીને ઈશ્વર દોષિત ઠરાવે છે.

3 દુષ્ટ આચરણથી માણસ સ્થિર થશે નહિ, પણ નેકજનોનાં મૂળ ઉખેડી શકાશે નહિ,

4 ચારિયશીલ પત્ની તેના પતિ માટે ગૌરવના મુગટ સમાન છે, પણ નિર્લજ્જ પત્ની તેનાં હાડકાંના સડા સમાન છે.

5 નેકજનોના ઇરાદાઓ નેક હોય છે, પણ દુષ્ટોની સલાહ કુટિલ હોય છે.

6 દુષ્ટોની વાણી જીવલેણ ફાંદો છે, પણ સદાચારીની વાણી ઉગારનારી હોય છે.

7 દુષ્ટોનું પતન થાય ત્યારે તેઓ હતા ન હતા થઈ જાય છે, પણ નેકજનનું કુટુંબ ટકી રહે છે.

8 માણસ પોતાની જ્ઞાનયુક્ત વાણીથી પ્રશંસા પામે છે, પણ ગૂંચવાડો પેદા કરનાર તિરસ્કાર પામે છે.

9 મોટાઈનો દેખાવ કરી ભૂખે મરવું, એના કરતાં સામાન્ય જન તરીકે રોજી રળવી એ વધુ સારું છે.

10 નેકજન પોતાનાં પશુઓની પણ દરકાર લે છે, પણ દુષ્ટોના દયાભાવમાં પણ ક્રૂરતા હોય છે.

11 પોતાની જમીન પર જરૂરી પરિશ્રમ કરનારને મબલક પાક મળે છે, પણ વ્યર્થ કલ્પનાઓમાં રાચનાર અણસમજુ છે.

12 દુષ્ટોના કિલ્લાઓ જમીનદોસ્ત થશે, પણ નેકજનોનાં મૂળ દઢ રહે છે.

13 દુષ્ટો પોતાનાં જૂઠાણાની જાળમાં સપડાય છે, પણ નેકજનો સંકટમાંથી માર્ગ શોધી કાઢે છે.

14 માણસ યોગ્ય વાણીથી સારાં વાનાં પ્રાપ્ત કરે છે, અને તેના હાથની મહેનતના પ્રમાણમાં વેતન મેળવે છે.

15 મૂર્ખ હંમેશાં પોતાની વાત સાચી માને છે, પણ જ્ઞાની સારી સલાહ સાંભળે છે.

16 મૂર્ખ સહેજમાં ગુસ્સે થઈ જાય છે, પણ શાણો અપમાનને ગળી જાય છે.

17 સાચી સાક્ષી આપનાર ન્યાયનું કામ સરળ બનાવે છે, પણ જૂઠી સાક્ષી આપનાર પોતાનું કપટ પ્રગટ કરે છે.

18 વગર વિચાર્યા બોલ તલવારના જેવા ઘા કરે છે, પણ જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.

19 સત્યભાષી હોઠની સત્યતા શાશ્વત છે, પણ જૂઠાબોલી જીભનું જૂઠ પલકભર ટકે છે.

20 કાવતરાખોરોના મનમાં કપટ હોય છે, પણ શાંતિની હિમાયત કરનારાઓના મનમાં આનંદ હોય છે,

21 નેકજનોને કંઈ નુક્સાન થશે નહિ; પણ દુષ્ટોને પારાવાર હાનિ થશે.

22 પ્રભુ જૂઠું બોલનારને ધિક્કારે છે, પણ તે સત્યભાષકોથી પ્રસન્‍ન થાય છે.

23 શાણો માણસ પોતાના જ્ઞાનને ઢાંકે છે, પણ મૂર્ખ પોતાના અજ્ઞાનનો ઢંઢેરો પીટાવે છે.

24 ખંતથી પરિશ્રમ કરનાર બઢતી પ્રાપ્ત કરે છે, પણ આળસુએ તો વેઠ જ કરવાની હોય છે.

25 મનની ચિંતા માણસને હતાશ કરે છે, પણ પ્રોત્સાહનના શબ્દો તેને આનંદિત કરે છે.

26 નેકજન વિપત્તિમાંથી ઊગરી જાય છે, પણ દુષ્ટને તેનું આચરણ વિનાશમાં દોરી જાય છે.

27 આળસુ શિકારી શિકાર પ્રાપ્ત કરતો નથી, પણ ઉદ્યમીને અઢળક ખજાનો મળે છે.

28 નેકીના માર્ગમાં જીવન છે; એ માર્ગે ચાલવામાં મરણ નથી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan