Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 11 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ ખોટાં ત્રાજવાં વાપરનારને ધિક્કારે છે, પણ સાચાં વજનિયાં વાપરનારથી તે પ્રસન્‍ન થાય છે.

2 અહંકાર આવે પછી અપકીર્તિ આવે છે, પણ નમ્ર થવામાં શાણપણ છે.

3 સજજનો પ્રામાણિક્તાથી દોરવાય છે, પણ દગાબાજો પોતાના કૂડકપટથી નાશ પામશે.

4 કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.

5 નેકી સદાચારીનું જીવન સરળ બનાવે છે, પણ દુષ્ટ પોતાની દુષ્ટતાથી જ પાયમાલ થાય છે.

6 નેકી પ્રામાણિકજનને ઉગારે છે, પણ કપટી પોતાના લોભમાં ફસાઈ જાય છે.

7 દુષ્ટની આકાંક્ષાઓ તેના મૃત્યુ સાથે જ લોપ થાય છે, અને તેણે પોતાના ધન પર બાંધેલો મદાર વ્યર્થ નીવડે છે.

8 સદાચારી સંકટમાંથી ઉગરી જાય છે, પણ દુષ્ટ એ સંકટમાં સપડાય છે.

9 નાસ્તિકની વાતોથી બીજાનો વિનાશ થાય છે, પણ નેકજનની વિદ્યા તેને બચાવી લે છે.

10 નેકજનોની આબાદીમાં આખું નગર હરખાય છે, પણ દુષ્ટોનો નાશ થાય ત્યારે લોકો હર્ષનાદ કરે છે.

11 સદાચારીની આશિષથી નગરની ઉન્‍નતિ થાય છે, પણ દુષ્ટોના શબ્દોથી તેનો ઉચ્છેદ થાય છે.

12 બીજાઓને ઉતારી પાડનાર અક્કલહીન છે, પણ સમજુ માણસ મૌન જાળવે છે.

13 કૂથલીખોર ખાનગી વાતો જાહેર કરે છે, પણ વિશ્વાસપાત્ર જન રહસ્ય સાચવે છે.

14 યોગ્ય નેતાગીરીના અભાવે પ્રજાનું પતન થાય છે, પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે.

15 અજાણી વ્યક્તિનો જામીન થનાર પસ્તાય છે, પણ જામીન થવાનો નકાર કરનાર નિશ્ર્વિંત રહે છે.

16 સુશીલ સ્ત્રી સન્માન પામે છે, પણ દુર્ગુણી સ્ત્રી નામોશી વહોરી લે છે. બીકણ માણસને સંપત્તિ સાંપડશે નહિ, પણ સાહસિક માણસ સંપત્તિ પ્રાપ્ત કરશે.

17 દયા દર્શાવનાર પોતાનું જ હિત કરે છે, પણ નિર્દય માણસ પોતાને જ ઘાયલ કરે છે.

18 દુષ્ટોની કમાણી ઠગારી નીવડે છે, પણ નેકી વાવનારને ઉત્તમ પુરષ્કાર મળે છે.

19 નેક આચરણ કરવાને કટિબદ્ધ થનાર ભરપૂર જીવન સંપાદન કરશે, પણ ભૂંડાઈની પાછળ પડનાર મૃત્યુને શરણ થશે.

20 પ્રભુ કુટિલ મનવાળાને ધિક્કારે છે, પણ તે સદાચારીથી પ્રસન્‍ન થાય છે.

21 ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે.

22 વિવેક વગરની સ્ત્રીનું સૌંદર્ય ભૂંડના નાકમાંની સોનાની નથણી સમાન છે.

23 નેકજનોની આકાંક્ષાઓની પરિપૂર્તિ કલ્યાણકારી હોય છે, પણ દુષ્ટો તો કોપની જ આશા રાખી શકે.

24 કેટલાક છૂટે હાથે વેરે તોય ધનવાન બને છે. જ્યારે કેટલાક કરક્સર કર્યા કરે તો ય વધુ ગરીબ બની જાય છે.

25 ઉદારતા દાખવનાર તેનો બદલો પામશે, “તું કોઈકને પાણી પીવડાવીશ તો કોઈક તને ય પાશે.”

26 અનાજનો સંગ્રહ કરનાર પર લોકો શાપ વરસાવે છે, પણ અનાજ વેચવા કાઢનારને લોકો આશીર્વાદ આપે છે.

27 ખંતથી ભલું કરનાર સદ્ભાવના પ્રાપ્ત કરશે, પણ ભૂંડાઈ આચરનારને ભૂંડાઈ જ મળશે.

28 પોતાના ધન પર ભરોસો રાખનાર પાનખરનાં પાનની જેમ ખરી પડશે, પણ નેકજનો વસંતનાં પર્ણોની જેમ ખીલી ઊઠશે.

29 પોતાના કુટુંબને દુ:ખી કરનાર વા ખાતો રહેશે, અને મૂર્ખ જ્ઞાનીનો ગુલામ બનશે.

30 નેક આચરણનું ફળ એ જીવનનું વૃક્ષ છે, પણ જ્ઞાની જિંદગીઓ ઉગારી લે છે.

31 નેકજનને આ પૃથ્વી પર જ પુરસ્કાર મળે છે; એટલે દુષ્ટો તથા પાપીઓને અહીં જ બદલો ચૂકવાશે એ કેટલું સચોટ છે!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan