નીતિવચનો 10 - પવિત્ર બાઇબલ C.L.શલોમોનનાં સુભાષિતો 1 આ શલોમોન રાજાનાં સુભાષિતો છે: જ્ઞાની પુત્ર પોતાના પિતાને આનંદ પમાડે છે; પણ મૂર્ખ પુત્ર પોતાની માતાને માટે દુ:ખદાયક છે. 2 ભ્રષ્ટાચારથી ભેગા કરેલા ધનથી ભલું થતું નથી, પણ નેકી મૃત્યુના મુખમાંથી ઉગારી શકે છે. 3 પ્રભુ નેકજનને ભૂખે મરવા દેશે નહિ; પણ તે દુષ્ટોની લાલસા ધૂળમાં મેળવે છે. 4 આળસુ હાથ ગરીબી નોતરે છે, પણ ઉદ્યમી હાથ આબાદી લાવે છે. 5 લણણી વખતે અનાજનો સંગ્રહ કરનાર પુત્ર દૂરંદેશી ગણાય છે; પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનાર પુત્ર કલંક લગાડે છે. 6 નેકજનોને લોકો આશિષ આપે છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે. 7 નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે. 8 શાણો માણસ આજ્ઞા માથે ચડાવે છે, પણ સામી દલીલો કરનાર મૂર્ખ પાયમાલ થશે. 9 સદાચારી સલામતી અનુભવે છે, પણ દુરાચારી પકડાઈ જાય છે. 10 આંખ આડા કાન કરનારા મુસીબતો ઊભી કરે છે, પણ નિખાલસ દયે ઠપકો દેનાર શાંતિ સ્થાપે છે. 11 નેકજનોની વાણી જીવનનું ઝરણું છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે. 12 ધૃણાથી ઝઘડા પેદા થાય છે, પણ પ્રેમ બધા દોષોની દરગુજર કરે છે. 13 સમજુ માણસની વાતો જ્ઞાનયુક્ત હોય છે, પણ અક્કલહીન માટે તો શિક્ષાની સોટી હોય છે, 14 જ્ઞાનીજનો તેમની વિદ્યાનું પ્રદર્શન કરતા નથી, પણ મૂર્ખના શબ્દો નાશ નોતરે છે. 15 સંપત્તિવાનની સંપત્તિ તેને માટે ગઢ સમાન છે, પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. 16 નેકજનની કમાણી જીવવા માટે હોય છે, પણ દુષ્ટની કમાણી મૃત્યુ છે. 17 શિસ્તમય આચરણ કરનાર જીવનના માર્ગે ચાલે છે, પણ શિખામણની અવજ્ઞા કરનાર તે માર્ગેથી ભટકી જાય છે. 18 કપટી શબ્દોથી દ્વેષભાવ છુપાવનાર અને કૂથલી ફેલાવનાર મૂર્ખ છે. 19 બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે. 20 નેકજનના શબ્દો શુદ્ધ ચાંદી સમાન હોય છે, પણ દુષ્ટના વિચારો નિરર્થક હોય છે. 21 નેકજનના શબ્દો ઉન્નતિકારક નીવડે છે, પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈને લીધે માર્યો જાય છે. 22 પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી. 23 બીભત્સ વર્તનથી મૂર્ખને આનંદ પ્રાપ્ત થાય છે, પણ સમજુને જ્ઞાનથી આનંદ મળે છે. 24 નેકજનની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે, પણ દુષ્ટો જેનાથી ડરે છે તે વિપત્તિઓ જ તેમના પર આવી પડશે. 25 વાવાઝોડું ફૂંકાશે ત્યારે દુષ્ટો હતા ન હતા થઈ જશે, પણ નેકજનોનો પાયો સદાકાળ ટકશે. 26 જેમ દાંતને સરકો અને આંખને ધૂમાડો ત્રાસરૂપ હોય છે, તેમ આળસુ માણસ તેને કામ સોંપનાર માટે ત્રાસજનક હોય છે. 27 પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી આયુષ્ય વધે છે, પણ દુષ્ટો અકાળે મોત પામે છે. 28 નેકજનોની આકાંક્ષાઓ આનંદમાં પરિણમે છે, પણ દુષ્ટોની આશાઓ નિષ્ફળ જાય છે. 29 પ્રભુ પ્રામાણિકજનોના રક્ષક છે, પણ તે દુરાચારીઓનો વિનાશ કરે છે. 30 નેકજન હમેશાં અવિચળ રહેશે, પણ દુષ્ટો ધરતી પર કાયમ ટકશે નહિ. 31 નેકજનનું બોલવું જ્ઞાનપ્રદ હોય છે, પણ કપટીને તો બોલતો જ બંધ કરવામાં આવશે. 32 નેકજનના હોઠમાંથી ભલાઈ ટપકે છે, પણ દુષ્ટો તો કપટ ઓકે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide