નીતિવચનો 1 - પવિત્ર બાઇબલ C.L.સુભાષિતોનું મૂલ્ય 1 ઇઝરાયલના રાજા, દાવિદના પુત્ર શલોમોનનાં સુભાષિતો: 2 આ સુભાષિતો જ્ઞાન અને શિસ્ત વિષે શિક્ષણ પ્રાપ્ત કરવા અને પરખાયેલાં કથનો સમજવા માટે સહાયરૂપ છે. 3 તે શિસ્તપૂર્વક અને ડહાપણપૂર્વક આચરણ કરતાં તથા નેકી, ઇન્સાફ અને શુદ્ધતામય જીવન જીવતાં શીખવે છે, 4 તે અબુધોને ચતુર બનાવે છે, અને યુવાનોને વિદ્યા અને વિવેક બક્ષે છે. 5-6 તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે. જ્ઞાનપ્રાપ્તિનો મુદ્રાલેખ 7 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે; પણ મૂર્ખો જ્ઞાન અને શિસ્તનો તિરસ્કાર કરે છે. પ્રથમ સંબોધન - યુવાનોને સલાહ 8 મારા પુત્ર તારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપ, અને તારી માતાના શિક્ષણની ઉપેક્ષા કરીશ નહિ. 9 એ શિસ્ત તારા શિર પર યશકલગીરૂપ અને એ શિક્ષણ તારા ગળામાં શોભાયમાન હાર સમાન બની રહેશે. 10 મારા પુત્ર, પાપીઓ તને પ્રલોભનોમાં ફસાવવા પ્રયાસ કરે, ત્યારે તું લલચાઈશ નહિ. 11 જો તેઓ કહે, “અમારી સાથે આવ, આપણે ખૂન કરવા સંતાઈ જઈએ, અને કોઈ નિર્દોષને વિનાકારણ રંજાડવા લપાઈ રહીએ; 12 આપણે તેમને મૃત્યુલોક શેઓલની માફક જીવતા જ ગળી જઈએ અને ગર્તામાં જનારની જેમ તેમને આખાને આખા ઉતારી દઈએ; 13 આપણે જાતજાતની કીમતી ચીજો પ્રાપ્ત કરીએ, અને આપણાં ઘર લૂંટેલા ખજાનાથી છલકાઈ જશે! 14 માટે તું અમારી ટોળકીમાં જોડાઈ જા, અને લૂંટમાં આપણે સરખા ભાગીદાર થઈશું.” 15 તો મારા પુત્ર એવા માણસોના માર્ગને તું અનુસરીશ નહિ, અને તારાં પગલાં તેમના રસ્તાથી દૂર રાખજે. 16 કારણ, તેઓ દુષ્ટતા આચરવા દોડી જાય છે, અને ખૂન કરવા સદા તત્પર હોય છે. 17 પક્ષીના દેખતાં તેને પકડવાની જાળ બિછાવવી નિરર્થક છે. 18 પરંતુ એવા માણસો તો જાણે પોતાનું જ લોહી વહેવડાવા છુપાઈ રહ્યા હોય છે, અને પોતાની જાતને જ હાનિ કરવા લપાઈ રહ્યા હોય છે. 19 લૂંટ કરનારાઓનો આખરી અંજામ એ જ હોય છે, જુલમ કરી જીવનારા જુલમનો જ ભોગ બને છે. જ્ઞાનનો પોકાર 20 સાંભળો, જ્ઞાન શેરીઓમાં પોકારે છે, અને તે ચૌટેચકલે હાંક મારે છે. 21 બજારમાં ભીડના સ્થળે તે સાદ પાડે છે, અને નગરના નાકે સંબોધન કરે છે. 22 “હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો? 23 જો તમે મારો ઠપકો લક્ષમાં લેશો, તો હું તમારી આગળ મારું દિલ ઠાલવી દઈશું, અને તમને મારા વિચારો પ્રગટ કરીશ. 24 હું તમને બોલાવ્યા કરું છું; પણ તમે સાંભળતા નથી; હું મારો હાથ પ્રસારું છું, પણ તમે લક્ષ આપતા નથી. 25 મારી સર્વ સલાહની તમે અવગણના કરી છે, અને તમને સુધારવા માટેનો મારો ઠપકો નકાર્યો છે. 26 તેથી તમારા પર અચાનક વિપત્તિ આવી પડે ત્યારે હું અટ્ટહાસ્ય કરીશ; આતંક તમને પકડી પાડે ત્યારે હું તમારી મજાક ઉડાવીશ. 27 તોફાનની જેમ મહાઆપત્તિ અને વંટોળની જેમ મુશ્કેલીઓથી તમે ઘેરાઈ જશો અને ભારે પીડા તથા વ્યથા અનુભવશો, ત્યારે હું તમારો ઉપહાસ કરીશ. 28 ત્યારે તમે મને એટલે જ્ઞાનને પોકારશો, પણ હું ઉત્તર આપીશ નહિ; તમે મને આતુરતાથી શોધશો, પરંતુ હું તમને મળીશ નહિ. 29 કારણ, તમે વિદ્યાનો સતત તિરસ્કાર કર્યો છે, અને પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર રાખ્યો નથી. 30 તમે મારી સલાહ કદી માની નથી, અને મારી બધી શિખામણની તમે ઉપેક્ષા કરી છે. 31 તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે. 32 જ્ઞાનનો અનાદર કરનાર અબુધો મૃત્યુને ભેટશે, અને મૂર્ખોની બેદરકારી તેમના જ વિનાશનું નિમિત્ત બનશે. 33 પરંતુ મારી વાત સાંભળનાર દરેક સુરક્ષિત રહેશે, અને કોઈ વિપત્તિનો ડર રાખ્યા વિના તે નિર્ભય રહેશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide