ફિલિપ્પીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરની પાસે આવવાનો સાચો માર્ગ 1 અંતમાં, મારા ભાઈઓ, પ્રભુમાં હંમેશાં આનંદ કરો. એની એ જ વાત ફરીથી લખતાં મને કંટાળો આવતો નથી. તે તો તમારી સલામતીને માટે છે. 2 જેઓ ભૂંડું કરે છે અને વ્યર્થ સુન્નત પર ભાર મૂકે છે તેવા કૂતરા જેવા માણસોથી સાવધ રહો. 3 આપણે ખરા સુન્નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ. 4 આપણે બાહ્ય વિધિઓ પર ભરોસો રાખતા નથી. આવી બાબતોમાં જો કોઈ ધારે કે બાહ્ય વિધિઓથી તે સલામત છે તો તે પ્રમાણે ભરોસો રાખવાનાં મારે વધારે કારણો છે. 5 જ્યારે હું આઠ દિવસનો હતો ત્યારે મારી સુન્નત કરવામાં આવી હતી. હું જન્મથી ઇઝરાયલી, બિન્યામીનના કુળનો છું અને મારામાં માત્ર હિબ્રૂ લોહી જ છે. યહૂદી નિયમશાસ્ત્રના ચુસ્ત પાલન સંબંધી જણાવું તો હું ફરોશી હતો, 6 અને હું એટલો બધો ધગશવાળો હતો કે મેં મંડળીની સતાવણી કરી હતી. નિયમશાસ્ત્રની આજ્ઞાઓને આધીન થઈને ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તું હોય તો હું નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ છું. 7 પણ જે બાબતોને મેં લાભદાયી ગણી હતી તે બધીને હવે ખ્રિસ્તને લીધે હું નુક્સાનકારક ગણું છું. 8 ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેના જ્ઞાનના મૂલ્યને લીધે હું માત્ર એટલી જ બાબતો નહિ, પણ સર્વ બાબતોને નુક્સાનકારક ગણું છું. તેમને લીધે મેં બધી બાબતોને બાજુ પર ફેંકી દીધી છે. હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું માટે તે સર્વને કચરો ગણું છું. 9 જેથી હું તેમની સાથે પૂરેપૂરી રીતે એકરૂપ થાઉં. નિયમના પાલન દ્વારા પ્રાપ્ત થતો ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ નહિ, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર સાથે સ્થપાતો સીધી વ્યક્તિ તરીકેનો સંબંધ હું ધરાવું છું. આ સુમેળભર્યો સંબંધ ઈશ્વર પોતે જ સ્થાપિત કરે છે અને તે વિશ્વાસ પર આધારિત છે. 10 આ જ મારી ઝંખના છે: હું ખ્રિસ્તને જાણું, તેમના સજીવન થવામાં પ્રગટ થયેલ સામર્થ્યનો અનુભવ કરું, તેમનાં દુ:ખોમાં ભાગ લઉં અને તે તેમના મરણમાં જેવા હતા તેવો બનું. 11 વળી, એવી આશા રાખું છું કે, હું પણ મરણમાંથી સજીવન થાઉં. નિશાનની તરફ દોડ 12 એ સર્વ બાબતો મેં પ્રાપ્ત કરી લીધી છે, કે હું સંપૂર્ણ થઈ ગયો છું એવો મારો દાવો નથી. પણ હું એને માટે આગળ ધપી રહ્યો છું, કારણ, ખ્રિસ્ત ઈસુએ મને એ મેળવવા માટે જીતી લીધો છે. 13 જો કે ભાઈઓ, હું પહોંચી ગયો છું તેમ હું માનતો નથી. એક બાબત હું કરું છું: જે મારી પાછળ છે તેને હું ભૂલી જાઉં છું અને જે આગળ છે તે તરફ પહોંચવાને હું મારાથી બનતું બધું કરું છું. 14 તેથી હું સીધો જ નિશાન તરફ દોડું છું, એ માટે કે મને ઈનામ મળે. એ ઈનામ તો ખ્રિસ્ત ઈસુની મારફતે ઉપરના જીવન માટે ઈશ્વરનું આમંત્રણ છે. 15 આપણે સૌ જેઓ આત્મિક રીતે દૃઢ છીએ તેમણે આવું જ વલણ રાખવું જોઈએ. જો કે તમારામાંના કેટલાકનું વલણ જુદું હોય તો ઈશ્વર તેને સ્પષ્ટ કરશે. 16 ગમે તે હોય, જે રીતે આપણે અત્યાર સુધી અનુસર્યા છીએ તે જ રીતે આગળ વધીએ. 17 ભાઈઓ, તમે બધા મારું અનુકરણ કરો. અમે તમારે માટે યોગ્ય નમૂનો મૂક્યો છે; તેથી જેઓ તેને અનુસરે છે તેમના તરફ ધ્યાન આપો. 18 મેં તમને પહેલાં આ બાબત ઘણી વાર જણાવી છે અને હાલ આંસુઓ સારતાં ફરીથી લખું છું: ખ્રિસ્તના ક્રૂસ પરનું મૃત્યુ જાણે તેમનું દુશ્મન હોય એવું જીવન ઘણા જીવે છે. 19 તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ધસી રહ્યા છે. કારણ, પોતાની શારીરિક ઇચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાનાં વાનાંમાં જ તેમનું ચિત્ત ચોંટેલું છે. 20 પણ આપણે સ્વર્ગના નાગરિક છીએ અને આપણા ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી પાછા આવે તેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. 21 જે સામર્થ્ય દ્વારા તે સર્વ બાબતોને પોતાના આધિપત્ય નીચે લાવી શકે છે તે જ સામર્થ્ય દ્વારા તે આપણા નાશવંત શરીરોને બદલી નાખશે અને તેમના મહિમાવંત શરીરના જેવાં બનાવશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide