ફિલિપ્પીઓ 2 - પવિત્ર બાઇબલ C.L.ખ્રિસ્તની નમ્રતા અને મહાનતા 1 શું ખ્રિસ્તમાં તમારું જીવન તમને પ્રોત્સાહન આપે છે? શું તેમનો પ્રેમ તમને દિલાસો આપે છે? શું પવિત્ર આત્મા સાથે તમારી સંગત છે? 2 શું તમને એકબીજાને માટે મમતા અને લાગણી છે? તો પછી મારી વિનંતી છે કે મારો આનંદ સંપૂર્ણ કરવા માટે તમે એક મનના થાઓ, એક્સરખો પ્રેમ બતાવો, એક જીવના તથા એક દિલના થાઓ. 3 સ્વાર્થી મહત્ત્વાક્ંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો. 4 માત્ર પોતાના હિતનો જ નહિ, પણ બીજાઓના હિતનો ખ્યાલ રાખો 5 ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો: 6 પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તે વળગી રહ્યા નહિ. 7 એને બદલે, તેમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. 8 તેમણે મરણ સુધીની, અરે, ક્રૂસ પરના મરણ સુધીની આધીનતા દાખવતાં પોતાને નમ્ર કર્યા. 9 આ કારણથી ઈશ્વરે તેમને સર્વોચ્ચ સ્થાને મૂક્યા અને સૌ નામોમાં શ્રેષ્ઠ નામ આપ્યું; 10 જેથી ઈસુના નામના સન્માન અર્થે આકાશમાંના, પૃથ્વી પરનાં તથા પૃથ્વી તળેનાં સૌ ધૂંટણે પડે, 11 અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે. દુનિયામાં જ્યોતિઓ જેવા પ્રકાશો 12 આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો. 13 કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે. 14 બડબડાટ કે તકરાર કર્યા વગર બધું કરો; 15 જેથી તમે અપ્રામાણિક અને ભ્રષ્ટ લોકો મયે ઈશ્વરનાં સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધ અને નિર્દોષ થાઓ. તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતાં તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ. 16 જો તમે તેમ કરો, તો ખ્રિસ્તના આગમનના દિવસે મને અભિમાન કરવાનું કારણ મળશે કે મારો પ્રયત્ન અને મારું કાર્ય નિરર્થક ગયાં નથી. 17 તમારા વિશ્વાસના અર્પણ પર જો મારે પેયાર્પણ તરીકે રેડાઈ જવું પડે તો તે માટે હું ખુશી છું અને તમારા સૌની સાથે આનંદ કરું છું. 18 આ જ રીતે તમે પણ ખુશ થાઓ અને મારી સાથે આનંદ કરો. તિમોથી અને એપાફ્રોદિતસ 19 પ્રભુ ઈસુમાં હું આશા રાખું છું કે હું તિમોથીને જલદીથી તમારી પાસે મોકલી શકીશ; જેથી તમારા સમાચાર જાણીને મને નિરાંત વળે. 20 એકલો તે જ એવો છે કે જે મારી લાગણીઓ સમજે છે અને તમારી બરાબર કાળજી રાખે છે. 21 પરંતુ બીજા બધા તો ખ્રિસ્ત ઈસુની નહિ, પણ પોતાની જ વાતની ચિંતા રાખે છે. 22 તેની યોગ્યતાની તમને પણ જાણ છે: જેમ પુત્ર પિતાની સાથે ક્મ કરે તેમ તેણે શુભસંદેશના પ્રચાર અર્થે મારી સાથે ક્મ કર્યું છે. 23 મારું શું થવાનું છે તે મને ખબર પડે કે તરત જ હું તેને તમારી પાસે મોકલવાની આશા રાખું છું. 24 અને હું પ્રભુમાં ભરોસો રાખું છું કે હું પણ તમારી પાસે જલદીથી આવી શકીશ. 25 ભાઈ એપાફ્રોદિતસને તમારી પાસે મોકલવાની મને જરૂર જણાય છે. તેણે મારી સાથે રહીને સહકાર્યકર અને સાથી સૈનિક તરીકે કાર્ય કર્યું છે. તમારા સંદેશવાહક તરીકે તથા મારા મદદનીશ તરીકે તેણે મારી સેવા કરી છે. 26 તે તમારા સૌની મુલાકાત લેવાને ઘણો આતુર છે. તે માંદો છે એવું તમે સાંભળ્યું છે તેથી તે ઉદાસ છે. 27 ખરેખર તે મરણતોલ માંદો હતો, પણ ઈશ્વરે તેના પર દયા કરી. માત્ર તેના પર જ નહિ, પણ મારા પર પણ; એ માટે કે મને વધુ શોક ન થાય. 28 તેને તમારી પાસે મોકલવાને મેં ઘણી ઉતાવળ કરી કે જેથી તમે તેને જોઈને ફરીથી હર્ષ પામો, અને મારું દુ:ખ દૂર થાય. 29 પ્રભુમાં ભાઈ તરીકે સંપૂર્ણ આનંદથી તેનો સ્વીકાર કરજો અને એવા સર્વ માણસોને માન આપો. 30 કારણ, ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide