ફિલેમોન 1 - પવિત્ર બાઇબલ C.L.1 ઈસુ ખ્રિસ્ત માટે કેદી બનેલ અને આપણા ભાઈ તિમોથી તરફથી આપણા મિત્ર અને સહકાર્યકર ફિલેમોન, 2 અને તેના ઘરમાં મળતી મંડળી તથા આપણી બહેન આફિયા અને સાથી સૈનિક આર્ખિપસને શુભેચ્છા. 3 આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો. ફિલેમોનના પ્રેમ અને વિશ્વાસ 4 ભાઈ ફિલેમોન, જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે હંમેશાં તને યાદ કરીને હું મારા ઈશ્વરનો આભાર માનું છું. 5 કારણ, ઈશ્વરના લોક માટેનો તારો પ્રેમ અને પ્રભુ ઈસુમાંના તારા વિશ્વાસ વિષે મેં સાંભળ્યું છે. 6 મારી પ્રાર્થના છે કે તું બીજાઓને તારો વિશ્વાસ જણાવવામાં અસરકારક નીવડે; જેથી ખ્રિસ્ત ઈસુમાં મેળવાયાને લીધે તને જે આશિષો પ્રાપ્ત થઈ તેની સાચી અનુભૂતિ તારા જેવો વિશ્વાસ કરનારાઓને પણ થાય. 7 પ્રિય ભાઈ, તારા પ્રેમથી મને પુષ્કળ આનંદ થયો છે અને ઘણું ઉત્તેજન મળ્યું છે! તેં ઈશ્વરના સર્વ લોકનાં હૃદયોને પ્રફુલ્લિત કર્યાં છે. ઓનેસિમસને માટે વિનંતી 8 આ કારણથી, ખ્રિસ્તમાં તારા ભાઈ તરીકે તારે શું કરવું જોઈએ તેની હું તને હિંમતપૂર્વક આજ્ઞા આપી શકું તેમ છું. 9 પણ એને બદલે પ્રેમ મને વિનંતી કરવાની ફરજ પાડે છે. હું પાઉલ, ઈસુ ખ્રિસ્તનો રાજદૂત અને તેમને માટે હાલ કેદી હોવા છતાં આમ કરું છું. 10 ઓનેસિમસ ખ્રિસ્તમાં મારો પ્રિય પુત્ર છે, કારણ, જેલમાં હું તેનો આત્મિક પિતા બન્યો છું. હું તને તેને માટે વિનંતી કરું છું. 11 એક વખત તે તને સાવ બિનઉપયોગી હતો, પણ હવે તે આપણ બન્નેને ઉપયોગી બન્યો છે. 12 હવે હું તેને, એટલે મારા પોતાના દિલને તારી પાસે પાછો મોકલું છું, 13 તે અહીં મારી પાસે રહે તેવી મારી ઇચ્છા છે કે જેથી શુભસંદેશને લીધે જ્યારે હું જેલમાં છું ત્યારે તારી જગ્યાએ તે મને મદદ કરે. 14 છતાં તું મને મદદ કરે તેવું દબાણ કરવા હું માગતો નથી; પણ તું સ્વેચ્છાથી તેમ કરે તેવું હું ઇચ્છું છું. આથી તારી સંમતિ વિના હું કંઈ કરીશ નહિ. 15 કદાચ, ઓનેસિમસ થોડો સમય તારાથી દૂર રહ્યો એ માટે કે તે તારી પાસે સદા રહેવાને પાછો આવે. 16 હવે તે ગુલામ જ નથી, પણ ગુલામથી વિશેષ છે. તે હવે ખ્રિસ્તમાં પ્રિય ભાઈ છે. તે મને કેટલો પ્રિય છે! તને પણ તે વ્યક્તિ તરીકે અને પ્રભુમાં ભાઈ તરીકે કેટલો પ્રિય થઈ પડશે! 17 જો તું મને ભાગીદાર તરીકે સ્વીકારે છે તો જેમ તું મારો સત્કાર કરે છે તેમ તેનો પણ સત્કાર કરજે. 18 જો તેણે તને કંઈ નુક્સાન કર્યું હોય અથવા તે તારો દેવાદાર હોય તો તે મારા ખાતામાં લખજે. 19 આ શબ્દો હું મારા પોતાના હાથથી લખું છું: “હું પાઉલ એ દેવું ભરપાઈ કરી આપીશ.” તું તારા સમગ્ર જીવનને માટે મારો દેવાદાર છે તે વિષે તો હું તને કહેતો જ નથી! 20 આથી પ્રિય ભાઈ, પ્રભુને લીધે આટલું જરૂર કરજે. ખ્રિસ્તમાં ભાઈ તરીકે મારા દયને આનંદિત કર! 21 મારી વિનંતી પ્રમાણે તું કરીશ તેવી ખાતરીથી હું આ લખું છું, અને તું તેથી પણ વિશેષ કરશે તેમ હું જાણું છું. 22 વળી, સાથે સાથે મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કારણ, ઈશ્વર તમ સર્વની પ્રાર્થનાઓનો જવાબ આપશે અને હું તમારી પાસે પાછો આવીશ એવી મારી આશા છે. અંતિમ શુભેચ્છા 23 એપાફ્રાસ જે ખ્રિસ્ત ઈસુને લીધે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. 24 તે જ પ્રમાણે મારા સહકાર્યકરો માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ અને લૂક. પણ તમને શુભેચ્છા પાઠવે છે. 25 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વની સાથે રહો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide