ઓબાદ્યા 1 - પવિત્ર બાઇબલ C.L.1 ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.” અદોમને થનારી સજા 2 પ્રભુ અદોમને ઉદ્દેશીને કહે છે: “હું તને પ્રજાઓમાં છેક હલકો પાડી દઈશ; સર્વ લોકો તારો તિરસ્કાર કરશે. 3 તારા અંતરના અભિમાને તને છેતર્યો છે. તારું પાટનગર મજબૂત ખડકો પરના કિલ્લામાં છે; ઊંચે ગિરિમાળામાં તારું નિવાસસ્થાન છે. તેથી તું તારા મનમાં કહે છે, ‘મને અહીંથી નીચે પાડનાર કોણ?’ 4 “જો કે ગરુડના માળાની જેમ તું તારો નિવાસ અતિ ઊંચે બાંધે, અને એને લીધે જાણે તે ઊંચા આકાશમાં તારાઓ મધ્યે હોય એમ તને લાગે, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ. 5 “રાતે ચોર-લૂંટારા આવે તો તેમને જેટલું જોઈતું હોય તેટલું લઈ જાય છે. દ્રાક્ષ વીણતા લોકો પણ બધી ન વીણતાં થોડીઘણી તો રહેવા દે છે. પણ તને તો તારા શત્રુઓએ સંપૂર્ણ સફાચટ કરી નાખ્યો છે. 6 “હે એસાવ, તારો દેશ કેવો ખુંદાઈ ગયો છે! તારા સંતાડેલા ખજાના શોધીને કેવા લૂંટી લેવામાં આવ્યા છે! 7 તારાં મિત્ર રાજ્યોએ તને ઠગ્યો છે. તારા પોતાના જ દેશમાંથી તેમણે તને હાંકી કાઢયો છે. જેઓ તારી સાથે સુલેહશાંતિમાં હતા તેમણે જ તને જીતી લીધો છે. તારી સાથે ખાણીપીણી લેનારાઓએ જ તને જાળમાં ફસાવ્યો છે. તારે વિષે તેઓ કહે છે: ‘તેની બધી ચાલાકી ક્યાં ચાલી ગઈ?’ 8 “હું અદોમને સજા કરીશ તે દિવસે તેના શાણા માણસોનો નાશ કરીશ; એસાવના પર્વત પરના એ શાણાઓનું શાણપણ નષ્ટ કરીશ. 9 તેમાનના ભડવીરો ભયભીત થશે અને એસાવના પર્વત પરનો પ્રત્યેક લડવૈયો ક્તલમાં માર્યો જશે. અદોમની સજાનાં કારણો 10 “તેં યાકોબના વંશજો, તારા ભાઈઓને લૂંટી લઈ તેમને મારી નાખ્યા હોઈ તને સદાને માટે બટ્ટો લાગશે અને તારો સદંતર નાશ થશે. 11 વિદેશી શત્રુઓએ તેમના દરવાજા ભાંગી નાખ્યા તે દિવસે તું બાજુ પર ઊભો રહ્યો. પરદેશીઓએ યરુશાલેમની મિલક્ત લૂંટી લઈ અંદરોઅંદર વહેંચી લીધી ત્યારે તું પણ તેમના જેવો જ અધમ બન્યો. 12 યહૂદિયાના તારા ભાઈઓની દુર્દશા સામે તારે કિંગલાવું જોઈતું નહોતું. તેમની પાયમાલીના દિવસે તારે ખુશી થવું જોઈતું નહોતું. તેમની વિપત્તિના વખતે તારે તેમની હાંસી ઉડાવવી જોઈતી નહોતી. 13 મારા લોકના નગરમાં કૂચ કરી જઈ તેમની દુર્દશા પર તારે જોઈ રહેવું જોઈતું નહોતું, તેમ જ તેમની વિપત્તિના વખતે તારે તેમની સંપત્તિ પચાવી પાડવી જોઈતી નહોતી. 14 લોકો બચવાને નાસભાગ કરી રહ્યા હતા ત્યારે તેમની ક્તલ કરવા તારે ધોરી માર્ગની ચોકડીએ ઊભા રહેવું જોઈતું નહોતું; તેમજ બચી ગયેલા લોકને તેમની આપત્તિના વખતે તારે તેમના શત્રુઓને હવાલે કરવા જોઈતા નહોતા. પ્રભુ પ્રજાઓનો ન્યાય કરશે 15 “સઘળી પ્રજાઓનો ન્યાય કરવાનો મારો દિવસ પાસે છે. અદોમ, તેં જેવું કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે. તેં જે આપ્યું છે તે જ તને પાછું અપાશે. 16 મારા લોકે મારા પવિત્ર પર્વત પર સજાનો કડવો પ્યાલો પીધો છે; પણ પડોશની અન્ય સઘળી વિદેશી પ્રજાઓ એથીય વધુ કડવો પ્યાલો પીશે; તેઓ તે ગટગટાવશે અને તેમનું અસ્તિત્વ ભૂંસાઈ જશે. ઇઝરાયલનો વિજય 17 “પણ સિયોન પર્વત પર કેટલાક બચી જશે અને તે પવિત્ર સ્થાન થશે. યાકોબની પ્રજા તેના મુલક પર પોતાનો અધિકાર મેળવશે. 18 “યાકોબના વંશજો અગ્નિ સમાન અને યોસફના વંશજો જવાળા સમાન બનશે. અગ્નિજ્વાળા ખૂંપરાને ભસ્મ કરે છે તેમ તેઓ એસાવના વંશજોનો નાશ કરશે. એસાવનો એકપણ વંશજ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું. 19 “દક્ષિણ યહૂદિયાના લોકો અદોમનો કબજો લેશે; પશ્ર્વિમના પહાડી પ્રદેશના લોકો પલિસ્તિયા કબજે કરશે. ઇઝરાયલીઓ એફ્રાઈમ અને સમરૂનના પ્રદેશ કબજે કરશે; બિન્યામીનના લોકો ગિલ્યાદને કબજે કરશે. 20 ઉત્તર ઇઝરાયલના દેશનિકાલ કરાયેલાઓની સેના પાછી ફરીને છેક સારફાથ સુધીનો ઉત્તર ફિનિકિયાનો પ્રદેશ જીતી લેશે. સાર્દિસમાં વસતા યરુશાલેમના દેશનિકાલ કરાયેલાઓ દક્ષિણ યહૂદિયાનાં નગરો કબજે કરશે. 21 યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide