ગણના 9 - પવિત્ર બાઇબલ C.L.પાસ્ખાપર્વની બીજી ઉજવણી 1 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું, 2-3 “આ મહિનાના ચૌદમા દિવસે નિયત સમયે સૂર્યાસ્તથી શરૂઆત કરીને ઇઝરાયલીઓએ પાસ્ખાપર્વ તેના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે પાળવાનું છે.” 4 તેથી મોશેએ ઇઝરાયલીઓને પાસ્ખાપર્વ પાળવાની આજ્ઞા કરી. 5 તેથી પ્રથમ મહિનાના ચૌદમા દિવસની સાંજથી સિનાઈના રણપ્રદેશમાં તેમણે પાસ્ખાપર્વ પાળ્યું. પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે ઇઝરાયલીઓએ પર્વ પાળ્યું. 6 હવે કેટલાક લોકો મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અશુધ હતા. તેથી તે દિવસે તેઓ પાસ્ખાપર્વ પાળી શકે એમ નહોતું. તે જ દિવસે તેઓ મોશે અને આરોનની પાસે આવ્યા, 7 અને કહ્યું, “મૃતદેહનો સ્પર્શ કરવાને લીધે અમે અશુધ થયા છીએ, પરંતુ બીજા ઇઝરાયલીઓની સાથે નિયત સમયે પ્રભુને અર્પણ કરતાં અમને શા માટે અટકાવવામાં આવે છે?” 8 મોશેએ જવાબ આપ્યો, “હું પ્રભુ પાસેથી સૂચનાઓ મેળવું ત્યાં સુધી તમે થોભી જાઓ.” 9 પ્રભુએ મોશેને કહ્યું, 10 “તું ઇઝરાયલીઓને કહે કે તમારામાંથી અથવા તમારા વંશમાંથી મૃતદેહનો સ્પર્શ થવાને લીધે કોઈ માણસ અશુધ થયો હોય અથવા દૂર દેશમાં મુસાફરી કરતો હોય તો તેણે પ્રભુનું પાસ્ખાપર્વ આ પ્રમાણે પાળવું. 11 એવા માણસે એક મહિના પછી બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજના સમયે પાસ્ખાપર્વ પાળવું. ખમીર વગરની રોટલી અને કડવી ભાજી સાથે તે ખાવું. 12 બીજા દિવસની સવાર સુધી તેમાંનો કંઈ ખોરાક રાખી મૂકવો નહિ અને પ્રાણીનું એકે હાડકું ભાંગવું નહિ. પાસ્ખાપર્વ તેના સર્વ નિયમો અને વિધિ અનુસાર પાળવામાં આવે. 13 હવે જો કોઈ શુધ હોય અને પ્રવાસમાં દૂર ગયો ન હોય છતાં પાસ્ખાપર્વ પાળે નહિ, તો ઇઝરાયલના સમાજમાંથી તેનો બહિષ્કાર કરવો. કારણ, તેણે નિયત સમયે મને અર્પણ ચઢાવ્યું નથી. તેણે પોતાના પાપની સજા ભોગવવી જ રહી. 14 “તમારી વચ્ચે કોઈ પરદેશી વસતો હોય અને જો તે પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી કરવા માંગતો હોય તો તેણે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ અનુસાર પર્વની ઉજવણી કરવી. દેશના વતની અને બહારથી આવીને વસેલા પરદેશી બંનેને સમાન નિયમ લાગુ પડે છે.” અગ્નિરૂપ વાદળ ( નિર્ગ. 40:34-38 ) 15 સાક્ષ્યમંડપ, એટલે મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે વાદળે આવીને તેને ઢાંકી દીધો. રાત્રિને સમયે સવાર સુધી તે વાદળ અગ્નિરૂપ લાગતું હતું. 16 આ પ્રમાણે ચાલુ જ રહેતું. દિવસે વાદળ મંડપને ઢાંકી દેતું અને રાત્રે તેનો દેખાવ અગ્નિના જેવો લાગતો. 17 જ્યારે વાદળ મંડપ પરથી ખસતું ત્યારે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા અને જે જગ્યાએ વાદળ થંભીને નીચે ઊતરતું ત્યાં ઇઝરાયલીઓ મુકામ કરતા. 18 પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેઓ પડાવ નાખતા. જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું ત્યાં સુધી તેઓ પોતાનો પડાવ ચાલુ રાખતા. 19 જો લાંબા સમય સુધી વાદળ મંડપ ઉપર રહે તો ઇઝરાયલીઓ પ્રભુની આજ્ઞાનું પાલન કરીને આગળ જતા નહિ. 20 કેટલીક વાર વાદળ થોડા જ દિવસ મંડપ ઉપર રહેતું. ગમે તે પરિસ્થિતિ હોય, પ્રભુની આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓ પડાવ નાખતા કે પડાવ ઉઠાવતા. 21 કોઈવાર વાદળ સાંજથી સવાર સુધી જ મંડપ પર રહેતું. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. દિવસ હોય કે રાત હોય વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. 22 જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહે, પછી એ બે દિવસ હોય, મહિનો હોય કે તેથી વધુ સમય હોય; ત્યાં સુધી ઇઝરાયલીઓ પડાવ ઉઠાવતા નહિ. વાદળ ખસતાં જ તેઓ પડાવ ઉઠાવતા. 23 પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓ પડાવ નાખતા અને પ્રભુની આજ્ઞા થતાં જ તેઓ પડાવ ઉઠાવતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide