ગણના 8 - પવિત્ર બાઇબલ C.L.દીપવૃક્ષના દીવાની ગોઠવણી 1 પ્રભુએ મોશેને કહ્યું, 2 “તું આરોનને આ પ્રમાણે કહે: તું જ્યારે દીપવૃક્ષ પર સાત દીવા ગોઠવે ત્યારે તેમને એવી રીતે ગોઠવ કે પ્રકાશ દીપવૃક્ષની આગળના ભાગમાં પડે.” 3 આરોને તે પ્રમાણે કર્યું. તેણે દીપવૃક્ષની આગળ પ્રકાશ પડે તે રીતે દીવા ગોઠવ્યા. 4 આખા દીપવૃક્ષની કારીગરી ઘડેલા સોનાની હતી, એટલે બેઠકથી ફૂલો સુધી તે સોનામાંથી ઘડીને બનાવેલું હતું. પ્રભુએ મોશેને બતાવેલા નમૂના પ્રમાણે તે બનાવવામાં આવ્યું હતું. લેવીઓનું શુદ્ધિકરણ અને અર્પણ 5 પ્રભુએ મોશેને કહ્યું, 6 “લેવીઓને બાકીના ઇઝરાયલીઓમાંથી અલગ કર અને આ પ્રમાણે તેમનું શુદ્ધિકરણ કર. 7 તેમના પર શુદ્ધિકરણનું પાણી છાંટવું. ત્યાર પછી તેઓ પોતાના આખા શરીરના વાળ ઊતરાવે, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, અને ત્યારે તેઓ વિધિગત રીતે શુદ્ધ થયેલા ગણાશે. 8 ત્યાર પછી તેમણે એક વાછરડો અને મોહેલા લોટનું ધાન્યઅર્પણ લેવાં અને બીજો એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે લેવો. 9 પછી તું આખા ઇઝરાયલી સમાજને એકત્ર કર અને લેવીઓને મુલાકાતમંડપની સામે ઊભા રાખ. 10 તું લેવીઓને પ્રભુ સમક્ષ રજૂ કર ત્યારે ઇઝરાયલીઓ લેવીઓના માથા પર પોતાના હાથ મૂકે. 11 પછી આરોન લેવીઓને ઇઝરાયલીઓ તરફથી આરતીઅર્પણ તરીકે મને સમર્પિત કરે જેથી તેઓ મારી સેવા કરવા તૈયાર થાય. 12 ત્યાર પછી લેવીઓ બંને વાછરડાઓના માથા ઉપર પોતાના હાથ મૂકે. એક વાછરડો પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજો દહનબલિ તરીકે પ્રભુની સમક્ષ લેવીઓના પ્રાયશ્ર્વિત માટે અર્પણ કરવો. 13 તારે લેવીઓનું આરતીઅર્પણ તરીકે અર્પણ કરવું અને તેમને આરોન અને તેના પુત્રો સમક્ષ રજૂ કરવા. 14 આ રીતે બીજા ઇઝરાયલીઓમાંથી તું લેવીઓને અલગ કર જેથી તેઓ મારા બની રહે. 15 તું લેવીઓનું શુદ્ધિકરણ કરે અને આરતીઅર્પણ તરીકે સમર્પણ કરે ત્યાર પછી તેઓ મુલાકાતમંડપની સેવા કરવાને માટે યોગ્ય ગણાશે. 16 ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે મેં તેમને માગી લીધેલા છે. તેઓ મારા જ છે. 17 જ્યારે મેં ઇજિપ્તના પ્રથમજનિતોને મારી નાખ્યા ત્યારે મેં ઇઝરાયલીઓના પ્રથમજનિત પુરુષ કે પ્રાણીને મારા માટે અલગ કર્યાં હતાં. 18 હવે ઇઝરાયલના પ્રથમજનિતોને બદલે હું લેવીઓને રાખી લઉં છું. 19 હવે હું બધા ઇઝરાયલીઓ તરફથી લેવીઓને આરોન તથા તેના પુત્રોને ભેટ તરીકે આપું છું. જેથી તેઓ ઇઝરાયલીઓ માટે મુલાકાતમંડપમાં સેવા કરે અને તેમને માટે પ્રાયશ્ર્વિત કરે અને પરમ પવિત્રસ્થાનની નજીક આવવાથી થતા સંહારથી ઇઝરાયલીઓનું રક્ષણ થાય.” 20 તેથી મોશે, આરોન અને ઇઝરાયલના સમગ્ર સમાજે લેવીઓને પ્રભુની આજ્ઞા પ્રમાણે સમર્પિત કર્યા. 21 લેવીઓએ પોતાનું શુદ્ધિેકરણ કર્યું અને તેમણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં અને આરોને તેમને આરતીઅર્પણ તરીકે પ્રભુને આપી દીધા. તેણે તેમને શુધ કરવા માટેનો પ્રાયશ્ર્વિતનો વિધિ પણ કર્યો. 22 પ્રભુએ લેવીઓ સંબંધી મોશેને આપેલી બધી આજ્ઞાઓનું પાલન કરવામાં આવ્યું ત્યાર પછી લેવીઓ આરોન અને તેના પુત્રોની દેખરેખ નીચે મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે ગયા. 23 પ્રભુએ મોશેને કહ્યું, 24 “લેવીઓએ પચીસ વર્ષની ઉંમરે મુલાકાતમંડપમાં સેવા કરવાની શરૂઆત કરવી, 25 અને પચાસ વર્ષની ઉંમરે સેવામાંથી નિવૃત્ત થવું. 26 ત્યાર પછી તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીભાઈને મદદ કરી શકે, પણ જાતે કોઈ સેવા કરે નહિ. આ રીતે લેવીઓની સેવા સંબંધી તારે વ્યવસ્થા કરવી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide