ગણના 7 - પવિત્ર બાઇબલ C.L.આગેવાનોનાં અર્પણ 1 મોશેએ જે દિવસે મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય પૂર્ણ કર્યું તે જ દિવસે તેણે મંડપનો, તેના સર્વ સરસામાનનો તથા વેદી અને તેનાં બધાં પાત્રોનો અભિષેક કર્યો અને તે બધાં પ્રભુને સમર્પિત કર્યાં. 2 ત્યાર પછી જે મુખ્ય આગેવાનો વસતીગણતરીના કાર્ય માટે ઇઝરાયલીઓના કુટુંબોમાંથી પસંદ કરેલા હતા, 3 તેઓ પ્રભુની સંમુખ પોતાનાં અર્પણો લાવ્યા: છત્રવાળાં કુલ છ ગાડાં અને બાર બળદો; દર બે આગેવાનો માટે એક ગાડું અને પ્રત્યેક આગેવાનને માટે એક બળદ. તેમણે તેમને પ્રભુની સમક્ષ રજૂ કર્યાં. 4 પછી પ્રભુએ મોશેને કહ્યું, 5 “આ ભેટો તું સ્વીકારી લે. મુલાકાતમંડપની સેવા માટે તે જરૂરી છે. તું તે લેવીઓને આપ; પ્રત્યેકને તેમની સેવા પ્રમાણે સોંપ” 6 તેથી મોશેએ ગાડાં અને બળદ સ્વીકારીને લેવીઓને આપી દીધાં 7 તેણે ગેર્શોનીઓને બે ગાડાં અને ચાર બળદો આપ્યાં. 8 મરારીઓને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યાં. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા બજાવવાની હતી. 9 પરંતુ મોશેએ કહાથીઓને કશું જ આપ્યું નહિ. કારણ, જે પવિત્ર વસ્તુઓની સેવા તેઓને સોંપવામાં આવી હતી, તે તેમણે પોતાના ખભા ઉપર જ ઊંચકવાની હતી. 10 જે દિવસે વેદીનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે આગેવાનો વેદીની પ્રતિષ્ઠા માટે અર્પણો લાવ્યા. તેઓ વેદીની સમક્ષ પોતાનું અર્પણ રજૂ કરવા તૈયાર હતા ત્યારે 11 પ્રભુએ મોશેને કહ્યું, “બાર દિવસ સુધી દરરોજ એક એક આગેવાન વેદીની પ્રતિષ્ઠા માટેનાં અર્પણો વારાફરતી રજૂ કરે.” 12-83 તેમણે પોતાનાં અર્પણો નીચેના ક્રમમાં રજૂ કર્યાં. દિવસ કુળ આગેવાન પહેલો યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન બીજો ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ત્રીજો ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ ચોથો રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર પાંચમો શિમયોન સૂરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ છઠ્ઠો ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ સાતમો એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા આઠમો મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલિયેલ નવમો બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દસમો દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર અગિયારમો આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ બારમો નાફતાલી એનાનનો પુત્ર અહીરા બધા આગેવાન જે ભેટો લાવ્યા તે એક્સરખી હતી: પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે આશરે દોઢ કિલોગ્રામ ચાંદીનો થાળ અને આશરે પોણા કિલોગ્રામ ચાંદીનો પ્યાલો. આ બંને પાત્રોમાં ધાન્યઅર્પણ માટે તેલથી મોહેલો લોટ ભરેલો હતો. એ ઉપરાંત આશરે એક્સોદસ ગ્રામ સોનાનું ધૂપથી ભરેલું ધૂપપાત્ર હતું. દહનબલિને માટે એક વાછરડો, એક ઘેટો અને એક વર્ષનો નર હલવાન હતા. પ્રાયશ્ર્વિતબલિને માટે એક બકરો હતો. તે ઉપરાંત સંગતબલિ માટે બે વાછરડા, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન હતાં. દિવસ કુળ આગેવાન 84-88 યજ્ઞવેદીના પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે ઇઝરાયલીના કુટુંબોનાં બાર આગેવાનોએ આપેલી કુલ ભેટો નીચે પ્રમાણે છે: ચાંદીના બાર થાળ અને ચાંદીના બાર પ્યાલા અને સોનાનાં બાર ધૂપપાત્રો. પવિત્રસ્થાન તોલમાપ પ્રમાણે દરેક થાળનું વજન આશરે દોઢ કિલો હતું, પ્યાલાનું વજન આશરે પોણો કિલોગ્રામ હતું. સોનાના ધૂપપાત્રનું વજન આશરે 110 ગ્રામ હતું. દહનબલિને માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: બાર વાછરડા, બાર ઘેટા, એક વર્ષની ઉંમરના બાર નર હલવાન; તે સાથે જરૂરી ધાન્યઅર્પણ. પ્રાયશ્ર્વિતબલિ માટે કુલ બાર બકરા હતા. તે ઉપરાંત સંગતબલિ માટે પ્રાણીઓની કુલ સંખ્યા આ પ્રમાણે હતી: ચોવીસ આખલા, સાઠ ઘેટા, સાઠ બકરા અને એક વર્ષની ઉંમરનાં સાઠ હલવાન. વેદીની પ્રતિષ્ઠાર્પણવિધિ પ્રસંગે આ ભેટોનું અર્પણ કરવામાં આવ્યું. 89 જ્યારે મોશે પ્રભુની સાથે વાત કરવાને મુલાકાતમંડપમાં અંદર ગયો ત્યારે તેણે પાંખવાળા બે કરૂબોની વચ્ચે આવેલી સાક્ષ્યલેખની કરારપેટી ઉપરના ઢાંકણ એટલે દયાસન પરથી પ્રભુની વાણી સાંભળી, અને પ્રભુ તેની સાથે બોલ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide