Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 6 - પવિત્ર બાઇબલ C.L.


નાઝીરી વ્રતના નિયમો

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે સૂચનાઓ આપ: જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુને માટે સમર્પિત થવા “નાઝીરી” થવાનું ખાસ વ્રત લે

3 તો તેણે દ્રાક્ષાસવ તથા કેફી પીણાથી દૂર રહેવું; તેણે દ્રાક્ષાસવ કે કેફી પીણામાંથી બનાવેલ સરકો પીવો નહિ. તેણે દ્રાક્ષમાંથી બનાવેલું કોઈપણ જાતનું પીણું પીવું નહિ કે તાજી કે સૂકી દ્રાક્ષ ખાવી નહિ.

4 જ્યાં સુધી તેનું નાઝીરી વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે બીથી છાલ સુધીનું દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવું નહિ.

5 નાઝીરી વ્રતમાં અલગતાના સર્વ દિવસો દરમિયાન તેણે માથાના વાળ કપાવવા નહિ કે દાઢી કરવી નહિ. વ્રત પૂરું ન થાય ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત થયેલ છે. તેણે તેના વાળ તેમજ દાઢી વધવા દેવાં.

6-7 તેના વાળ તે પ્રભુને સમર્પિત થવાની નિશાની છે. પ્રભુ પ્રત્યેના સમર્પણના સઘળા સમય દરમ્યાન તેણે પોતાની જાતને મૃતદેહ પાસે જઈને અશુદ્ધ કરવી નહિ. પછી તે પોતાનાં માતા, પિતા, ભાઈ કે બહેનનું મરણ કેમ ન હોય!

8 જ્યાં સુધી તે પોતે નાઝીરી છે ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત છે.

9 “જો કોઈ માણસ નાઝીરીની નજીક અચાનક મૃત્યુ પામે અને તેથી નાઝીરીના સમર્પિત વાળ અશુદ્ધ થાય તો તેણે સાત દિવસ સુધી રાહ જોવી અને પછી સાતમે દિવસે પોતાના વાળ કાપી નંખાવવા અને આમ તે વિધિગત રીતે શુદ્ધ ગણાશે.

10 આઠમે દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યજ્ઞકાર પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં.

11 યજ્ઞકાર એકનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને બીજાનું દહનબલિ તરીકે અર્પણ કરે. મૃતદેહને અડકવાથી નાઝીરી અશુદ્ધ થયો હતો માટે શુધિકરણનો આ વિધિ કરવામાં આવે. તે જ દિવસથી તે પોતાના શિરને ફરીથી સમર્પિત કરે અને વાળ ફરીથી વધવા દે

12 અને નવેસરથી પ્રભુને પોતાના નાઝીરીપણાના દિવસો સમર્પિત કરીને નાઝીરીવ્રતની શરૂઆત કરે. પહેલાંનો સમય રદબાતલ ગણાય; કારણ, વ્રતભંગ થયો હતો. તેના દોષનિવારણબલિ તરીકે તેણે એક વર્ષનો ઘેટો આપવો.

13 “નાઝીરીવ્રતની સમાપ્તિ માટે નીચેનો વિધિ કરવામાં આવે: તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ જવું.

14 તેણે કોઈપણ જાતની ખોડ વગરનાં ત્રણ પ્રાણીઓ પ્રભુને અર્પણ કરવાં. દહનબિલ માટે એક વર્ષનો નરહલવાન, પ્રાયશ્ર્વિતબલિ માટે એક વર્ષની ઘેટી અને સંગતબલિને માટે એક ઘેટો.

15 તે ઉપરાંત ખમીર વગરની રોટલીની એક ટોપલી, મોણ દીધેલા લોટની ભાખરીઓ, ખમીર વગરના તેલથી મોહેલા ખાખરા અને જરૂરી ઘાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં.

16 યજ્ઞકારે આ બધાને પ્રભુની સમક્ષ રજૂ કરવાં અને તેમાંથી પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચઢાવવાં.

17 તેણે ખમીર વગરની રોટલીની ટોપલી સાથે ઘેટાને સંગતબલિ તરીકે અર્પણ કરવા અને તે ઉપરાંત ધાન્યઅર્પણ અને દ્રાક્ષાસવઅર્પણ ચઢાવવાં.

18 નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પોતાના સમર્પિત માથાના વાળ કપાવવા અને સમર્પિત વાળને સંગતબલિના અગ્નિમાં સળગાવી દેવા.

19 “હવે જ્યારે ઘેટાનું બાવડું શેકાઈ જાય ત્યારે યજ્ઞકારે શેક્યેલું બાવડું, ટોપલીમાંથી ખમીર વગરની એક ભાખરી અને ખમીર વગરનો ખાખરો નાઝીરીના હાથમાં તે તેના સમર્પિત વાળ કપાવે ત્યાર પછી મૂકવો.

20 ત્યાર પછી યજ્ઞકારે એ વસ્તુઓનું પ્રભુની આગળ આરતી ઉતારીને આરતીઅર્પણ કરવું. આ વસ્તુઓ પવિત્ર અર્પણમાં યજ્ઞકારનો હિસ્સો છે. તે ઉપરાંત આરતીઅર્પણનો છાતીનો ભાગ અને વિશિષ્ટ હિસ્સાના અર્પણના પગનો ભાગ પણ યજ્ઞકારનો ગણાય. આ વિધિ પૂરો થયા પછી નાઝીરીને ફરીથી દ્રાક્ષાસવ પીવાની છૂટ છે.”

21 નાઝીરીવ્રત વખતે પ્રભુને અર્પણ ચઢાવવા અંગેનો આ નિયમ છે: હવે જો નાઝીરીએ તેના વ્રત માટે જરૂરી હોય એ ઉપરાંત પ્રભુને બીજુ કંઈ અર્પણ ચઢાવવાને માનતા લીધી હોય તો તે તેણે પૂર્ણ કરવી.


યજ્ઞકાર દ્વારા પ્રભુની આશિષનું ઉચ્ચારણ

22 પ્રભુએ મોશેને કહ્યું,

23 “તું આરોન અને તેના પુત્રોને આ પ્રમાણે કહે: તમારે ઇઝરાયલી લોકોને નીચે પ્રમાણે આશિષ આપવી:

24 ‘પ્રભુ તમને આશિષ આપો, અને તમારી સંભાળ રાખો;

25 પ્રભુ પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો, અને તમારા પર કૃપા દર્શાવો;

26 પ્રભુની અમીદૃષ્ટિ તમારા પર હો, અને તે તમારું કલ્યાણ કરો.”

27 અને પ્રભુએ કહ્યું, “એમ તેઓ ઇઝરાયલી લોકોને માટે મારે નામે આશિષ ઉચ્ચારશે અને હું તેમને આશિષ આપીશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan