Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 5 - પવિત્ર બાઇબલ C.L.


અશુદ્ધ લોકો

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “ઇઝરાયલી લોકોને આજ્ઞા આપ: જેમને રક્તપિત્ત થયો હોય, જેમના શરીરમાંથી સ્રાવ થતો હોય અને જે કોઈ શબને અડકવાથી અશુદ્ધ થયા હોય તેમને તેઓ છાવણીમાંથી બહાર કાઢે.

3 પુરુષ હોય કે સ્ત્રી હોય, તમારે તેમને છાવણી બહાર કાઢવાં. હું મારા લોકો મધ્યે વસું છું અને છાવણી તેમનાથી અશુદ્ધ થાય નહિ એ માટે એવાંને છાવણી બહાર રાખવાં.”

4 ઇઝરાયલી લોકોએ પ્રભુની આજ્ઞા પ્રમાણે તેવાંઓને છાવણી બહાર કાઢયાં.


ગુનાની ચૂકવણી

5 પ્રભુએ મોશેને કહ્યું,

6 “તું ઇઝરાયલી લોકોને કહે કે જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા તોડીને માનવસહજ પાપ કરીને બીજાનું નુક્સાન કરે તો તેથી તે દોષિત ઠરે.

7 તેણે પોતાનાં પાપની કબૂલાત કરવી અને નુક્સાન ભોગવનારને પૂરેપૂરી નુક્સાની ભરપાઈ કરી આપવી અને વધારાના વીસ ટકા આપવા.

8 હવે જો તે માણસ મરી ગયો હોય અને ચૂકવણી કરવા માટે તેનું કોઈ નજીકનું સગું પણ ન હોય તો પછી ચૂકવણીની રકમ યજ્ઞકારને આપવી. તે ઉપરાંત પ્રાયશ્ર્વિત માટે પ્રભુને અર્પણ કરવાનો ઘેટો યજ્ઞકારને આપવો. જેથી યજ્ઞકાર તે દ્વારા દોષિત માટે પ્રાયશ્ર્વિત કરે.

9 ઇઝરાયલી લોકો પવિત્ર વસ્તુઓના વિશિષ્ટ હિસ્સાનું અર્પણ યજ્ઞકાર પાસે લાવે તો તે યજ્ઞકારનું થાય,

10 અને વ્યક્તિ યજ્ઞકારને જે કંઈ પવિત્ર ભેટ અર્પણ કરે તે પણ યજ્ઞકારની જ ગણાય.”


પતિના સંશયનું નિવારણ

11 પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલીઓને તું નીચે પ્રમાણે સૂચના આપ:

12 જો કોઈ માણસની પત્ની વંઠી જઈને બેવફા થાય,

13 અને બીજો કોઈ પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને એ બાબત તેના પતિની આંખોથી છૂપી રહે અને તે સ્ત્રી દોષિત હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ સાક્ષી ન હોય અને તે વ્યભિચાર કરતાં પકડાઈ ન હોવાથી એ બાબત ગુપ્ત રહી હોય,

14 અને પતિના મનમાં સંશય આવે અને પોતાની પત્ની પ્રત્યે શક જાય ત્યારે અથવા કોઈ પતિના મનમાં સંશય આવે અને પત્ની ભ્રષ્ટ ન થઈ હોવા છતાં તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે,

15 એ બેમાંથી કોઈપણ કિસ્સામાં પતિએ પોતાની પત્નીને યજ્ઞકાર સમક્ષ લઈ જવી. તે સાથે તેણે અર્પણને માટે જવનો આશરે એક કિલો લોટ લાવવો. તેના પર તેલ રેડવામાં ન આવે કે લોબાન મૂકવામાં ન આવે; કારણ, એ તો સંશયનિવારણ માટે ગુનાની યાદ દેવડાવનારું અને તેને સાબિત કરવા માટેનું ધાન્યઅર્પણ છે.

16 યજ્ઞકાર તે સ્ત્રીને આગળ લાવીને પ્રભુ સમક્ષ ઊભી કરે.

17 યજ્ઞકાર માટીના પાત્રમાં પવિત્ર પાણી રેડે અને તે પાણીમાં મુલાકાતમંડપના ભોંયતળિયાની થોડી ધૂળ નાખે.

18 ત્યાર પછી યત્રકાર તે સ્ત્રીને પ્રભુ સમક્ષ ઊભી રાખી તેના માથાના વાળ છોડી નાખે અને તેના હાથમાં સંશયનિવારણ અર્થે યાદગીરીનું ધાન્યઅર્પણ આપે. યજ્ઞકાર પોતાના હાથમાં ક્સોટીના શાપકારક પાણીનું પાત્ર રાખે.

19 પછી યજ્ઞકાર તે સ્ત્રી પાસે પોતે નિર્દોષ છે એવા શપથ લેવડાવે અને પછી તે સ્ત્રીને કહે, ‘જો તેં પરપુરુષ સાથે વ્યભિચાર કર્યો ન હોય અને પતિના અધિકાર નીચે હતી ત્યારે વંઠી જઈને તારી જાતને ભ્રષ્ટ કરી ન હોય, તો આ ક્સોટીના શાપકારક પાણીની વિપરીત અસરથી તું મુક્ત રહેશે.

20 પણ તારા પતિના અધિકાર નીચે હોવા છતાં તેં વંઠી જઈને વ્યભિચાર કર્યો હોય અને તારી જાતને ભ્રષ્ટ કરી હોય,

21 તો (અહીં યજ્ઞકાર સ્ત્રીને સોગનપૂર્વકના શાપ હેઠળ મૂક્તાં કહેશે) પ્રભુ તને તારા લોકોમાં શાપરૂપ અને ધિક્કારપાત્ર કરો, તારા ગર્ભાશયને સડાવી દો અને તારા પેટને સુજાવી દો.

22 આ શાપકારક પાણી તારા પેટમાં પ્રવેશતાં જ તારું ગર્ભાશય સડી જાઓ અને તારું પેટ સૂજી જાઓ.’ ત્યારે તે સ્ત્રી કહે, ‘આમીન, આમીન.’

23 “ત્યાર પછી યત્રકારે આ શાપને ચર્મપત્ર પર લખી લેવો અને તેને પેલા ક્સોટીના પાણીમાં ધોઈ નાખવો.

24 પછી તેણે એ સ્ત્રીને શાપકારક ક્સોટીનું પાણી પીવડાવવું અને શાપકારક પાણી તેનામાં પ્રવેશીને ક્સોટી કરશે.

25 પછી યજ્ઞકારે સ્ત્રીના હાથમાંથી સંશય માટે ધાન્યઅર્પણ લઈને પ્રભુને તેની આરતી કરીને વેદી પર મૂકી દેવું.

26 અને તેણે ધાન્યઅર્પણમાંથી યાદગીરીના હિસ્સા તરીકે મુઠ્ઠીભર લઈને વેદી પર તેનું દહન કરવું, અને પછી સ્ત્રીને તે પાણી પીવડાવી દેવું.

27 અને પાણી પીવડાવ્યા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ પતિને બેવફા થઈને પોતાની જાતને ભ્રષ્ટ કરી હશે તો શાપકારક પાણી પેટમાં ઊતરતાં જ ક્સોટી કરશે અને પેટને સુજાવી દેશે અને ગર્ભાશય સડી જશે અને તે સ્ત્રી પોતાના લોકોમાં શાપરૂપ બની જશે.

28 પણ જો તે સ્ત્રી ભ્રષ્ટ બની નહિ હોય અને શુદ્ધ હશે તો તેને કંઈ નુક્સાન થશે નહિ અને તે ગર્ભધારણ કરી શકશે.

29 “પતિના સંશયને લગતો આ નિયમ છે: જ્યારે પત્ની પતિના અધિકાર તળે હોવા છતાં વંઠી જઈને પોતાની જાતને ભ્રષ્ટ કરે,

30 અથવા પુરુષના મનમાં સંશય ઉત્પન્‍ન થાય અને તેને પત્ની પ્રત્યે શક જાય ત્યારે તેણે પત્નીને પ્રભુ સમક્ષ રજૂ કરવી અને યજ્ઞકાર તે સ્ત્રી માટે આ સર્વ નિયમ પ્રમાણે વિધિ કરે.

31 આ રીતે પતિના સંશયનું નિવારણ થશે અને પત્ની દોષિત હશે તો તે સજા ભોગવશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan