ગણના 4 - પવિત્ર બાઇબલ C.L.લેવીકુળના કહાથના પુત્રોનાં કાર્યો 1 પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, 2-3 “લેવીકુળમાંના કહાથના કુટુંબમાં ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તે બધાની ગોત્ર અને કુટુંબ પ્રમાણે ગણતરી કર.” 4 મુલાકાતમંડપમાં તેમની સેવા આ પ્રમાણે છે. પરમ પવિત્ર વસ્તુઓને લગતી સેવા આ પ્રમાણે છે. 5 પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના દીકરાઓએ મંડપની અંદર જઈને સાક્ષ્યલેખની કરારપેટીની આગળનો પડદો ઉતારી લેવો અને તેનાથી કરારપેટીને ઢાંકી દેવી. 6 તેના પર તેમણે પાતળા ચામડાનું આવરણ નાખવું, તેની ઉપર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને ઊંચકવા માટેના દાંડા પરોવવા. 7 તેમણે ઈશ્વરને રોટલી અર્પવાની મેજ પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું. તેના પર થાળીઓ, વાટકા, ધૂપદાનીઓ અને દ્રાક્ષાસવ અર્પણ કરવાનાં પાત્રો ગોઠવી દેવાં. મેજ પર હંમેશા પ્રભુને અર્પિત રોટલી રાખવી. 8 ત્યાર પછી આ બધા પર જાંબલી રંગનું વસ્ત્ર પાથરવું અને પાતળા ચામડાનું આવરણ નાખવું અને ઊંચકવા માટેના દાંડા પરોવી દેવા. 9 તેમણે જાંબલી રંગનું કપડું લઈ દીપવૃક્ષને તેના દીવા, ચીપિયા, તાસકો, સર્વ તેલ રાખવાનાં પાત્રો સાથે ઢાંકી દેવું. 10 તેમણે પાતળા ચામડાના આવરણમાં આ બધી સામગ્રીને વીંટાળી દેવી અને ઊંચકવાની પાલખી પર મૂકવી. 11 ત્યાર પછી તેમણે સોનાની વેદી પર જાંબલી રંગનું કપડું પાથરવું. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકી દેવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા. 12 પવિત્રસ્થાનમાં સેવા કરવાની સર્વ સામગ્રી એકઠી કરીને જાંબલી રંગના કપડામાં મૂકવી અને તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાની પાલખી ઉપર મૂકવી. 13 તેમણે વેદી પરથી રાખ સાફ કર્યા પછી વેદી પર જાંબલી રંગનું કપડું પાથરી દેવું. 14 અને તેના પર વેદીની સેવામાં વપરાતી બધી સાધનસામગ્રી એટલે, સગડીઓ, ચીપિયા, પાવડા અને તબકડાં મૂકવા. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા. 15 પડાવ ઉપાડવાનો સમય થાય ત્યારે આરોન અને તેના પુત્રો પવિત્રસ્થાન અને તેનો બધો સરસામાન ઢાંકી દે, ત્યાર પછી જ કહાથના પુત્રોએ તે ઉપાડવા માટે હાજર થવું. જો તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ કરશે તો માર્યા જશે. કહાથના પુત્રોની એ મુલાકાતમંડપને લગતી જવાબદારી છે. 16 યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારની જવાબદારી દીવાનું તેલ, સુગંધીદાર ધૂપ, દરરોજનું ધાન્ય અર્પણ, અભિષેક માટેનું તેલ વગેરે સંભાળવાની છે. તે ઉપરાંત તેણે આખા પવિત્રસ્થાન અને તેના સરસામાનની સંભાળ રાખવાની છે. 17 પ્રભુએ મોશેને તથા આરોનને કહ્યું, 18 “પરમપવિત્ર વસ્તુઓની નજીક આવવાને લીધે 19 કહાથના પુત્રોનું ગોત્ર લેવીકુળમાંથી નષ્ટ ન થઈ જાય તે માટે આરોન અને તેના પુત્રોએ અંદર પ્રવેશ કરવો અને દરેકને તેનું કાર્ય અને કઈ વસ્તુ ઊંચકવાની છે તેની જવાબદારી સોંપવી. 20 પરંતુ કહાથના કુટુંબના કોઈએ એક ક્ષણ માટે પણ પવિત્ર વસ્તુઓ જોવા અંદર જવું નહિ; નહિ તો તે માર્યો જશે.” લેવીકુળના ગેર્શોન ગોત્રનાં કાર્યો 21 પ્રભુએ મોશેને કહ્યું, 22 “લેવી- કુળના ગેર્શોનના વંશજોની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતીગણતરી કર. 23 અને ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપમાં સેવા કરવાને લાયક હોય તેમની નોંધણી કર. 24 તેમણે નીચે પ્રમાણેની વસ્તુઓ ઊંચકવાની સેવા કરવાની છે. 25 તેમણે મુલાકાતમંડપનો તંબુ અને અંદરનો પડદો, બહારનો પડદો, તેની ઉપરના પાતળા ચામડાનું આવરણ, મંડપના પ્રવેશદ્વારનો પડદો. 26 મંડપ અને યજ્ઞવેદીની આસપાસના ચોકના પડદા અને દોરડાં, ચોકના પ્રવેશદ્વારનો પડદો અને તે બધાને લગતી સર્વ સાધનસામગ્રી તેમણે ઉપાડવાની છે, 27 આરોન અને તેના પુત્રોની આજ્ઞા પ્રમાણે જ ગેર્શોનના વંશજોએ સર્વ સેવાઓ એટલે ઊંચકવાની જવાબદારી અને તેને લગતી બધી જવાબદારીઓ અદા કરવાની છે. 28 મુલાકાતમંડપમાં ગેર્શોનના કુટુંબની એ સેવા છે. યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારની દેખરેખ નીચે તેમણે સેવા કરવી.” લેવીકુળના મરારી ગોત્રનાં કાર્યો 29 પ્રભુએ મોશેને કહ્યું, “લેવીકુળના મરારીના વંશની ગોત્ર અને કુટુંબ પ્રમાણે વસતી ગણતરી કર. 30 ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના પુરુષો જેઓ મુલાકાતમંડપની સેવા કરવાને માટે લાયક હોય તેમની નોંધણી કર. 31 તેમણે મુલાકાતમંડપની નીચેની વસ્તુઓ ઉપાડવાની છે.: મંડપના પાટિયાં, અને તેની વળીઓ, સ્તંભો અને તેમની કૂંભીઓ તથા મંડપની આસપાસના ચોકના સ્તંભો 32 અને તેમની કુંભીઓ, ખીલા તથા દોરડાં અને મંડપને ઊભો કરવા માટેનાં તમામ ઓજારો અને તેને લગતી સાધનસામગ્રી; દરેક માણસે અમુક ચોક્કસ વસ્તુ ઉપાડવાની છે. 33 મરારીના પુત્રોના કુટુંબોએ આ પ્રમાણેની સેવા કરવાની છે. મુલાકાતમંડપમાં તેમનાં બધાં કામો પર યજ્ઞકાર આરોનના પુત્ર ઇથામારે દેખરેખ રાખવાની છે.” લેવીકુળની વસતીગણતરી 34-48 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે મોશે, આરોન અને ઇઝરાયલી સમાજના આગેવાનોએ લેવીકુળના ત્રણ મુખ્ય ગોત્રો કહાથ, ગેર્શોન અને મરારીના લોકોની ગણતરી ગોત્ર અને કુટુંબ પ્રમાણે કરી. તેમણે ત્રીસથી પચાસ વર્ષ સુધીની ઉંમરના મુલાકાતમંડપને ઉપાડવા તેમજ તેમાં સેવા કરવાને લાયક એવા તમામ માણસોની નોંધણી કરી. તે નીચે પ્રમાણે છે: ગોત્ર સંખ્યા કહાથ 2,750 ગેર્શોન 2,630 મરારી 3,200 કુલ: 8,580 ગોત્ર સંખ્યા 49 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે દરેક માણસની નોંધણી કરવામાં આવી; અને મોશે દ્વારા પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે દરેકને સેવા કરવાની કે વસ્તુ ઉપાડવાની ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide