ગણના 36 - પવિત્ર બાઇબલ C.L.મહિલાઓને વારસો 1 યોસેફના પુત્ર મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના ગોત્રના આગેવાનોએ મોશે અને ઇઝરાયલીઓના કુટુંબના આગેવાનોની સમક્ષ આવીને કહ્યું, 2 “પ્રભુએ તમને પાસા નાખીને ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવાની આજ્ઞા કરી છે અને અમારા ભાઈ સલોફહાદનો વારસો તેની દીકરીઓને આપવાની આજ્ઞા કરી છે. 3 પણ જો તેઓ ઇઝરાયલીઓનાં બીજાં કુળનાં કુટુંબમાં લગ્ન કરે તો તેમનો વારસો તે કુળને ફાળે જાય અને અમારા કુળના ભાગનો વારસો એટલો ઘટી જશે. 4 હવે જ્યારે ઇઝરાયલી લોકો માટે ઋણમુક્તિનું પર્વ આવશે ત્યારે સલોફહાદની દીકરીઓનો વારસો તેઓ જે કુળમાં પરણી હશે તેમનો થઈ જશે અને અમારું કુળ એ વારસો કાયમને માટે ગુમાવશે.” 5 આથી મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે આ નિર્ણય ઇઝરાયલીઓને કહી સંભળાવ્યો: “યોસેફના કુળના લોકોની વાત વાજબી છે. 6 સલોફહાદની દીકરીઓની બાબતમાં પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે: તેઓ જેમને પરણવા ચાહે તેમને પરણી શકે પણ તેમણે પોતાના કુળના જ કોઈ કુટુંબમાં પરણવાનું રહેશે. 7 આ વ્યવસ્થાથી ઇઝરાયલનાં કુળોનો વારસો જે તે કુળમાં જ રહેશે; એક કુળનો વારસો બીજા કુળમાં જવા પામશે નહિ.” 8 “જો કોઈ છોકરીને ઇઝરાયલના કોઈ કુળમાં વારસો મળે તો તેણે પોતાના પિતાના કુળના જ કુટુંબમાંના પુરુષ સાથે લગ્ન કરવું. જેથી પ્રત્યેક ઇઝરાયલી વ્યક્તિ પોતપોતાના પૂર્વજોનો વારસો ભોગવે. 9 એમ એક કુળમાંથી વારસો બીજા કુળમાં ન જતાં દરેક કુળનો વારસો તે જ કુળમાં રહેશે.” 10-11 સલોફહાદની દીકરીઓએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું. માહલા, તિર્સા, હોગ્લા, મિલ્કા અને નોઆએ પોતાના કાકાના પુત્રોની સાથે લગ્ન કર્યાં. 12 તેઓ યોસેફના પુત્ર મનાશ્શાના કુળના કુટુંબમાં જ પરણી. તેથી તેમનો વારસો તેમના કુળમાં જ રહ્યો. 13 મોઆબના મેદાનમાં યર્દન નદીને કિનારે યરીખો સામે પ્રભુએ મોશેની મારફતે ઇઝરાયલીઓને જે જે આજ્ઞાઓ અને નિયમો આપ્યા તે ઉપર પ્રમાણે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide