Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 35 - પવિત્ર બાઇબલ C.L.


લેવીઓને આપવામાં આવેલાં નગરો

1 મોઆબના મેદાનમાં યરીખોની પાસે યર્દનને સામે કિનારે પ્રભુએ મોશેને કહ્યું,

2 “ઇઝરાયલીઓને તું આજ્ઞા કર કે પોતાના વારસાના હિસ્સામાંથી અમુક નગરો લેવીઓને વસવાટ માટે આપે અને તે નગરોની આસપાસની ચરાણની જમીન પણ તેઓ લેવીઓને આપે.

3 આ નગરો લેવીઓનાં ગણાય અને તેઓ તેમાં વસવાટ કરે અને ચરાણની જમીન તેમનાં ઢોર, ઘેટાંબકરાં અને બીજા પ્રાણીઓ માટે રહે.

4 લેવીઓને જે નગરો મળે તેના કોટની ચારે બાજુએ ચરાણની જમીન આશરે 450 મીટર વિસ્તરેલી હશે.

5 અને દરેક નગરની બહાર પૂર્વ તરફની બાજુ 900 મીટર, દક્ષિણ તરફની બાજુ 900 મીટર, પશ્ર્વિમ તરફની બાજુ 900 મીટર અને ઉત્તર તરફની બાજુ 900 મીટર માપવી. નગર આ બાજુઓની વચ્ચે હોય. એ જમીન તેમને માટે ચરાણની જમીન ગણાય.”

6-7 “તમારે લેવીઓને કુલ અડતાલીસ નગરો ચરાણની જમીન સાથે આપવાનાં છે. તેમાંનાં છ આશ્રયનાં નગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો ખૂની ત્યાં નાસીને આશ્રય લઈ શકશે.

8 ઇઝરાયલીઓએ પોતાને મળેલા વારસામાંથી લેવીઓને હિસ્સો કાઢી આપવાનો છે. જે કુળની પાસે વધારે વિસ્તાર હોય તેમનામાંથી વધારે નગરો લેવાં ને જેમની પાસે ઓછો વિસ્તાર તેમનામાંથી ઓછાં નગરો લેવાં. પ્રત્યેક કુળને જેટલો વારસો મળે તેના પ્રમાણમાં તેમણે લેવીઓને નગરો કાઢી આપવાનાં છે.”


આશ્રય નગરો
( પુન. 19:1-13 ; યહો. 20:1-9 )

9-10 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમે યર્દન નદી ઓળંગી કનાન દેશમાં પ્રવેશ કરો.

11 ત્યારે તમારે અમુક નગરો આશ્રયનગરો તરીકે પસંદ કરવાં. જો કોઈ અજાણે ખૂન કરે તો તે ત્યાં આશ્રય લઈ શકે. મરનારનું વેર લેવા ઇચ્છનારના નિકટના સગાથી તે સલામત રહી શકશે.

12 સમગ્ર સમાજ સમક્ષ ન્યાયચુકાદા માટે મુકદ્દમો ચલાવ્યા વગર ખૂનીની હત્યા કરાય નહિ.

13 તમારે આશ્રયનગર તરીકે છ નગરો પસંદ કરવાં.

14 ત્રણ નગરો યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાન દેશમાં આપવાં.

15 આ છ નગરો ઇઝરાયલીઓ માટે અને તમારી મધ્યે કાયમ માટે વસતા પરદેશી કે પરદેશી ‘પ્રવાસીની સલામતી માટેનાં આશ્રયનગરો ગણાશે. જો કોઈ અજાણે ખૂન કરે તો તે તેમાં આશ્રય લઈ શકશે.

16-19 “પણ જો કોઈ માણસ કોઈને લોખંડ, પથ્થર કે લાકડાના હથિયારથી મારે તો તેણે ખૂન કર્યું છે. ખૂનીને મોતની સજા થવી જ જોઈએ. ખૂનીને મારી નાખવાની જવાબદારી મરનારના સૌથી નિકટના સગાની છે. જ્યારે તે તેને શોધી કાઢે ત્યારે તેણે તેને મારી નાખવો.

20-21 “જો કોઈ માણસ દ્વેષભાવને લીધે કોઈને ગબડાવી દઈને અથવા લાગ જોઈને સંતાઈ રહીને કોઈ હથિયાર ફેંકીને અથવા મુક્કા મારીને તેનું ખૂન કરે તો તે ખૂનનો દોષી છે અને તે માર્યો જાય. મરનારના સૌથી નિકટના સગાની જવાબદારી છે કે તે ખૂનીને શોધીને મારી નાખે.

22 “જો કોઈ માણસ દુશ્મનાવટ ન હોવા છતાં કોઈને ધક્કો માર્યો હોય કે મારી નાખવાના ઈરાદા વગર હથિયાર ફેંકાયું હોય

23 અથવા વગર જોયે પથ્થર ફેંક્યો હોય અને તે કોઈને વાગે અને તે મરી જાય અને મરનાર ખૂનીનો દુશ્મન ન હોય અને તેને ઘાયલ કરવાનો કોઈ ઈરાદો ન હોય,

24 તો સમાજે એ ખૂની અને મરનારના સૌથી નિકટના સગા વચ્ચે આ કાયદા પ્રમાણે ન્યાય કરવો.

25 સમાજે એ ખૂનીનું મરનારના સૌથી નિકટના સગાથી રક્ષણ કરવું અને જે આશ્રય નગરમાં તે નાસી છૂટયો હોય ત્યાં તેને પાછો પહોંચાડવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી તેણે તે આશ્રયનગરમાં જ રહેવું.

26 હવે જો એ ખૂની જે આશ્રયનગરમાં આશરો લીધો તેની હદમાંથી બહાર જાય,

27 અને તેને મરનારના ખૂનનું વેર લેવા ઈચ્છનાર સૌથી નિકટનો સગો શોધી કાઢે અને જો તે સગો ખૂનીને મારી નાખે તો તેનાથી ખૂનનો દોષ થયો ન ગણાય.

28 કારણ, ખૂન કરનારે પ્રમુખ યજ્ઞકારના મૃત્યુ સુધી આશ્રયનગરની હદની અંદર જ રહેવું જોઈએ. પ્રમુખ યજ્ઞકારના અવસાન પછી જ તે પોતાના વતનમાં પાછો જઈ શકે છે.

29 “આ કાયદાકીય પ્રબંધ તમને અને તમારા વંશજોને સર્વત્ર અને સદાને માટે લાગુ પડે છે.

30 ખૂનના આરોપીને બે અથવા તેથી વધુ સાક્ષી પુરાવાઓને આધારે જ ખૂની ઠરાવીને મૃત્યુની સજા ફટકારી શકાય. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો મૃત્યુદંડ આપવા માટે પૂરતો નથી.

31 મૃત્યુદંડની સજા થયેલા ખૂનીને મુક્તિમૂલ્ય લઈને છોડાવી લેવાય નહિ. તેને તો મૃત્યુદંડ મળવો જ જોઈએ.

32 જો કોઈ માણસે આશ્રયનગરમાં જઈને આશ્રય લીધો હોય તો પ્રમુખ યજ્ઞકારના અવસાન પહેલાં મુક્તિમૂલ્ય લઈને તેને પોતાના વતનમાં વહેલો પાછો જવા ન દેવો.

33 તેમ કરવાથી જે દેશમાં તમે વસો છો તે અપવિત્ર થાય છે. ખૂન દેશને ભ્રષ્ટ કરે છે. ખૂનીના ખૂન સિવાય ભ્રષ્ટ થયેલી ભૂમિના શુદ્ધિકરણ માટે બીજું કોઈ પ્રાયશ્ર્વિત નથી.

34 તમે જે દેશમાં વસો છો અને જેમાં હું વસું છું તેને ભ્રષ્ટ કરશો નહિ; કારણ, હું પ્રભુ છું અને હું ઇઝરાયલી લોકો મધ્યે વસું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan