ગણના 34 - પવિત્ર બાઇબલ C.L.દેશની સરહદો 1-2 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે આજ્ઞા આપ: હવે તમે કનાન દેશમાં પ્રવેશ કરવાના છો. તમને વારસામાં મળનાર એ કનાન દેશની સરહદો આ પ્રમાણે છે: 3 તેની દક્ષિણ સરહદ સીનના રણપ્રદેશથી અદોમની સીમા સુધી પહોંચે છે. 4 તે પૂર્વમાં મૃત સરોવરના દક્ષિણ છેડાથી શરૂ થઈ દક્ષિણમાં આક્રાબ્બીમના ઘાટ (વીંછીઓનો ઘાટ) સુધી જઈ સીનમાં થઈને દક્ષિણે કાદેશ - બાર્નિયા સુધી પહોંચે છે. 5 ત્યાંથી તે હસાર-આદ્દાર થઈ આસ્મોનથી ઇજિપ્તની સરહદે આવેલા નાળા તરફ વળી ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થાય છે. 6 “ભૂમય સમુદ્ર અને તેનો કાંઠો તે તમારી પશ્ર્વિમ બાજુની સરહદ થશે. 7 “તમારી ઉત્તર બાજુની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી જશે, 8 ને ત્યાંથી તે હમાથના નાકા સુધી જાય અને તેનો છેડો સદાદ સુધી જાય. 9 ત્યાંથી એ ઝિફ્રોન થઈ હસાર-એનાન આગળ પૂરી થશે. આ તમારી ઉત્તર બાજુની સરહદ થશે. 10 “તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શફામ સુધી આંકવી. 11 શફામથી દક્ષિણ તરફ રિબ્લા સુધી, અને પૂર્વ તરફ આયિન થઈ ગાલીલ સરોવરના પૂર્વ કિનારાની ટેકરીઓ સુધી પહોંચશે. 12 ત્યાંથી તે યર્દન નદીને કિનારે આગળ વધી મૃત સરોવર આગળ પૂરી થશે. એ ચારે બાજુની સરહદો પ્રમાણેનો પ્રદેશ તમારો ગણાશે.” 13 તેથી મોશેએ ઇઝરાયલીઓને આજ્ઞા આપીને કહ્યું, “પાસા નાખીને તમારે આ પ્રદેશ પહેંચી લેવાનો છે. પ્રભુએ આ દેશ નવ કુળો અને એક અર્ધા કુળને આપ્યો છે. 14-15 રૂબેન તથા ગાદ તેમજ મનાશ્શાના અર્ધા કુળને તો તેમનાં પૂર્વજોના કુટુંબો પ્રમાણે તેમનો વારસો મળી ગયો છે. આ લોકોને યરીખોની સામે યર્દન નદીને પૂર્વ કાંઠે વારસો મળી ચૂક્યો છે.” દેશની વહેંચણી કરનાર આગેવાનો 16-17 પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર એલાઝાર તથા નૂનનો પુત્ર યહોશુઆ ભૂમિના વારસાની વહેંચણી કરશે. 18 તેમાં મદદ માટે એક કુળ પ્રમાણે એક એક આગેવાન પસંદ કરવાનો છે.” 19-28 પ્રભુએ પસંદ કરેલ આગેવાનોનાં નામ આ પ્રમાણે છે: કુળ આગેવાન યહૂદા યફૂન્નેહનો પુત્ર કાલેબ શિમયોન આમ્મીહૂદનો પુત્ર શમુએલ બિન્યામીન કિસ્લોનનો પુત્ર અલીદાદ દાન યોગ્લીનો પુત્ર બુક્કી મનાશ્શા એફોદનો પુત્ર કમુએલ એફ્રાઈમ શિફટાનનો પુત્ર કમુએલ ઝબુલૂન પાર્નાખનો પુત્ર અલીસાફાન ઇસ્સાખાર અઝ્ઝાનનો પુત્ર પાલ્ટીએલ આશેર શલોમીનો પુત્ર આહીહૂદ નાફતાલી આમ્મીહૂદનો પુત્ર પદાહએલ કુળ આગેવાન 29 કનાન દેશમાં ઇઝરાયલીઓને ભૂમિનો વારસો વહેંચી આપવા માટે પ્રભુએ એ માણસોને આજ્ઞા આપી હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide