ગણના 32 - પવિત્ર બાઇબલ C.L.યર્દનને પૂર્વકિનારે વસેલાં કુળો ( પુન. 3:12-22 ) 1 રૂબેન અને ગાદનાં કુળો પાસે પુષ્કળ ઢોરઢાંક હતાં. તેમણે જોયું કે યાઝેર અને ગિલ્યાદનો પ્રદેશ ઢોર ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે. 2 તેથી તેમણે મોશે, એલાઝાર અને સમાજના આગેવાનો પાસે જઈને કહ્યું, 3-4 “ઇઝરાયલીઓએ પ્રભુની મદદથી કબજે કરેલો અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રા, હેશ્બોન, એલઆલેહ, સબામ તથા નબો અને બેઓન નગરોનો પ્રદેશ ઢોરઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે અને તમારા આ સેવકોની પાસે પુષ્કળ ઢોર છે. 5 કૃપા કરીને આ પ્રદેશ અમને વતન તરીકે આપો અને યર્દનને પેલે પાર જવાની ફરજ પાડશો નહિ.” 6 મોશેએ ગાદ અને રૂબેનના કુળના લોકોને કહ્યું, “તમારા ઇઝરાયલી ભાઈઓ યુધમાં લડવા જાય ત્યારે તમે અહીં બેસી રહેશો? 7 પ્રભુએ ઇઝરાયલીઓને વચનનો દેશ આપેલો છે અને તેઓ યર્દન ઓળંગીને તેમાં પ્રવેશ કરવાના છે. ત્યારે તમે તેમનાં મન કેમ નિરાશ કરવા માંગો છો? 8 મેં તમારા પૂર્વજોને કાદેશ-બાર્નિયાથી દેશની તપાસ કરવા મોકલ્યા ત્યારે તેમણે પણ આવું જ કર્યું હતું. 9 તેઓએ એશ્કોલની ખીણ સુધી જઈને દેશની તપાસ કરી, પણ પાછા આવીને તેમણે ઇઝરાયલીઓનાં મન નિરાશ કરી નાખ્યાં, અને તેમને પ્રભુએ આપેલા દેશમાં જતા રોકયા. 10 તેથી તે દિવસે પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો અને તેમણે સમ ખાઈને કહ્યું, 11 ‘સાચે જ મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તેમાં આ લોકોમાંથી વીસ વર્ષ અને તેની ઉપરની ઉંમરનો કોઈ પ્રવેશ કરવા પામશે નહિ; કારણ, તેઓ મને હૃદયની નિષ્ઠાથી અનુસર્યા નથી. 12 માત્ર કનિઝ્ઝી યફુન્નેહનો પુત્ર કાલેબ અને નૂનનો પુત્ર યહોશુઆ જ તેમાં પ્રવેશશે; કારણ, તેઓ પ્રભુને હૃદયની પૂરી નિષ્ઠાથી અનુસર્યા હતા. 13 પ્રભુનો કોપ ઇઝરાયલીઓ ઉપર સળગી ઊઠયો અને પ્રભુને નાખુશ કરનારી એ આખી પેઢીનો નાશ થયો ત્યાં સુધી ચાલીસ વર્ષ તેમને વેરાનપ્રદેશમાં રઝળપાટ કરાવી. 14 હવે ઓ ભૂંડાઓનાં સંતાન, તમે તમારા પૂર્વજોને અનુસરીને ઇઝરાયલીઓ પર ફરીથી પ્રભુનો કોપ ઉતારવા માગો છો? 15 જો તમે હવે પ્રભુને અનુસરવાનું મૂકી દેશો તો આ બધાંને તે રણપ્રદેશમાં તજી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.” 16 તેઓ મોશેની પાસે આવ્યા અને કહ્યું, “પ્રથમ અમને અમારાં ઘેટાંબકરાં માટે વાડા બાંધવા દો અને અમારાં સંતાનોને માટે કિલ્લાવાળાં નગરો બાંધવા દો. 17 ત્યાર પછી અમે શસ્ત્રસજ્જ થઈને અમારા સાથી ઇઝરાયલીઓ સાથે જઈશું અને તેમને તેમના મળનાર વતનમાં ઠરીઠામ ન કરીએ ત્યાં સુધી આક્રમણમાં મોખરે રહીશું. તે દરમિયાન અમારા સંતાનો આ દેશના મૂળવતનીઓના હુમલાઓથી કિલ્લાવાળાં નગરોમાં સુરક્ષિત રહી શકશે. 18 પ્રત્યેક ઇઝરાયલીને પોતાના ભાગની જમીનનો વારસો ન મળે ત્યાં સુધી અમે પાછા નહિ ફરીએ. 19 અમે યર્દનની પેલે પારના પ્રદેશમાં તેમની સાથે કોઈ વારસો માંગીશું નહિ. કારણ, અહીં યર્દનને પૂર્વ કિનારે અમને વારસો મળી ચૂક્યો છે.” 20 મોશેએ કહ્યું, “તમારું કહેવું સાચું જ હોય તો પછી પ્રભુ સમક્ષ શસ્ત્રસજ્જ થઈ યુધમાં લડવા જાઓ. 21 તમારામાંના બધા જ શસ્ત્રસજ્જ પુરુષો યર્દન ઓળંગીને સામે પાર પ્રભુની આગેવાની નીચે લડવાને ચાલ્યા જાઓ અને પ્રભુ દુશ્મનોને હાંકી કાઢે અને દેશનો કબજો લે ત્યાં સુધી ત્યાં રહો. 22 ત્યાર પછી તમે પાછા આવી શકશો. કારણ, તમે પ્રભુ અને તમારા ઇઝરાયલી લોકો પ્રત્યેની જવાબદારી અદા કરી ગણાશે અને પ્રભુ સમક્ષ યર્દનની પૂર્વનો આ પ્રદેશ તમારી માલિકીનો થશે. 23 પણ જો તમે તમારું વચન નહિ પાળો તો તમે પ્રભુની વિરૂધ પાપ કર્યું ગણાશે અને તમારું પાપ તમને જરૂર પકડી પાડશે. 24 તો તમારા સંતાનોને માટે નગર બાંધો અને તમારા ઘેટાંબકરાં માટે વાડા બાંધો, પણ તમારું આપેલું વચન પાળજો.” 25 ગાદ અને રૂબેનના કુળના લોકોએ કહ્યું, “ સ્વામી, તમારા આ સેવકો આપના કહ્યા પ્રમાણે કરશે. 26 અમારાં બાળકો અને સ્ત્રીઓ તથા ઘેટાંબકરાં અને બધાં ઢોર અહીં ગિલ્યાદનાં નગરોમાં રહેશે. 27 પણ અમે શસ્ત્રસજ્જ થઈને તમારા કહેવા પ્રમાણે પ્રભુની સમક્ષ યર્દન ઓળંગીને લડવા જઈશું.” 28 તેથી મોશેએ યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના કુળોના કુટુંબના બીજા આગેવાનોને કહ્યું, 29 “જો ગાદ અને રૂબેન કુળના લોકો શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગીને પ્રભુ સમક્ષ લડવાને તમારી સાથે આવે અને જો તે દેશનો કબજો તમને મળે તો તમારે તેમને ગિલ્યાદનો પ્રદેશ વતન તરીકે આપવો. 30 પણ જો તેઓ શસ્ત્રસજ્જ થઈને યર્દન ઓળંગી તમારી સાથે ન આવે તો તેમને તમારી સાથે જ કનાન દેશમાં ભાગ આપવો.” 31 ગાદ અને રૂબેન કુળના લોકોએ કહ્યું, “સ્વામી, પ્રભુના ફરમાવ્યા પ્રમાણે અમે કરીશું. 32 અમે શસ્ત્રસજ્જ થઈને પ્રભુ સમક્ષ યર્દન ઓળંગીને કનાન દેશમાં જઈશું. જેથી અમને યર્દન નદીના પૂર્વકાંઠાનો આ ભાગ વારસા તરીકે મળે.” 33 તેથી મોશેએ ગાદ અને રૂબેનના કુળોને તથા યોસેફના પુત્ર મનાશ્શાના અર્ધા કુળને અમોરીઓના રાજા સિહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય એટલે તેમનો આખો પ્રદેશ, તેનાં નગરો, આસપાસની જમીન સાથે વારસામાં આપી દીધો. 34 ગાદના કુળના લોકોએ દિબોન, અશરાય, અરોએર 35 આટ્રોથ-શોફાન, યાઝેર, યોગ્બાહ, 36 બેથ-નિમ્રા અને બેથ-હારાનના કિલ્લાંવાળા નગરો ફરીથી બાંયા અને ઘેટાંબકરાંને માટે વાડાઓ બાંયા. 37 રૂબેનના કુળના લોકોએ હેશ્બોન, એલઆલે, કિર્યાથાઈમ, 38 નબો, બઆલ-મેઓન (આ નામ બદલવામાં આવ્યું હતું.) અને સિબ્મા ફરીથી બાંધ્યાં અને તેમણે પુન: બાંધેલાં નગરોને નવાં નામ આપ્યાં. 39 મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રના લોકોએ ગિલ્યાદના પ્રદેશને આક્રમણ કરીને જીતી લીધો. ત્યાં વસતા અમોરીઓને તેમણે હાંકી કાઢયા. 40 તેથી મોશેએ મનાશ્શાના પુત્ર માખીરના ગોત્રને ગિલ્યાદનો પ્રદેશ વારસામાં આપ્યો અને તેઓ તેમાં વસ્યા. 41 મનાશ્શાના પુત્ર યાઈરના ગોત્રના લોકોએ આક્રમણ કરી કેટલાંક તંબૂવાળાં ગામડાં કબજે કરી લીધાં. તેમણે તે પ્રદેશનું નામ “યાઈરનાં ગામડાં” એવું પાડયું. 42 અને નોબાહે કનાથ અને તેનાં ગામડાં પર આક્રમણ કરી જીતી લીધાં અને પોતાના નામ પરથી તે પ્રદેશનું નામ નોબાહ પાડયું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide