Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 31 - પવિત્ર બાઇબલ C.L.


મિદ્યાન વિરુધ યુધ

1-2 પ્રભુએ મોશેને કહ્યું, “મિદ્યાનીઓએ ઇઝરાયલીઓ પર લાવેલી આપત્તિનો તારે બદલો લેવાનો છે, અને તે પછી તું મૃત્યુ પામીશ.”

3 તેથી મોશેએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક જુવાનોને યુદ્ધ માટે શસ્ત્રસજ્જ કરો કે તેઓ મિદ્યાનીઓ પર આક્રમણ કરે અને પ્રભુ પ્રત્યેના તેમના વર્તનનું વેર વાળે.

4 ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી હજાર સૈનિકોની એક ટુકડી યુધમાં મોકલો.”

5 તેથી દરેક કુળમાંથી એક હજાર પુરુષોને પસંદ કરવામાં આવ્યા. કુલ બાર હજાર શસ્ત્રસજ્જ પુરુષો યુધને માટે હાજર થયા.

6 મોશેએ તેમને યુધ કરવાને મોકલી આપ્યા અને યજ્ઞકાર એલાઝારનો પુત્ર ફિનહાસ પવિત્રસ્થાનનાં પાત્રો અને યુધનાદ પોકારવાનાં રણશિંગડા લઈને તેમની સાથે ગયો.

7 પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેમણે મિદ્યાનીઓ પર આક્રમણ કર્યું અને તેમના બધા પુરુષોને મારી નાખ્યા.

8 યુધમાં માર્યા ગયેલાઓમાં એવી, રેકેમ, સૂર, હુર અને રેબા એ મિદ્યાનના પાંચ રાજાઓ પણ હતા. વળી, તેમણે બયોરના પુત્ર બલામને પણ તલવારથી મારી નાખ્યો.

9 ઇઝરાયલીઓએ મિદ્યાની સ્ત્રીઓને અને બાળકોને કેદ પકડી લીધાં અને તેમનાં બધાં ઢોર, ઘેટાંબકરાં અને બધી માલમિલક્ત લૂંટી લીધાં.

10 તેમણે તેમનાં વસવાટનાં બધાં નગરો અને પડાવોને અગ્નિથી બાળી નાખ્યાં.

11 ત્યાર પછી તેઓ તેમની બધી લૂંટ અને કબજે કરેલાં બધા પ્રાણીઓ અને કેદીઓને

12 યરીખોની સામે, યર્દન નદીને કિનારે મોઆબના મેદાનમાં આવેલા પોતાના પડાવમાં મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર ઇઝરાયલી સમાજ સમક્ષ લઈ આવ્યા.

13 મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમાજના બધા આગેવાનો તેમને મળવાને માટે પડાવની બહાર ગયા.

14 યુધમાંથી પાછા ફરેલા લશ્કરના સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ પર મોશે ખૂબ જ ગુસ્સે થયો હતો.

15 તેણે તેમને પૂછયું, “શા માટે તમે આ બધી સ્ત્રીઓને જીવતી રાખી છે?”

16 પયોર ખાતે બલામની સલાહથી આવી વિધર્મી સ્ત્રીઓએ જ ઇઝરાયલી લોકોને પ્રભુ પ્રત્યે બેવફા બનાવ્યા હતા, અને તેથી પ્રભુની જમાતમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો.

17 આથી એમનાં બધાં નરસંતાનોને મારી નાખો અને પુરુષ સાથે દેહસમાગમ કર્યો હોય એવી બધી જ સ્ત્રીઓને પણ મારી નાખો.

18 પણ તમારે માટે બધી છોકરીઓ અને કુંવારી યુવતીઓને જીવતી રાખો.

19 તમારામાંના કોઈએ કોઈ માણસને મારી નાખ્યો હોય અથવા મૃતદેહનો સ્પર્શ કર્યો હયો તો તેણે સાત દિવસ સુધી પડાવ બહાર રહેવું. તમારે અને તમારી બંદીવાન સ્ત્રીઓએ ત્રીજે અને સાતમે દિવસે શુધિકરણનો વિધિ કરવો.

20 તમારાં બધાં કપડાંનું તથા ચામડાની, બકરાના વાળની કે લાકડાની બનાવેલી બધી ચીજવસ્તુઓનું શુધિકરણ કરવું.”

21 યજ્ઞકાર એલાઝારે યુધમાંથી પાછા ફરેલા સૈનિકોને કહ્યું, “પ્રભુએ મોશે મારફત ફરમાવેલો નિયમ આ છે:

22-23 “અગ્નિમાં સળગી ન જાય તેવી સોનું, ચાંદી, તાંબું, લોખંડ, કલાઈ કે સીસુની વસ્તુઓ અગ્નિમાં પસાર કરીને શુધ કરવી; બાકીની બધી વસ્તુઓને પાણી છાંટી શુધ કરવી. અગ્નિથી બળી જાય એવી વસ્તુઓને પાણીથી શુધ કરવી.

24 સાતમે દિવસે તમારે તમારાં કપડાં ધોઈ નાખવાં, એટલે તમે વિધિ પ્રમાણે શુધ થશો અને પછી તમને પડાવમાં પ્રવેશ કરવાની પરવાનગી મળશે.”


લૂંટની વહેંચણી

25-26 પ્રભુએ મોશેને કહ્યું, “તું, એલાઝાર અને સમાજના કુટુંબવાર આગેવાનો સાથે મળીને કેદીઓ, પ્રાણીઓ અને બધી લૂંટની ગણતરી કરો.

27 પછી લૂંટના બે સરખા ભાગ પાડો. એક ભાગ સૈનિકોને આપવામાં આવે અને બાકીનો ભાગ સમગ્ર સમાજને વહેંચવામાં આવે.

28 સૈનિકોના ભાગમાંથી પ્રભુને માટે કર લેવામાં આવે. કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પાંચસોએ એક એ પ્રમાણે પ્રભુને આપવામાં આવે.

29 સૈનિકોના અર્ધ ભાગમાંથી પ્રભુને માટે ઉચ્છાલિતઅર્પણ તરીકે તે યજ્ઞકાર એલાઝારને આપી દો.

30 તે જ પ્રમાણે ઇઝરાયલીઓના ભાગમાંથી કેદીઓ, બળદો, ગધેડાં, ઘેટાં અને બકરાં પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુના મુલાકાતમંડપની સંભાળ રાખનાર લેવીઓને આપે.”

31 મોશે અને એલાઝારે પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું.

32-35 પોતે રાખી લીધેલી ચીજવસ્તુઓ સિવાયની જે લૂંટ સૈનિકો લાવ્યા તેની વિગતો નીચે પ્રમાણે છે: 6,75,000 ઘેટાં અને બકરાં, 72,000 ઢોર, 61,000 ગધેડાં અને 32,000 કુમારિકાઓ.

36-40 સૈનિકોનો અર્ધો ભાગ આ પ્રમાણે હતો: 3,37,500 ઘેટાં અને બકરાં; તેમાંથી પ્રભુનો ભાગ 675, 36,000 ઢોર; તેમાંથી પ્રભુનો ભાગ 72, 30,500 ગધેડાં; તેમાંથી પ્રભુનો ભાગ 61 અને 16,000 કુમારિકાઓ; તેમાંથી પ્રભુનો ભાગ 32.

41 પ્રભુએ ફરમાવ્યા પ્રમાણે મોશેએ પ્રભુના ઉચ્છાલિતઅર્પણ તરીકેનો ભાગ યજ્ઞકાર એલાઝારને આપી દીધો.

42-46 બાકીના ઇઝરાયલીઓને મળેલો ભાગ જે સૈનિકોના ભાગમાંથી મોશેએ અલગ કર્યો હતો તે આ પ્રમાણે હતો:3,37,500 ઘેટાં અને બકરાં, 36,000 ઢોર, 30,500 ગધેડાં અને 16,000 કુમારિકાઓ.

47 ઇઝરાયલીઓએ આ અર્ધા ભાગમાંથી કેદીઓ અને પ્રાણીઓ પૈકી દર પચાસે એક એ પ્રમાણે લઈને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રભુના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં.

48 ત્યાર પછી સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓ મોશેની પાસે આવ્યા.

49 તેમણે મોશેને કહ્યું, “અમે અમારા તાબાના દરેક માણસની ગણતરી કરી છે અને તેમાંથી એકપણ માણસ ખૂટતો નથી.

50 આથી અમે અમને મળેલાં સોનાનાં કડાં, બંગડીઓ, વીંટીઓ, કુંડળો અને હારો અમારા પ્રાણ બચાવવા બદલ મુક્તિમૂલ્ય રૂપે પ્રભુને અર્પણ તરીકે લાવ્યા છીએ; જેથી તે અમારી રક્ષા કરે.”

51 મોશેએ અને યજ્ઞકાર એલાઝારે તેમની પાસેથી આ દાગીનાઓ સ્વીકારી લીધા.

52 સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ અને શતાધિપતિઓએ પ્રભુને ઉચ્છાલિતઅર્પણ તરીકે અર્પેલા આ સોનાનું કુલ વજન આશરે બસો કિલોગ્રામ હતું.

53 (કેમકે દરેક સૈનિકને પોતપોતાની લૂંટ મળી હતી.)

54 પછી મોશે અને યજ્ઞકાર એલાઝાર સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ, અને શતાધિપતિઓ પાસેથી મળેલું સોનું સ્વીકારી લઈને મુલાકાતમંડપમાં લઈ આવ્યા; જેથી પ્રભુ ઇઝરાયલને યાદ રાખે અને તેમની રક્ષા કરે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan