ગણના 30 - પવિત્ર બાઇબલ C.L.માનતા અંગેના નિયમો 1 મોશેએ ઇઝરાયલીઓના કુળના આગેવાનોને કહ્યું, “પ્રભુની આજ્ઞા આ પ્રમાણે છે: 2 જો કોઈ માણસ પ્રભુને માટે સ્વેચ્છાપૂર્વક કંઈક કરવાની માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વચન આપે તો તેણે તે વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. 3 જો કોઈ યુવતી હજી પોતાના પિતાને ઘેર જ રહેતી હોય ત્યારે સ્વેચ્છાથી પ્રભુ માટે કંઈક આપવાની માનતા લે કે કોઈ વસ્તુ છોડી દેવાનું વચન આપે, 4 અને તેના પિતાને જાણ થાય, પણ તે તેને મના કરે નહિ, તો તેણે પોતાનું વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું. તેને માટે તે માનતા બંધનર્ક્તા છે. 5 પણ જો તેના પિતાને માનતાની ખબર પડે અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને માટે બંધનર્ક્તા ગણાશે નહિ. તેના પિતાએ તેને પૂર્ણ કરવાની મના કરી હોવાથી તે બંધનર્ક્તા નથી અને પ્રભુ તેને ક્ષમા કરશે. 6 “જો કોઈ કુંવારી સ્ત્રી માનતા રાખે અને પૂરતો વિચાર કર્યા વગર કોઈ વસ્તુ છોડી દેવાની માનતા લે અને પછી લગ્ન કરે 7 અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ તે લીધેલી માનતા તેણે પૂરી કરવી. 8 પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તેની માનતા રદ થઈ જાય અને પ્રભુ તેને ક્ષમા કરશે. 9 “જો કોઈ વિધવા અથવા લગ્ન વિચ્છેદ થયેલી સ્ત્રી માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતા લે તો તે બધું જ તેને બંધનર્ક્તા છે. 10 “જો કોઈ પરણેલી સ્ત્રી સાસરે આવ્યા પછી માનતા રાખે અથવા કોઈ વસ્તુ ન લેવાની બાધા રાખે, 11 અને તેની માનતાની જાણ તેના પતિને થાય પણ તે તેને કશું કહે નહિ તો તેણે પોતાની માનતા તોડવી નહિ, પણ લીધેલી માનતા પૂર્ણ કરવી. 12 પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય તે જ વખતે તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને બંધનર્ક્તા નથી. તેના પતિએ તેને રદ કરી હોવાથી પ્રભુ તેને ક્ષમા કરશે. 13 પત્નીની કોઈપણ માનતાને અથવા દેહદમન માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવાની માનતાને પતિ મંજૂર કે રદ કરી શકે છે. 14 જો તેની માનતાની જાણ પતિને થાય તે જ સમયે તે વિષે તે તેને કશું ન કહે તો પત્નીએ તેની માનતા અથવા બાધાને પૂર્ણ કરવી. કારણ, પતિએ તે મંજૂર રાખી છે. 15 પરંતુ જો જાણ થયા પછી થોડા સમય બાદ પતિ માનતા રદ કરે તો તેના ભંગનો દોષ પતિને લાગે.” 16 પતિ અને પત્ની વિષે તથા પિતા અને તેના ઘરમાં રહેતી કુંવારી પુત્રી વિષે પ્રભુએ મોશેને આ નિયમો ફરમાવ્યા હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide