ગણના 3 - પવિત્ર બાઇબલ C.L.આરોનના પુત્રો 1 પ્રભુ સિનાઈ પર્વત પર મોશે સાથે બોલ્યા ત્યારે આરોન અને મોશેનું કુટુંબ આ પ્રમાણે હતું: 2 આરોનને ચાર પુત્રો હતા. જયેષ્ઠ નાદાબ, પછી અબીહૂ, એલાઝાર અને ઇથામાર. 3 તેમનો યજ્ઞકાર તરીકે અભિષેક કરવામાં આવ્યો હતો અને સેવા કરવાને અલગ કરવામાં આવ્યા હતા, 4 પરંતુ નાદાબ અને અબીહૂ સિનાઈના રણપ્રદેશમાં પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચઢાવતાં માર્યા ગયા હતા. તેમને કોઈ સંતાન નહોતું. તેથી આરોનના જીવતાં સુધી એલાઝાર અને ઇથામારે યજ્ઞકાર તરીકેની સેવા બજાવી હતી. યજ્ઞકારની સેવા કરવા માટે લેવીકુળની પસંદગી 5 પ્રભુએ મોશેને કહ્યું, 6 લેવીકુળને આગળ લાવ અને તેમને આરોન યજ્ઞકારની સમક્ષ રજૂ કર કે તેઓ તેની સેવા કરે. 7 તેઓ મુલાકાતમંડપને લગતી ફરજો બજાવે અને સમગ્ર સમાજ તથા યજ્ઞકારોની સેવા કરે. 8 તેમણે મુલાકાતમંડપનો સરસામાન સાચવવાનો છે અને મંડપને લગતી સેવા કરતાં સમગ્ર ઇઝરાયલી સમાજ પ્રત્યેની ફરજો અદા કરવાની છે. 9 ઇઝરાયલી લોકો વતી આરોન અને તેના પુત્રોની સેવા કરવી તે જ લેવીઓની મુખ્ય જવાબદારી છે. 10 આરોન તથા તેના પુત્રોની તું યજ્ઞકાર તરીકે નિમણૂક કર. જો બીજું કોઈ એ પદ ભોગવવાનો પ્રયત્ન કરે તો તે માર્યો જશે.” 11-13 પ્રભુએ મોશેને કહ્યું, “હવે લેવીઓ મારા થશે. મેં ઇજિપ્તીઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો ત્યારે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને તથા દરેક પ્રાણીના પ્રથમજનિતને મેં મારા કરી લીધા હતા. પરંતુ હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતોને બદલે લેવીઓ મારા થશે. તેઓ ઉપર મારો જ અધિકાર છે. હું પ્રભુ છું.” લેવીકુળની વસતીગણતરી 14-15 સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મોશેને કહ્યું, “એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની લેવીઓનાં ગોત્ર અને કુટુંબ પ્રમાણે નોંધણી કર.” 16 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ તેમની યાદી તૈયાર કરી. 17-20 લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી. તેઓ તેમને નામે ઓળખાતા કુટુંબોના પૂર્વજો હતા. ગેર્શોનને બે પુત્રો હતા. લિબ્ની અને શિમઈ. કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ. મરારીને બે પુત્રો હતા: માહલી અને મૂશી. આ બધા તેમને નામે ઓળખાતા ગોત્રોના પૂર્વજો હતા. 21 ગેર્શોનના ગોત્રમાં લિબ્ની અને શિમઈ એ બે કુટુંબો હતાં: 22 એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા સાત હજાર પાંચસોની હતી. 23 આ ગોત્રે મંડપની પાછળ પશ્ર્વિમ તરફ પડાવ નાખવાનો હતો. 24 તેમના ગોત્રનો આગેવાન લાએલનો પુત્ર એલ્યાસાફ હતો. 25 ગેર્શોનના વંશજોએ મુલાકાતમંડપનો તંબૂ અને તેની અંદરનો પડદો, બહારનો પડદો, પ્રવેશદ્વારનો પડદો, 26 મંડપ અને વેદીની આસપાસના ચોકના પડદાઓ, ચોકના પ્રવેશદ્વારનો પડદો અને તેનાં દોરડાંને લગતા કામની તમામ જવાબદારી સંભાળવાની હતી. 27 કહાથના ગોત્રમાં આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિયેલ એટલાં કુટુંબો હતાં. 28 એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા આઠ હજાર છસોની હતી. 29 તેમણે પવિત્રસ્થાનની સંભાળ રાખવાની હતી. આ કુટુંબોએ મંડપની દક્ષિણે પડાવ નાખવાનો હતો. 30 ઉઝ્ઝિયેલનો પુત્ર એલિસાફાન તેમના ગોત્રનો આગેવાન હતો. 31 તેમણે કરારપેટી, મેજ, દીપવૃક્ષ અને વેદીઓ, પવિત્રસ્થાનમાં યજ્ઞકારોએ વાપરવાનાં વાસણો અને પડદાની સંભાળ રાખવાની હતી. આ બધી વસ્તુઓને લગતા કામની તમામ જવાબદારી તેમની હતી. 32 યજ્ઞકાર આરોનનો પુત્ર એલાઝાર લેવીકુળના આગેવાનનો વડો હતો અને પવિત્રસ્થાનમાં સેવા બજાવનારાઓનો ઉપરી હતો. 33 મરારીના ગોત્રમાં માહલી અને મૂશીના કુટુંબો હતાં. 34 એક મહિનાના અને તેથી વધુ ઉંમરના તેમના બધા પુરુષોની સંખ્યા છ હજાર બસોની હતી. 35 અબીહાઈલનો પુત્ર સૂરીએલ તેમના ગોત્રનો આગેવાન હતો. તેમણે મંડપની ઉત્તરે પડાવ નાખવાનો હતો. 36 મરારીના વંશજોએ મંડપના પાટિયાં, તેની વળીઓ, સ્થંભો, કૂંભીઓ તથા તેનાં બધાં ઓજારો અને એ બધાંને લગતા કામક્જની જવાબદારી સંભાળવાની હતી. 37 એ ઉપરાંત ચોકની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલાઓ અને દોરડાંઓની સંભાળ પણ તેમણે રાખવાની હતી. 38 મોશે, આરોન અને તેના પુત્રોના કુટુંબોએ મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ પડાવ નાખવાનો હતો. ઇઝરાયલી લોકો માટે પવિત્રસ્થાનમાં સેવા બજાવવાનું કાર્ય તેમનું હતું. જો કોઈ બીજો એ સેવા બજાવવા જાય તો તે માર્યો જશે. 39 પ્રભુની આજ્ઞાથી મોશે તથા આરોને ગોત્ર પ્રમાણે કરેલી ગણતરી અનુસાર એક મહિનાના અને તેથી વધુ ઉંમરના બધા લેવી પુરુષોની કુલ સંખ્યા બાવીસ હજારની હતી. લેવીઓને પ્રથમજનિતનું સ્થાન 40 પ્રભુએ મોશેને કહ્યું, 41 “એક મહિનાના અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોની નામવાર નોંધણી કર; કારણ, ઇઝરાયલીઓના બધા પ્રથમજનિત મારા છે. હું પ્રભુ છું! હવે એ પ્રથમજનિતોને બદલે તું મને લેવીઓનું સમર્પણ કર. વળી, ઇઝરાયલીઓનાં પ્રથમ જન્મેલાં ઢોરઢાંકને બદલે લેવીઓનાં ઢોરઢાંક મને સોંપી દે.” 42-43 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ એક મહિનાના અને તેથી વધુ ઉંમરના ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતની ગણતરી કરી. તેમની કુલ સંખ્યા બાવીસ હજાર બસો તોંતેરની થઈ. 44 પ્રભુએ મોશેને કહ્યું, 45 “ઇઝરાયલીઓના બધા પ્રથમજનિતોને બદલે મને લેવીઓનું સમર્પણ કર અને ઇઝરાયલીઓના ઢોરઢાંકમાંના પ્રથમજનિતોને બદલે મને લેવીઓનાં ઢોરઢાંકનું સમર્પણ કર અને લેવીઓ મારા થશે. હું પ્રભુ છું. 46 અને હવે ઇઝરાયલી લોકોના પ્રથમજનિતની સંખ્યા લેવીઓના કરતાં બસો તોંતેર વધારે છે. તેથી તું એ વધારાના પુત્રો માટે મુક્તિમૂલ્ય અદા કરી તેમને છોડાવી લે. 47 એટલે દરેકને માટે તું ચાંદીના પાંચ સિક્કા લે. (સિક્કાનું વજન પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે હોવું જોઈએ. એક સિક્કો બાર ગ્રામનો હોય છે.) 48 અને વધારાના પુત્રો માટેના આ પૈસા તું આરોન અને તેના પુત્રોને મૂક્તિમૂલ્ય તરીકે આપી દે.” 49-51 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓના પ્રથમજનિતોની પાસેથી વધારાના પુત્રોના મુક્તિમૂલ્ય પેટે કુલ 1365 ચાંદીના સિક્કા (પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે) લીધા અને તે રકમ આરોન અને તેના પુત્રોને ચૂકવી દીધી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide