ગણના 27 - પવિત્ર બાઇબલ C.L.પુત્રીઓને મિલક્તનો હક્ક 1 યોસેફના પુત્ર મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફેરના પુત્ર સલોફહાદને પાંચ દીકરીઓ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા. 2 તેમણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ જઈને કહ્યું, 3 “અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા. 4 માત્ર પુત્ર ન હોવાને લીધે શા માટે એમનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જાય? અમારા પિતાનાં સગાં સાથે અમને પણ વારસામાં જમીન આપો.” મોશેએ તેમની માગણી પ્રભુ સમક્ષ રજૂ કરી. 5-6 અને પ્રભુએ તેને કહ્યું, 7 “સલોફહાદની દીકરીઓની માંગણી વાજબી છે. તેમને પણ તેમના પિતાના સગાંઓ સાથે વારસામાં જમીન આપ. એમ તેમને તેમના પિતાનો વારસો મળવા દે. 8 ઇઝરાયલીઓને તું આ પ્રમાણે કહે: “જો કોઈ માણસને પુત્ર ન હોય તો તેનો વારસો તેની દીકરીને મળે. 9 પણ જો તેને દીકરી ન હોય તો તેનો વારસો તેના ભાઈઓને મળે. 10 જો તેને ભાઈઓ ન હોય તો એ વારસો તેના કાકાઓને મળે. 11 જો તેને કાકાઓ ન હોય તો તેનો વારસો તેના સૌથી નિકટના સગાને મળે. તે તેનો માલિક બને. મેં પ્રભુએ મોશેને આપેલી આ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ આ કાનૂની પ્રબંધ અનુસરવાનો છે.” મોશેના અનુગામી તરીકે યહોશુઆની પસંદગી ( પુન. 31:1-8 ) 12 પ્રભુએ મોશેને કહ્યું, “તું આ અબારીમની પર્વતમાળા ઉપર ચઢી જા અને મેં ઇઝરાયલીઓને આપેલો પ્રદેશ તું જોઈ લે. 13 એ જોયા પછી તારે તારા ભાઈ આરોનની માફક તારા પિતૃઓની સાથે ભળી જવાનું છે. 14 કારણ, સીનના રણપ્રદેશમાં તમે બંનેએ મારી આજ્ઞા વિરુધ વિદ્રોહ કર્યો હતો. જ્યારે મરીબા પાસે સમગ્ર સમાજે મારી વિરુધ ફરિયાદ કરી ત્યારે તેમની સમક્ષ તમે મને પવિત્ર મનાવ્યો નહોતો.” (સીનના રણપ્રદેશમાં કાદેશ પાસે આવેલા મરીબાના ઝરણાની આ વાત છે.) 15-16 મોશેએ કહ્યું, “હે પ્રભુ, સમસ્ત માનવજીવોના ઈશ્વર, આ સમાજ માટે કોઈ આગેવાન નીમો કે જે તેમને યુદ્ધમાં લાવવા લઈ જવામાં તેમની આગેવાની કરે. 17 અને દરેક બાબતમાં તેમને દોરવણી આપે જેથી તમારા લોક પાળક વગરનાં ઘેટાં જેવાં ન થાય.” 18 પ્રભુએ મોશેને કહ્યું, “નૂનના પુત્ર યહોશુઆને બોલાવ. તેનામાં મારો આત્મા છે, તેના માથા પર તારો હાથ મૂક. 19 તું તેને યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ ઊભો રાખ. ત્યાં સૌના દેખતાં તારા અનુગામી તરીકે તેને નિમણૂંક આપ. 20 તારો કેટલોક અધિકાર તેને સોંપ જેથી ઇઝરાયલનો સમગ્ર સમાજ તેને આધીન રહે. 21 તેણે ઈશ્વરની ઇચ્છા જાણવા માટે યજ્ઞકાર એલાઝાર પાસે જવું પડશે; જે પ્રભુ સમક્ષ ઉરીમના ચુકાદા વડે તેનો નિર્ણય મેળવશે. આ રીતે એલાઝાર યહોશુઆને અને સમગ્ર ઇઝરાયલી સમાજને દરેક બાબતમાં દોરવણી આપશે. યુધમાં જવા વિષે અને યુધમાંથી પાછા ફરવા વિષે તે સમગ્ર ઇઝરાયલી સમાજને આજ્ઞા કરશે.” 22 મોશેએ પ્રભુના કહેવા પ્રમાણે કર્યું. તેણે યહોશુઆને બોલાવ્યો અને તેને એલાઝાર તથા સમગ્ર સમાજ સમક્ષ રજૂ કર્યો. 23 અને જેમ પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેને માથે હાથ મૂકીને તેને પોતાના અનુગામી તરીકે નીમ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide