ગણના 25 - પવિત્ર બાઇબલ C.L.પયોરમાં અધર્મ 1 ઇઝરાયલીઓએ શિટ્ટીમના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો હતો ત્યારે એ લોકો ત્યાંની મિદ્યાની યુવતીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા. 2 આ યુવતીઓ તેમને તેમના દેવોના યજ્ઞોની મિજબાનીમાં બોલાવતી. ઇઝરાયલના કેટલાક લોકો એમનું ભોજન જમતા અને તેમના દેવોની પૂજા પણ કરતા. આમ, તેઓ પયોરના દેવ બઆલની ભક્તિમાં સામેલ થયા. આથી ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો. 3-4 પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલના બધા આગેવાનોને પકડીને તેમનો ધોળે દહાડે જાહેરમાં મારી સમક્ષ સંહાર કર. જેથી ઇઝરાયલીઓ પરથી મારો પ્રચંડ કોપ દૂર થાય.” 5 મોશેએ આગેવાનોને કહ્યું, “તમારે દરેકે તમારા કુળમાંથી જે કોઈ પેયોરના બઆલની પૂજાભક્તિમાં સામેલ થયો હોય તેનો સંહાર કરવો.” 6 મોશે અને ઇઝરાયલી લોકોનો સમગ્ર સમુદાય મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે વિલાપ કરતો હતો. ત્યારે તેમની નજર સામે એક ઇઝરાયલી પુરુષ મિદ્યાની યુવતીને લઈને પોતાના તંબૂમાં ગયો. 7 યજ્ઞકાર આરોનના પૌત્ર અને એલાઝારના પુત્ર ફિનહાસે આ જોયું. 8 તે સભા વચ્ચેથી ઊઠયો અને ભાલો લઈને તે ઇઝરાયલીની પાછળ તંબૂમાં દોડી ગયો. તેણે ઇઝરાયલી પુરુષ અને યુવતી એ બન્નેને ભાલો મારીને તેમનાં પીઠ-પેટ વીંધી નાખ્યાં. એ રીતે ઇઝરાયલીઓ મધ્યે ફાટી નીકળેલો રોગચાળો બંધ થયો. 9 છતાં જેઓ રોગથી માર્યા ગયા હતા તેમની સંખ્યા 24,000 હતી. 10-11 પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર આરોનના પૌત્ર અને એલાઝારના પુત્ર ફિનહાસે જે કર્યું તેનાથી ઇઝરાયલીઓ ઉપરનો મારો રોષ શમી ગયો છે. મારા સિવાય અન્ય દેવોની પૂજા કરવાનું તેણે સાંખી લીધું નથી; તેથી મેં મારા આવેશમાં ઇઝરાયલીઓનો સંહાર કર્યો નહિ. 12 તેથી ફિનહાસને તું આ પ્રમાણે કહે: હું તેની સાથે કાયમના કરારથી સંબંધ સ્થાપું છું અને તે વડે તેને અને તેના વંશજોને યજ્ઞકારપદ સોંપું છું. 13 કારણ, પોતાના ઈશ્વર પ્રત્યેના આવેશને લીધે તેણે અન્ય દેવની પૂજા સાંખી લીધી નહિ અને ઇઝરાયલી લોકોના પાપનું પ્રાયશ્ર્વિત કર્યું છે.” 14 મિદ્યાની યુવતીની સાથે માર્યા ગયેલા ઇઝરાયલીનું નામ ઝિમ્રી હતું. તે શિમયોનના કુળમાં, કુટુંબના વડા સાલૂનો પુત્ર હતો. 15 અને મારી નાખવામાં આવેલ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું. તે મિદ્યાનના કુળમાં કુટુંબના વડા સૂરની દીકરી હતી. 16-17 પ્રભુએ મોશેને કહ્યું, “મિદ્યાનીઓ પર હુમલો કરીને તેમનો સંહાર કરો. 18 કારણ, તેમણે તેમનાં કાવતરાંથી તમને પરેશાન કર્યા છે અને પયોરના કિસ્સામાં તથા તે પછી ફાટી નીકળેલ રોગચાળા દરમ્યાન મારી નંખાયેલ મિદ્યાની આગેવાનની દીકરી કોઝબીની બાબતમાં તમને ફસાવ્યા છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide