Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 24 - પવિત્ર બાઇબલ C.L.

1 હવે બલામને ખબર પડી ગઈ હતી કે પોતે ઇઝરાયલીઓને આશિષ આપે એવું પ્રભુ ઈચ્છે છે, તેથી પ્રથમની માફક તે શકુન જોવા ગયો નહિ. પણ રણપ્રદેશ તરફ મોં ફેરવીને ઊભો રહ્યો.

2 બલામે નજર ઉઠાવીને જોયું તો ઇઝરાયલીઓએ તેમનાં કુળો પ્રમાણે પડાવ નાખ્યો હતો. ઈશ્વરના આત્માએ તેનો કબજો લીધો.

3 અને તેણે આ દિવ્યવાણી ઉચ્ચારી: “બયોરના પુત્ર બલામનો આ સંદેશ છે; હવે જેની આંખો બધું સ્પષ્ટ જુએ છે તેના આ શબ્દો છે;

4 જે ઈશ્વરનાં વચન સાંભળે છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે તેની આ વાણી છે:

5 હે ઇઝરાયલી લોકો, તમારા માંડવા કેવા રમણીય છે, હે યાકોબના વંશજો, તમારા તંબૂઓ કેવા સુંદર છે!

6 તેઓ તો તાડ વૃક્ષોની લાંબી લાંબી ક્તારો જેવા, પ્રભુએ જાતે રોપેલા કુંવારના છોડ જેવા અને જળાશય પાસે રોપેલા ગંધતરુ જેવા છે.

7 તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે.

8 ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો. ઇઝરાયલમાં જાણે કે જંગલી આખલા જેટલું બળ છે. તેઓ પોતાના દુશ્મનોને ભરખી જાય છે, તેમનાં હાડકાંના ભાંગીને ચૂરેચૂરા કરે છે અને પોતાનાં તીરથી તેમને વીંધી નાખે છે.

9 ઇઝરાયલી પ્રજા તો આડા પડીને બેઠેલાં સિંહ-સિંહણ જેવી છે અને તેમને છંછેડવાની હિંમત કોણ કરે? “જે કોઈ ઇઝરાયલને આશિષ આપે તે આશીર્વાદિત થશે. જે કોઈ ઇઝરાયલને શાપ આપે તે શાપિત થશે.”

10 આ સાંભળીને બાલાકને બલામ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની મુક્કી પછાડીને બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે હું તને લઈ આવ્યો પણ તેં તો તેને બદલે તેમને ત્રણ ત્રણ વાર આશિષ આપી!

11 હવે અહીંથી તારે ઘેર ચાલ્યો જા! મેં તને ઉચ્ચ પદવીથી સન્માનવાનું ધાર્યું હતું, પણ પ્રભુએ તને એ માનથી વંચિત રાખ્યો છે.”


બલામની છેલ્લી અગમવાણી

12 બલામે કહ્યું, “મેં તો તેં મોકલેલા સંદેશકોને કહ્યું હતું કે

13 જો બાલાક તેના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ હું પ્રભુની આજ્ઞા વિરુધ જઈને કશું કહી શકું નહિ. મને તો પ્રભુ જે કહેશે તે જ કહીશ!”

14 બલામે બાલાકને કહ્યું, “હું તો ઘેર મારા લોક મધ્યે પાછો જઉં છું. પણ જતાં પહેલાં આ ઇઝરાયલીઓ ભવિષ્યમાં તારા મોઆબી લોકના કેવા હાલ કરશે તે જાણી લે.”

15 પછી તેણે પોતાની વાણી સંભળાવી. “બયોરના પુત્ર બલામની આ વાણી છે. જેની આંખો હવે બધું સ્પષ્ટ રીતે જુએ છે, તેનાં આ કથનો છે.

16 “જે ઈશ્વરનાં વચનો સાંભળે છે, જેને સર્વોચ્ચ ઈશ્વરનું જ્ઞાન લાયું છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે, તેની આ વાણી છે.

17 હું તેને જોઉં છું પણ તે અત્યારને માટે નથી, હું તેને નિહાળું છું પણ નજીકના સમય માટે નહિ. યાકોબના વંશમાંથી એક સિતારો ઝળકી ઊઠશે, એટલે ઇઝરાયલી પ્રજામાંથી એક રાજા ઉદ્ભવશે. તે મોઆબના આગેવાનોને વીંધી નાખશે અને શેથના લોકોનો સંહાર કરશે.

18 તે અદોમીઓના પ્રદેશને, અને પોતાના દુશ્મન સેઈરના લોકોને જીતી લેશે, ત્યારે ઇઝરાયલ પોતાના શૌર્યથી વિજેતા બનશે.

19 તે અદોમીઓને પગ તળે કચડી નાખશે અને નગરના બચી ગયેલાઓનો પણ વિનાશ કરશે.”

20 પછી બલામે દર્શનમાં અમાલેકીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “અમાલેકીઓ બધી પ્રજાઓમાં સૌથી બળવાન હતા, પણ અંતે તેમનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.”

21 પછી દર્શનમાં તેણે કેનીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “તારું રહેઠાણ સલામત લાગે છે, અને તે ખડકમાં મજબૂત રીતે બંધાયેલા માળા જેવું છે.

22 પણ હે કેનીઓ, તમારો વિનાશ કરવામાં આવશે અને આશ્શૂર તમને કેદ કરીને લઈ જશે.”

23 વળી, બલામે આ અગમવાણી ઉચ્ચારી: “અરે, ઉત્તરમાં આ કયા લોક એકત્ર થાય છે?

24 તેઓ સાયપ્રસમાંથી આક્રમણ કરનારાં વહાણો લઈને આવશે. તેઓ આશ્શૂર અને એબેર પર જુલમ કરશે અને છેવટે તે પણ કાયમને માટે નાશ પામશે.”

25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર પાછો ગયો અને બાલાક પણ પોતાને માર્ગે ચાલ્યો ગયો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan