Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 23 - પવિત્ર બાઇબલ C.L.

1 બલામે બાલાકને કહ્યું, “મારે માટે તું અહીં સાત યજ્ઞવેદી બાંધ અને મને સાત આખલા અને સાત બકરા લાવી આપ.”

2 બાલાકે તેના કહેવા પ્રમાણે કર્યું. તેણે અને બલામે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો બલિ ચડાવ્યો.

3 પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો.

4 ત્યાં ઈશ્વર તેને મળ્યા. બલામે તેમને કહ્યું, “મેં સાત યજ્ઞવેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક આખલા અને એક ઘેટાનું અર્પણ કર્યું છે.”

5 પછી બાલાકને શો સંદેશો આપવો તે જણાવીને પ્રભુએ બલામને પાછો મોકલ્યો.

6 તેથી બલામ બાલાક પાસે પાછો ગયો, બાલાક તો મોઆબના આગેવાનો સાથે હજી દહનબલિ પાસે જ ઊભો હતો.

7 બલામે પોતાને પ્રભુ તરફથી મળેલી વાણી કહી સંભળાવી. “મોઆબનો રાજા બાલાક મને અરામથી, પૂર્વની પર્વતમાળામાંથી બોલાવી લાવ્યો છે. તેણે કહ્યું, ‘આવ, અને યાકોબના વંશજોને શાપ દે; આવ, અને ઇઝરાયલીઓને ધૂત્કાર.’

8 જેમને ઈશ્વરે શાપ દીધો નથી, તેમને હું કેમ શાપ દઉં? જેમને પ્રભુએ ધૂર્ત્ક્યા નથી તેમને હું કેમ ધૂત્કારું?

9 ખડકોનાં શિખરો ઉપરથી હું તેમને જોઉં છું. પર્વત પરથી હું તેમને નિહાળું છું. એ તો અલાયદી રહેનાર પ્રજા છે, અને બીજી પ્રજાઓ કરતાં પોતાને વિશિષ્ટ ગણે છે.

10 રેતીના કણની જેમ ઇઝરાયલી પ્રજા અગણિત છે. અરે, તેની વસતીના ચોથા ભાગની સંખ્યા પણ કોણ ગણી શકે? એ ઈશ્વરના લોક જેવું મોત મને મળો, અને નેકજનની જેમ મારું મૃત્યુ ચિર શાંતિમાં થાઓ!”

11 પછી બાલાકે બલામને કહ્યું, “તેં મને આ શું કર્યું? મેં તો તને મારા દુશ્મનોને શાપ આપવા માટે બોલાવ્યો હતો અને તેં તો તેમને નર્યો આશીર્વાદ જ દીધો.”

12 પણ બલામે કહ્યું, “મારે તો પ્રભુ મારા મુખમાં જે વાચા મૂકે તે જ બોલવી ન પડે?”


બલામની બીજી અગમવાણી

13 ત્યાર પછી બાલાકે બલામને કહ્યું, “તું મારી સાથે બીજી જગ્યાએ આવ. ત્યાંથી તું બધા નહિ પણ થોડા જ ઇઝરાયલીઓને જોશે. ત્યાંથી મારે માટે તું તેમને શાપ આપ.”

14 તે તેને પિસ્ગાહ શિખર પર આવેલા સોફીમના મેદાનમાં લઈ ગયો ત્યાં તેણે સાત યજ્ઞવેદી બાંધી અને દરેક પર એક આખલા અને એક ઘેટાનો બલિ ચડાવ્યો.

15 બલામે બાલાકને કહ્યું, “તું અહીં તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ત્યાં જઈને ઈશ્વરને મળી આવું.”

16 પ્રભુ બલામને મળ્યા, પોતાની વાણી સંભળાવતાં તેમણે કહ્યું, “બાલાક પાસે પાછો જા અને આ પ્રમાણે કહેજે.”

17 તેથી બલામ બાલાક પાસે પાછો ગયો. બાલાક તો મોઆબના આગેવાનો સાથે, પોતાના દહનબલિ પાસે ઊભો હતો. બાલાકે તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું?”

18 તેથી બલામે આ અગમવાણી ઉચ્ચારી: “હે સિપ્પોરના પુત્ર બાલાક, આવ અને મારી વાણી ધ્યનથી સાંભળ.

19 ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.

20 મને તો આશિષ આપવાની સૂચના મળી છે અને જ્યારે ઈશ્વરે આશીર્વાદ આપ્યો છે ત્યારે મારાથી તે બદલાય નહિ.

21 યાકોબના વંશજોમાં કોઈ અનીતિ દેખાઈ નથી; ઇઝરાયલીઓમાં કોઈ ઉપદ્રવ જણાયો નથી. પ્રભુ તેમના ઈશ્વર તેમની સાથે છે; તેઓ તેમના રાજા ઈશ્વરનો જયજયકાર પોકારે છે.

22 ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે; જંગલી આખલા જેવું તેમનું બળ છે.

23 ઇઝરાયલી પ્રજાની વિરુધ કોઈ તંત્રમંત્ર ચાલે એમ નથી, યાકોબના વંશજો વિરુધ કોઈ જાદુમંતર સફળ થાય એમ નથી, હવે તો લોકો ઇઝરાયલીઓ વિષે કહેશે, ‘જુઓ તો ખરા, તેમના ઈશ્વરે કેવું અજાયબ કામ કર્યું છે!’

24 ઊભી થયેલી સિંહણ અને તરાપ મારનાર સિંહ જે પોતાનો શિકાર મારીને ખાય નહિ અને તેનું લોહી પીએ નહિં ત્યાં સુધી નિરાંતે બેસતાં નથી, તેમના જેવી ઇઝરાયલી પ્રજા છે.”

25 ત્યારે બાલાકે બલામને કહ્યું, “તું ઇઝરાયલને શાપ ન આપે તો કંઈ નહિ પણ તેમને આશિષ તો ન જ આપ.”

26 પણ બલામે બાલાકને જવાબ આપ્યો, “મેં તો તને ક્યારનુંય નહોતું કહ્યું કે મારે તો પ્રભુ મને જે કહે તે જ કરવું પડશે.”


બલામની ત્રીજી અગમવાણી

27 બાલાકે કહ્યું, “મારી સાથે ચાલ. હું તને અન્ય એક જગ્યાએ લઈ જાઉં. કદાચ, ત્યાંથી તું તેમને શાપ આપે એવું ઈશ્વર થવા દે.

28 તેથી બાલાક બલામને રણપ્રદેશની સામે આવેલા પયોર શિખર પર લઈ ગયો.

29 પછી બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત યજ્ઞવેદીઓ બંધાવ અને મને સાત આખલા અને સાત ઘેટા લાવી આપ.”

30 બાલાકે બલામના કહ્યા પ્રમાણે કર્યું. તેણે દરેક યજ્ઞવેદી પર એક આખલા અને એક ઘેટાનો યજ્ઞ કર્યો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan