ગણના 22 - પવિત્ર બાઇબલ C.L.બલામનું વૃત્તાંત 1 ઇઝરાયલીઓ આગળ ચાલ્યા અને તેમણે મોઆબના સપાટ મેદાનોમાં યર્દન નદીને પૂર્વ કિનારે યરીખોની સામે પડાવ નાખ્યો. 2 ઇઝરાયલીઓએ અમોરીઓની જે દશા કરી હતી તે વિષે મોઆબના રાજા, સિપ્પોરના પુત્ર બાલાકે સાંભળ્યું. 3 તેથી તે અને તેના બધા લોકો ઇઝરાયલીઓની મોટી સંખ્યા જોઈને ભયથી ધ્રૂજી ઊઠયા. 4 મોઆબીઓએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ સાંઢ મેદાનના ઘાસને સફાચટ કરી જાય તેમ આ સમુદાય આપણી આસપાસનું બધું ભરખી જશે.” 5 તેથી સિપ્પોરના પુત્ર બાલાક રાજાએ બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા સંદેશકો મોકલ્યા. આ વખતે બલામ અમોરીઓના પ્રદેશમાં યુફ્રેટિસ નદીને કિનારે આવેલા પયોરમાં રહેતો હતો. તેઓ તેની પાસે બાલાકનો આ સંદેશો લાવ્યા: “ઇજિપ્તથી એક મોટી પ્રજા આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે અને તેમણે મારી વિરૂધ પડાવ નાખ્યો છે. 6 તેમની લશ્કરી તાક્ત અમારા કરતાં વધારે છે. તેથી કૃપા કરીને જલદી આવ અને આ લોકોને શાપ દે; કદાચ એમ હું તેમને હરાવી શકીશ અને તેમને દેશમાંથી હાંકી કાઢી શકીશ. કારણ, હું જાણું છું કે તું જેને આશિષ આપે છે તે આશીર્વાદિત થાય છે અને તું જેને શાપ દે છે તે શાપિત થાય છે.” 7 તેથી મોઆબ અને મિદ્યાનના આગેવાનો પોતાની સાથે શાપ અપાવવા માટેની રકમ લઈને બલામની પાસે ગયા અને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો. 8 બલામે તેમને કહ્યું, “આજની રાત અહીં રહો. પ્રભુ જે કહેશે તે જવાબ હું તમને સવારે આપીશ.” તેથી મોઆબના આગેવાનો બલામની સાથે રહ્યા. 9 ઈશ્વરે બલામની પાસે આવીને પૂછયું, “તારી સાથે ઊતરેલા આ લોકો કોણ છે?” 10 બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા બાલાકે તેમને મારી પાસે મોકલ્યા છે અને મને કહેડાવ્યું છે કે, 11 ‘ઈજિપ્તમાંથી એક પ્રજા મારે ત્યાં આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે. હવે તું આવીને આ લોકોને શાપ આપ. કદાચ હું તેમને યુધમાં હરાવી શકું અને દેશમાંથી હાંકી કાઢી શકું.” 12 ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.” 13 તેથી બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમે તમારે ઘેર પાછા જાઓ. કારણ, પ્રભુએ મને તમારી સાથે આવવાની ના પાડી છે. 14 તેથી મોઆબના આગેવાનો પાછા ગયા અને બાલાક પાસે જઈને તેને કહ્યું, “બલામે અમારી સાથે આવવાની ના પાડી છે.” 15 ત્યાર પછી બાલાકે પ્રથમ કરતાં વધુ પ્રતિષ્ઠિત એવા વધારે આગેવાનોને મોકલ્યા. 16 તેમણે બલામ પાસે આવીને કહ્યું, “સિપ્પોરના પુત્ર બાલાકે આ પ્રમાણે સંદેશો મોકલ્યો છે. ‘કૃપા કરીને મારી પાસે આવવામાં તમે કશાથી રોકાશો નહિ. 17 હું તમને મોટો બદલો આપીશ અને તમે મને જે કંઈ કહેશો તે હું કરીશ. મારી પાસે જલદી આવો અને મારે માટે આ લોકોને શાપ આપો.” 18 પણ બલામે જવાબ આપ્યો, “જો બાલાક પોતાના મહેલનું બધું સોનુંરૂપું મને આપે તોપણ નાનીમોટી કોઈ વાતમાં હું પ્રભુ મારા ઈશ્વરની વાણીની વિરુધ જઈ શકું નહિ. 19 તમે પણ આજની રાત અહીં રોકાઈ જાઓ. જેથી પ્રભુ મને બીજું કંઈક કહેવાના હોય તો તે હું જાણી શકું.” 20 તે રાત્રે ઈશ્વરે આવીને બલામને કહ્યું, “જો આ માણસો તને લઈ જવા માટે આવ્યા હોય તો તું તેમની સાથે જા. તું તૈયાર થઈને જા, પણ હું જે કહું તેટલું જ કહેજે.” 21 તેથી બલામ સવારે ઊઠયો અને ગધેડી પર પલાણ નાખીને મોઆબના આગેવાનો સાથે ચાલી નીકળ્યો. બલામ અને ગધેડીનો પ્રસંગ 22 બલામ તેમની સાથે ગયો. તેથી ઈશ્વરનો કોપ સળગી ઊઠયો. બલામ પોતાના બે ચાકરો સાથે ગધેડી પર બેસીને જતો હતો ત્યારે તેને રોકવાને માટે પ્રભુનો એક દૂત તેના વિરોધી તરીકે રસ્તા વચ્ચે ઊભો રહ્યો. 23 ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો. 24 ત્યાર પછી પ્રભુનો દૂત ત્યાંથી ખસીને જ્યાં બંને બાજુએ દ્રાક્ષવાડીઓ અને એ વાડીઓની પથ્થરની દીવાલ હતી ત્યાં સાંકડા માર્ગમાં ઊભો રહ્યો. 25 ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે પથ્થરની દીવાલને ઘસાઈને ચાલવા લાગી. તેથી બલામનો પગ કચડાયો. તેથી બલામે ગધેડીને ફરીથી ફટકારી. 26 પછી પ્રભુનો દૂત આગળ ગયો અને એવી સાંકડી જગ્યા પસંદ કરી કે જ્યાં ડાબે કે જમણે વળવાની જગ્યા જ નહોતી. 27 આ વખતે ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે બલામને લઈને બેસી પડી. બલામને ખૂબ જ ગુસ્સો ચડયો અને તેણે ગધેડીને લાકડીથી ઝૂડી પાડી. 28 ત્યારે પ્રભુએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં શા માટે મને ત્રણ વાર ફટકારી?” 29 બલામે ગધેડીને કહ્યું, “એટલા માટે કે તેં મારી ફજેતી કરી છે. જો મારી પાસે તલવાર હોત તો હું તને હમણાં જ મારી નાખત.” 30 ગધેડીએ કહ્યું, “શું હું તારી એ જ ગધેડી નથી કે જેના પર તેં જિંદગીભર સવારી કરી છે. આજ દિન સુધી મેં તને કદી આવું કર્યું છે?” બલામે જવાબ આપ્યો, “ના” 31 ત્યારે પ્રભુએ બલામની આંખો ઉઘાડી. તેણે પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને માર્ગમાં ઊભેલો જોયો. તરત જ બલામે ભૂમિ પર ઊંધા પડીને તેને પ્રણામ કર્યા. 32 પ્રભુના દૂતે તેને કહ્યું, “તેં ત્રણવાર તારી ગધેડીને કેમ મારી? તારી આ મુસાફરી મને પસંદ નથી. તેથી તને રોકવા હું આવ્યો છું. 33 ગધેડીએ ત્રણવાર મને જોયો અને એ ત્રણવાર બાજુએ ખસી ગઈ. જો તે ખસી ગઈ ન હોત તો મેં તને ક્યારનો ય મારી નાખ્યો હોત અને ગધેડીને બચાવી લીધી હોત.” 34 બલામે પ્રભુના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. મારો સામનો કરવા તમે મારા માર્ગમાં આડા ઊભા છો તેની મને ખબર ન હતી. મારું જવું તમને પસંદ પડતું ન હોય તો હું ઘેર પાછો જવા તૈયાર છું.” 35 પણ પ્રભુના દૂતે બલામને કહ્યું, “તું આ માણસોની સાથે જા. પણ હું તને જે કહું તે જ તારે તેમને કહેવું.” તેથી બલામ બાલાકના માણસો સાથે ગયો. 36 બલામ આવે છે તેની બાલાકને ખબર પડી. તેથી બાલાક તેને મળવા માટે મોઆબની સરહદના છેવાડે આર્નોન નદી પાસે આવેલા આર નગર સુધી ગયો. 37 બાલાકે બલામને કહ્યું, “મેં તમને બોલાવવાને માણસો મોકલ્યા ન હતા? તો તમે કેમ આવ્યા નહિ? તમને એવું લાગ્યું કે હું તમને યોગ્ય ભેટ નહિ આપી શકું?” 38 ત્યારે બલામે બાલાકને કહ્યું, “જો, હું આવ્યો તો છું! પણ હવે હું ધારું તે બોલવાને મને અધિકાર છે? ઈશ્વર મારા મુખમાં જે શબ્દો મૂકે તે જ હું બોલીશ.” પછી બલામ બાલાક સાથે કિર્યાથ- હુસોથમાં ગયો. 39-40 બાલાકે આખલા અને ઘેટાંઓનો વધ કર્યો અને તેમાંથી કેટલોક ભાગ બલામ અને તેની સાથેના આગેવાનોને મોકલી આપ્યો. બલામની પ્રથમ અગમવાણી 41 બીજે દિવસે સવારે બાલાક બલામને બઆલનાં ઉચ્ચ ભક્તિસ્થાનો પર લઈ ગયો, જ્યાંથી ઇઝરાયલી લોકોનો સૌથી છેવાડાનો ભાગ પણ દેખાતો હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide