ગણના 21 - પવિત્ર બાઇબલ C.L.કનાનીઓ ઉપર વિજય 1 અરાદનો રાજા કનાની હતો અને તે દક્ષિણના નેગેબ પ્રદેશમાં રહેતો હતો. તેને ખબર પડી કે ઇઝરાયલીઓ અથારીમના માર્ગે આવી રહ્યા છે. તેણે ઇઝરાયલીઓ પર આક્રમણ કર્યું અને તેઓમાંના કેટલાકને જીવતા કેદ પકડી લીધા. 2 ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુ સમક્ષ માનતા લીધી, “જો તમે આ લોકો પર અમને વિજય અપાવો તો અમે તમને તેમનું સમર્પણ કરીશું અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કરીશું.” 3 પ્રભુએ તેમની વિનંતી સાંભળી અને કનાનીઓને તેમના હાથમાં સોંપી દીધા. ઇઝરાયલીઓએ તેમનો અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કર્યો અને તે જગાનું નામ ‘હોર્મા’ (અર્થાત્ વિનાશ) પાડવામાં આવ્યું. તામ્ર સર્પ 4 ઇઝરાયલીઓ હોર પર્વતથી સૂફ સમુદ્રે જતા માર્ગે ચાલી નીકળ્યા કે જેથી તેઓ અદોમની સરહદની બહાર થઈને જઈ શકે. રસ્તો લાંબો હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ. 5 તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!” 6 ત્યારે પ્રભુએ તેઓ મધ્યે આગિયા સાપ મોકલ્યા. તેમના કરડવાને લીધે ઘણા ઇઝરાયલીઓ માર્યા ગયા. 7 એટલે લોકો મોશે પાસે આવ્યા અને કહ્યું, “પ્રભુની વિરૂધ અને તમારી વિરુધ બોલીને અમે પાપ કર્યું છે. તમે અમારે માટે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમને આ સાપોથી બચાવી લે,” તેથી મોશેએ લોકોને માટે પ્રાર્થના કરી. 8 તેથી પ્રભુએ મોશેને કહ્યું, “તું ધાતુનો એક સાપ બનાવ. તેને થાંભલા પર લટકાવ. જેને સાપે ડંખ દીધો હોય તે તેને જુએ એટલે તે સાજો થઈ જશે.” 9 તેથી મોશેએ તાંબાનો સાપ બનાવ્યો. તેને થાંભલા પર મૂકવામાં આવ્યો. જે વ્યક્તિને સાપ કરડે તે એ તામ્ર સર્પને જોઈને સાજી થઈ જતી. હોર પર્વતથી મોઆબના ખીણપ્રદેશ તરફ 10 ઇઝરાયલીઓ આગળ ચાલ્યા અને ઓબોથમાં પડાવ નાખ્યો, 11 ત્યાર પછી મોઆબની પૂર્વ તરફ આવેલા રણપ્રદેશમાં ઈર્યે-અબારીમ નામના સ્થળે તેમણે મુકામ કર્યો. 12 ત્યાર પછી તેમણે ઝેરેદના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો, 13 ત્યાંથી તેઓ આગળ ચાલ્યા અને આર્નોન નદીની ઉત્તર બાજુએ, અમોરીઓની સરહદ સુધી જતા રણપ્રદેશમાં પડાવ નાખ્યો. આર્નોન નદી મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ હતી. 14 આથી જ પ્રભુના યુધોના ગ્રંથમાં લખ્યું છે, “સૂફા વિસ્તારમાં વાહેબ નગર તથા આર્નોનનો ખીણપ્રદેશ 15 અને આરની વસાહત તરફ જતો અને મોઆબની સરહદને અડતો ખીણપ્રદેશનો ઢોળાવ.” 16 ત્યાંથી તેઓ બએર આવ્યા. આ કૂવા આગળ પ્રભુએ મોશેને કહ્યું હતું કે, “તું લોકોને એકત્ર કર અને હું તેમને પાણી આપીશ.” 17 તે વખતે ઇઝરાયલીઓએ આ ગીત ગાયું હતું: “હે કૂવાઓ, તમારાં પાણી ઊછળી આવો, અને અમે ગીત ગાઈને તેને વધાવી લઈશું. 18 આ કૂવો તો રાજકુમારોએ અને લોકોના આગેવાનોએ ખોદ્યો છે. એ તો રાજદંડ અને તેમની લાકડીઓથી ખોદવામાં આવ્યો છે.” 19 ત્યાર પછી રણપ્રદેશમાંથી તેઓ માત્તાના ગયા અને માત્તાનાથી નાહલિયેલ, અને નાહલિયેલથી બામોથ, 20 અને બામોથથી તેઓ મોઆબની હદમાં રણપ્રદેશની સામે પિસ્ગાહની તળેટીમાં આવેલા ખીણપ્રદેશમાં ગયા. સિહોન અને ઓગ પર વિજય ( પુન. 2:26—3:11 ) 21 ત્યાર પછી ઇઝરાયલીઓએ અમોરીઓના રાજા સિહોનને સંદેશકો મારફતે સંદેશો મોકલ્યો: 22 “અમને તમારા દેશમાં થઈને જવા દો. અમે ફંટાઈને તમારાં ખેતરો કે દ્રાક્ષવાડીઓમાં થઈને જઈશું નહિ અને તમારા કૂવાઓનું પાણી પણ પીશું નહિ. પણ અમે તો સરહદ ઓળંગીએ ત્યાં સુધી ધોરીમાર્ગે જ ચાલીશું.” 23 પણ રાજા સિહોને ઇઝરાયલીઓને પોતાના દેશમાં થઈને જવા દીધા નહિ; પણ પોતાનું લશ્કર એકત્ર કરીને ઇઝરાયલીઓનો સામનો કરવા તે વેરાનપ્રદેશમાં યાહાસ સુધી પહોંચી ગયો અને ઇઝરાયલ વિરૂધ લડાઈ કરી. 24 પણ ઇઝરાયલીઓએ દુશ્મનોની ક્તલ ચલાવી અને આર્નોન નદીથી ઉત્તરે યાબ્બોક નાળા સુધીનો એટલે આમ્મોનીઓની સરહદ સુધી આવેલો પ્રદેશ કબજે કરી લીધો. કારણ આમ્મોનીઓની સરહદ તો સુરક્ષિત હતીl. 25 ઇઝરાયલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે વસવાટ કર્યો. 26 હેશ્બોન તે અમોરીઓના રાજા સિહોનની રાજધાની હતી. સિહોને મોઆબીઓના અગાઉના રાજા સામે યુધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ કબજે કરી લીધો હતો. 27 એટલે તો રાજકવિઓએ ગાયું છે: હેશ્બોન નગરમાં પધારો, સિહોન રાજાનું એ નગર બાંધો; એનો ર્જીણોધાર કરો. 28 કારણ, હેશ્બોનમાંથી અગ્નિ અને સિહોનના નગરમાંથી ભડકો નીકળ્યો! તેણે મોઆબના આર નગરને અને આર્નોનના ઉચ્ચપ્રદેશને ભરખી નાખ્યા છે. 29 હે મોઆબના લોકો, તમારી કેવી પાયમાલી થઈ છે! હે કમોશના પૂજકો, તમારું સત્યાનાશ વળ્યું છે! તમારા દેવે તો તમારા યોધાઓને શરણાર્થી બનાવી દીધા છે, અને તમારી યુવતીઓને અમોરીઓના રાજા સિહોનના કબજામાં જવા દીધી. 30 પણ હવે હેશ્બોનથી દીબોન સુધી અને નાશીમથી મેદેબા નજીક નોફાહ સુધી તેમના વંશજોનો વિનાશ થયો. 31 આ રીતે ઇઝરાયલીઓએ અમોરીઓના પ્રદેશમાં વસવાટ કર્યો. 32 ત્યાર પછી મોશેએ યાઝેર નગર પર કેવી રીતે આક્રમણ કરવું તેની તપાસ કરવા જાસૂસો મોકલ્યા. ઇઝરાયલીઓએ આસપાસનાં ગામો સહિત તે નગરનો કબજો લીધો અને ત્યાં વસતા અમોરીઓને હાંકી કાઢયા. 33 ત્યાર પછી ઇઝરાયલીઓ ત્યાંથી ફંટાઈને બાશાનને માર્ગે આગળ વયા. ત્યારે બાશાનનો રાજા ઓગ પોતે પોતાનું લશ્કર લઈને તેમનો સામનો કરવા એડ્રેઈ આગળ ધસી આવ્યો. 34 પણ પ્રભુએ મોશેને કહ્યું, “તેનાથી બીશ નહિ. કારણ, મેં તેને, તેના બધા લોકોને અને તેના દેશને તમારા હાથમાં સોંપી દીધા છે. તું હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સિહોનના જેવી તેમની દશા પણ કર.” 35 તેથી ઇઝરાયલીઓએ ઓગને, તેના પુત્રોને અને તેના બધા લોકોને મારી નાખ્યા. એટલે સુધી કે તેઓમાંનું કોઈ બચવા પામ્યું નહિ. ત્યાર પછી ઇઝરાયલીઓએ તેમનો દેશ કબજે કરી લીધો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide