ગણના 20 - પવિત્ર બાઇબલ C.L.ખડકમાંથી પાણી ( નિર્ગ. 17:1-7 ) 1 પહેલા મહિનામાં ઇઝરાયલી- ઓનો સમસ્ત સમાજ સીનના રણપ્રદેશમાં આવ્યો. તેમણે કાદેશમાં પડાવ નાખ્યો. ત્યાં મિર્યામનું અવસાન થયું અને ત્યાં તેને દફનાવવામાં આવી. 2 તેમણે પડાવ નાખ્યો ત્યાં પાણી નહોતું. તેથી ઇઝરાયલીઓએ મોશે અને આરોન વિરુધ તકરાર કરી: 3 “પ્રભુની સમક્ષ અમારા જાતભાઈઓ મરી ગયા ત્યારે અમે પણ તેમની સાથે મરી ગયા હોત તો કેવું સારું! 4 તમે શા માટે પ્રભુના સમુદાયને આ રણપ્રદેશમાં લાવ્યા છો? અમે અને અમારાં ઢોરઢાંક અહીં મરી જઈએ તે માટે? 5 તમે શા માટે અમને ઇજિપ્તમાંથી કાઢીને જ્યાં કંઈ જ ઊગતું નથી એવી નકામી જગ્યામાં લાવ્યા છો? આ જગામાં કંઈ અનાજ, અંજીર, દ્રાક્ષ કે દાડમ નથી. અરે, પીવાને પાણી પણ નથી!” 6 મોશે અને આરોન લોકોની સભા પાસેથી નીકળીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ગયા અને ત્યાં ભૂમિ પર ઊંધા પડયા અને તેમને પ્રભુના ગૌરવનાં દર્શન થયાં. 7-8 પ્રભુએ મોશેને કહ્યું, “તું કરારપેટી સામેની લાકડી લે અને તું અને આરોન સમગ્ર સમાજને એકત્ર કરો. તે બધાના દેખતાં આ ખડકને પાણી આપવાનું કહો. એ રીતે તું તેમને માટે ખડકમાંથી પાણી કાઢ અને સમગ્ર સમાજ અને ઢોરઢાંકને પીવા માટે આપ.” 9 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશે ગયો અને લાકડી લીધી. 10 તેણે અને આરોને સમગ્ર સમાજને ખડકની સામે એકત્ર કર્યો અને મોશેએ કહ્યું, “હે વિદ્રોહીઓ સાંભળો! શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?” 11 ત્યાર પછી મોશેએ હાથ ઉગામીને ખડક પર બે વાર લાકડી ફટકારી. એટલે ખડકમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને બધા લોકોએ તથા ઢોરોએ તે પીધું. 12 પણ પ્રભુએ મોશે અને આરોનને ઠપકો આપ્યો, “તમે મારા પર વિશ્વાસ કર્યો નથી અને ઇઝરાયલી લોકો સમક્ષ મારી પવિત્રતાનું સન્માન કર્યું નહિ. તેથી આ લોકોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેમાં તમે તેમને લઈ જઈ શકશો નહિ.” 13 આ બધું તો મરીબા (એટલે તકરાર) મુકામે બન્યું. આ સ્થળે ઇઝરાયલીઓએ પ્રભુ વિરુધ તકરાર કરી અને પોતે પવિત્ર છે તે પ્રભુએ તેમને બતાવી આપ્યું. ઇઝરાયલીઓને પોતાના પ્રદેશમાંથી પસાર થવા દેવા અદોમના રાજાની મનાઈ 14 મોશેએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશકો મોકલ્યા. તેમણે કહ્યું, “આ સંદેશો તમારા ભાઈ ઇઝરાયલ તરફથી છે. અમે કેવી મુસીબતોમાંથી પસાર થયા છીએ તે તમે જાણો છો. 15 કેવી રીતે અમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા અને ત્યાં લાંબો સમય રહ્યા તે તમે જાણો છો. ઇજિપ્તના લોકોએ અમારા પૂર્વજોને અને અમને પુષ્કળ દુ:ખ દીધું. 16 તેથી અમે મદદને માટે પ્રભુને પોકાર કર્યો. તેમણે અમારી વિનંતી સાંભળી અને પોતાના દૂતને મોકલીને અમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. અત્યારે અમે તમારા દેશની સરહદે આવેલા કાદેશમાં છીએ. 17 અમને તમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી આપો. અમે અને અમારાં ઢોર ધોરીમાર્ગ પર ચાલીશું. અમે ખેતરમાં કે દ્રાક્ષવાડીઓમાં થઈને જઈશું નહિ અને તમારા કૂવાનું પાણી પીશું નહિ. તમારી સરહદમાંથી પસાર થઈ જઈએ ત્યાં સુધી અમે ધોરીમાર્ગ પર જ રહીશું. અમે આજુબાજુ ક્યાંય ફંટાઈશું નહિ. 18 પણ અદોમીઓએ જવાબ આપ્યો, “અમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી અમે આપતા નથી. જો તમે પ્રયત્ન કરશો તો અમે તમારી પર સશસ્ત્ર આક્રમણ કરીશું.” 19 ઇઝરાયલીઓએ કહ્યું, “અમે ધોરીમાર્ગે જ ચાલ્યા જઈશું. જો અમે કે અમારાં ઢોર તમારું પાણી પીઈએ તો અમે તમને તેના પૈસા આપી દઈશું. અમે તો ફક્ત તમારા દેશમાં થઈને પસાર થવાની પરવાનગી માગીએ છીએ.” 20 અદોમીઓએ પસાર થવાની પરવાનગી આપી નહિ; ઊલટું, તેમણે મોટું શક્તિશાળી સૈન્ય લઈને ઇઝરાયલીઓનો સામનો કર્યો. 21 અદોમીઓએ ઇઝરાયલીઓને તેમની સરહદમાં થઈને પસાર થવાની પરવાનગી આપી નહિ તેથી તેઓ બીજે માર્ગે ગયા. આરોનનું અવસાન 22 ઇઝરાયલનો સમસ્ત સમાજ કાદેશથી નીકળીને અદોમની સરહદ પર આવેલ હોર પર્વત પાસે આવ્યો. 23 ત્યાં પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, 24 “આરોન હવે મૃત્યુ પામીને પોતાના પૂર્વજો સાથે ભળી જશે. મેં ઇઝરાયલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં તે પ્રવેશી શકશે નહિ. કારણ, તમે મરીબાના ઝરણા પાસે મારી આજ્ઞાની વિરુધ વિદ્રોહ કર્યો હતો. 25 આરોન અને તેના પુત્ર એલાઝારને લઈને તું હોર પર્વત પર જા. 26 ત્યાં આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લઈને તે તેના પુત્ર એલાઝારને પહેરાવજે. આરોન ત્યાં મૃત્યુ પામશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.” 27 મોશેએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું. સમગ્ર સમાજના દેખતાં તેઓ હોર પર્વત પર ગયા. 28 મોશેએ આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લીધાં અને તે તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. ત્યાં પર્વતના શિખર ઉપર આરોન મૃત્યુ પામ્યો, અને મોશે તથા એલાઝાર પર્વત પરથી પાછા આવ્યા. 29 સમગ્ર સમાજમાં ખબર પડી કે આરોનનું અવસાન થયું છે. તેથી બધા ઇઝરાયલીઓએ તેને માટે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide