Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 19 - પવિત્ર બાઇબલ C.L.


શુદ્ધિકરણનું પાણી

1 પ્રભુએ મોશે અને આરોનને કહ્યું,

2 “આ પ્રભુએ ફરમાવેલો નિયમ છે: તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે કે કોઈપણ ખોડ વગરની અને કદી જોતરાઈ ન હોય એવી એક લાલ વાછરડી તેઓ તારી પાસે લાવે.

3 તમે તે વાછરડી યજ્ઞકાર એલાઝારને આપો. તે તેને પડાવ બહાર લઈ જાય અને તેની હાજરીમાં તેને વધેરવામાં આવે.

4 ત્યાર પછી યજ્ઞકાર એલાઝાર તેના રક્તમાંથી થોડું આંગળી ઉપર લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વારની દિશામાં સાત વાર છાંટે.

5 પછી વાછરડીનાં ચામડાં, માંસ, લોહી અને આંતરડા સાથે તેનું યજ્ઞકારની હાજરીમાં દહન કરવામાં આવે.

6 પછી યજ્ઞકારે ગંધતરુનું લાકડું, ઝુફો અને કિરમજી રંગની દોરડી લઈ વાછરડીના દહનના અગ્નિમાં નાખવું.

7 ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

8 જે માણસ વાછરડીનું દહન કરે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

9 હવે એક શુદ્ધ માણસે તે વાછરડીની રાખ એકઠી કરવી અને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ રાખી મૂકવી. ઇઝરાયલીઓની અશુદ્ધતા દૂર કરવા માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા તેનો ઉપયોગ કરવામાં આવે. એ તો શુદ્ધિકરણ માટે પાપનિવારણનો બલિ છે.

10 જે માણસ વાછરડીની રાખ એકઠી કરે તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ઇઝરાયલીઓ માટે અને તેમની મધ્યે વસતા પરદેશી માટે આ કાયમનો વિધિ છે.


મૃતદેહના સ્પર્શમાંથી શુદ્ધિકરણ

11 “જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

12 તેણે ત્રીજે અને સાતમે દિવસે શુદ્ધિકરણના પાણીથી પોતાનું શુદ્ધિકરણ કરવું. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે. પણ જો તે ત્રીજા અને સાતમા બંને દિવસે પોતાને શુદ્ધ ન કરે તો તે શુદ્ધ થશે નહિ.

13 જો કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે અને પોતાને શુદ્ધ ન કરે તો તે અશુદ્ધ રહે છે. કારણ, તેના પર શુદ્ધિકરણનું પાણી રેડવામાં આવ્યું નથી. તે પ્રભુના મંડપને અશુદ્ધ કરે છે. એવા માણસનો બહિષ્કાર કરવો.

14 “જો કોઈ માણસ તંબૂમાં મરી જાય તો તે માટે આ નિયમ છે: જો કોઈ તે સમયે તંબૂમાં હોય તથા તે પછી જે કોઈ તે તંબૂમાં જાય તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

15 તંબૂમાંનું ઢાંકણા વગરનું દરેક ઉઘાડું પાત્ર અશુદ્ધ ગણાય.

16 જો કોઈ તંબૂની બહાર, તલવારથી અથવા કુદરતી રીતે મરી ગયેલા મૃતદેહનો સ્પર્શ કરે અથવા માણસના હાડકાંને કે કબરને અડકે તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

17 “આવા અશુદ્ધ થયેલા માટે પ્રાયશ્ર્વિતબલિની એટલે દહન કરેલી લાલ વાછરડીની રાખ લઈ એક વાસણમાં મૂકવી અને તેમાં તાજું પાણી રેડવું.

18 પછી કોઈ શુદ્ધ વ્યક્તિએ ઝુફો લઈને પાણીમાં બોળી તંબૂ ઉપર, તેમાંનાં બધાં વાસણો ઉપર તથા તેમાંનાં બધાં માણસો ઉપર તે છાંટવું. અથવા જેણે માણસના હાડકાંનો, શબનો કે કબરનો સ્પર્શ કર્યો હોય તેના ઉપર તે છાંટવું.

19 જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે.

20 “કોઈ અશુદ્ધ થયેલો માણસ પોતાનું શુદ્ધિકરણ કરાવે નહિ તો તેનો તમારે સમાજમાંથી બહિષ્કાર કરવો. કારણ, તેણે પ્રભુના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે અને તેના ઉપર શુદ્ધિકરણનું પાણી છાંટવામાં આવ્યું નથી.

21 તમારે માટે આ કાયમનો વિધિ છે. જે માણસ શુદ્ધિકરણનું પાણી છાંટે તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને જે કોઈ એ પાણીને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

22 અશુદ્ધ માણસ જે કોઈ વસ્તુને અડકે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ આવી વસ્તુને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan