Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 18 - પવિત્ર બાઇબલ C.L.


યજ્ઞકારો અને લેવીઓની ફરજો

1 પ્રભુએ આરોનને કહ્યું, “પવિત્રસ્થાનની સેવા કરતાં થયેલા ગુન્હાની જવાબદારી તારે, તારા પુત્રાને અને લેવીઓને શિરે રહેશે પરંતુ યજ્ઞકાર પદને લગતી સેવા બજાવતાં થયેલા ગુનાહાની જવાબદારી કેવળ તારી અને તારા પુત્રોની રહેશે.

2 લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય.

3 તેમણે તારી સાથે રહીને તારી અને મંડપને લગતી સેવા કરવાની છે. પરંતુ તેમણે પવિત્રસ્થાનનાં પાત્રો કે યજ્ઞવેદીની નજીક જવાનું નથી; જેથી તેઓ તથા તમે યજ્ઞકારો માર્યા ન જાઓ.

4 તેઓ તારી સાથે સેવામાં જોડાય અને મંડપને લગતી તેમની બધી ફરજો બજાવે. લેવીવંશ સિવાયનો કોઈ અન્ય એ સેવા કરવા આવે નહિ.

5 તમારે પવિત્રસ્થાનની અને વેદીની સેવા સંભાળવાની છે. જેથી ઇઝરાયલીઓ પર ફરી કોપ આવે નહિ.

6 મેં જાતે બધા ઇઝરાયલીઓમાંથી તારા કુળભાઈઓ લેવીઓને પસંદ કર્યા છે. તેઓ મને અર્પિત થયેલા છે. તેથી મેં તેમને મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે તમને ભેટમાં આપ્યા છે.

7 પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


યજ્ઞકારોનો હિસ્સો

8 પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલીઓ જે વિશિષ્ટ હિસ્સાનાં અર્પણ મને ચડાવે છે તેની સમર્પિત વસ્તુઓ મેં તારે હસ્તક મૂકી છે. હું તને અને તારા વંશજોને કાયમને માટે એ હિસ્સો આપું છું.

9 પરમપવિત્ર વસ્તુઓમાંથી અગ્નિમાં દહનીય નથી એવું આટલું તારું ગણાશે: તેઓ મને પવિત્ર અર્પણ તરીકે ચડાવે છે તે બધાં ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણબલિ તે તારા અને તારા વંશજોને માટે પરમપવિત્ર ગણાય.

10 એ બધું તમારે પવિત્રસ્થાનમાં જ ખાવું. ફક્ત પુરુષોએ જ એ ખાવું. તમારે માટે એ પરમપવિત્ર ગણાય.

11 “એ ઉપરાંત ઇઝરાયલીઓ તેમનાં બધાં અર્પણોમાંથી વિશિષ્ટ હિસ્સાના અર્પણનો અને આરતીઅર્પણનો જે હિસ્સો તેઓ મને ચડાવે તે પણ તારો જ ગણાશે. એ બધું હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને કાયમના હક્ક તરીકે આપું છું. તારા કુટુંબમાં જે શુધ હોય તે ખાય.

12 “દર વર્ષે ઇઝરાયલીઓ પોતાની પેદાશનો જે ઉત્તમ ભાગ એટલે ઓલિવ તેલ, દ્રાક્ષાસવ અને અનાજ પ્રથમફળ તરીકે મને ચડાવે છે તે બધું હું તને આપું છું.

13 લોકો પોતાની જમીનની પેદાશના પ્રથમ પાકેલા ફળ તરીકે જે કંઈ પ્રભુને ચડાવે તે બધું તારું થશે. તારા કુટુંબના જે કોઈ શુધ હોય તે તે ખાય.

14 ઇઝરાયલમાં સમર્પિત કરવામાં આવેલી દરેક વસ્તુ તારી થશે.

15 “ઇઝરાયલીઓ પોતાના પ્રથમ- જનિત પ્રાણી અને નર બાળકો મને અર્પણ કરે તે બધાં તારાં થશે. પરંતુ અશુધ પ્રાણીના પ્રથમ બચ્ચાંને અને માણસના પ્રથમજનિત નર બાળકને, તે જેમનાં હોય તેમની પાસેથી તમારે મુક્તિમૂલ્ય લઈ મુક્ત કરવાં.

16 નર બાળકો એક મહિનાના થાય ત્યારે પવિત્રસ્થાનના તોલમાપ પ્રમાણે તેમનું મુક્તિમૂલ્ય 55 ગ્રામ ચાંદી લઈ તેમને મુક્ત કરવા.

17 પરંતુ ગાય, ઘેટી કે બકરીના પ્રથમજનિતને તું પૈસા આપીને મુક્ત ન કર. તેઓ તો મારાં છે અને મને અર્પણ થયેલાં છે. તેમનું લોહી તારે વેદી પર છાંટવું અને તેમની ચરબી અગ્નિબલિ તરીકે મને ચડાવવી. તેની સુવાસથી હું પ્રસન્‍ન થાઉં છું.

18 પરંતુ તેમનું માંસ આરતીબલિની છાતીના ભાગની જેમ અને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિના જમણા બાવડાની જેમ તારું ગણાશે.

19 “ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.”

20 પ્રભુએ આરોનને કહ્યું, “ઇઝરાયલની જમીનમાંથી તને કંઈ વારસો અથવા ઇઝરાયલીઓ મધ્યે કંઈ હિસ્સો મળશે નહિ. ઇઝરાયલીઓ મધ્યે હું પ્રભુ જ તારો હિસ્સો અને વારસો છું.”


લેવીઓનો હિસ્સો

21 પ્રભુએ આરોનને કહ્યું, “લેવીઓ મુલાકાતમંડપમાં મારી સેવા કરે છે તેના બદલામાં ઇઝરાયલના સર્વ દશાંશ હું તેમના હિસ્સા તરીકે ઠરાવું છું.

22 હવેથી બીજા ઇઝરાયલીઓ મુલાકાતમંડપની નજીક જાય નહિ; નહિ તો તેઓ દોષિત ગણાશે અને માર્યા જશે.

23 ફક્ત લેવીઓએ જ મુલાકાતમંડપની સેવા કરવી. તે અંગે જે કોઈ ગુનો થાય તેની બધી જવાબદારી તેમને શિર છે. આ કાયમી વિધિ છે. તારા વંશજોને પણ તે લાગુ પડે છે. લેવીઓને ઇઝરાયલમાં વતનનો કોઈ હિસ્સો મળશે નહિ.

24 કારણ, ઇઝરાયલીઓ મને જે દશાંશ ખાસ અર્પણ તરીકે ચડાવે તે હું લેવીઓને વારસા તરીકે આપું છું. તેથી જ મેં તેમને કહ્યું છે કે ઇઝરાયલમાં બીજાની માફક તમને વારસો મળશે નહિ.”


લેવીઓનું દશાંશ

25-26 પ્રભુએ મોશેને કહ્યું, “લેવીઓને આ પ્રમાણે કહે: જ્યારે તમારા વારસા તરીકે મેં ઠરાવી આપેલ દસમો ભાગ ઇઝરાયલીઓ પાસેથી તમને મળે ત્યારે તમારે તેમાંથી તે દશાંશનો દસમો ભાગ મને વિશિષ્ટ હિસ્સાના ઉચ્છાલિતબલિ તરીકે અર્પણ કરવો.

27 તમારું એ વિશિષ્ટ હિસ્સાનું ઉચ્છાલિત અર્પણ ખળામાંથી અર્પાયેલ ધાન્ય અને દ્રાક્ષકુંડની વિપુલ ઊપજમાંના અર્પણ સમાન ગણાશે.

28 આ રીતે ઇઝરાયલીઓ તરફથી તમને મળેલા દશાંશમાંથી તમારે પ્રભુની સંમુખ ઉચ્છાલિત અર્પણ લાવવું. તેથી તમે પણ દસમો ભાગ આપ્યો ગણાશે. તમારે પ્રભુનો આ ભાગ ઉચ્છાલિત અર્પણ તરીકે યજ્ઞકાર આરોનને આપવો.

29 તમને મળેલા બધા દસમા ભાગમાંથી ઉત્તમોત્તમ દસમો ભાગ અલગ કરીને પ્રભુને આપવો.

30 તેથી તું તેમને કહે કે જ્યારે તમે ઉત્તમોત્તમ ભાગ અલગ કરીને અર્પણ કરો તે પછીનો બાકીનો ભાગ તમારે માટે જમીન અને દ્રાક્ષકુંડની પેદાશની જેમ ગણાશે.

31 તમે અને તમારાં કુટુંબો ગમે ત્યાં બેસીને તે ખાઈ શકશો. મુલાકાતમંડપમાંની તમારી સેવાનું એ વેતન છે.

32 દશાંશમાંથી પ્રભુને ઉત્તમોત્તમ ભાગ અર્પવામાં આવે તે પછી બાકીનો ભાગ ખાવાથી તમે દોષિત ઠરશો નહિ. પ્રભુને ઉત્તમ ભાગ આપ્યા પહેલાં તેમાંથી ખાઈને ઇઝરાયલીઓના પવિત્ર અર્પણને અશુધ ન કરો; નહિ તો, તમે માર્યા જશો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan