Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 16 - પવિત્ર બાઇબલ C.L.


કોરા, દાથાન અને અબિરામનો બળવો

1 લેવીકુળના કહાથના ગોત્રના યિસ્હારના પુત્ર કોરાએ તથા રૂબેનના કુળના

2 એલિયાબના પુત્રો દાથાને અને અબિરામે અને પેલેથના પુત્ર ઓને ઉધતાઈથી મોશે અને આરોન વિરુધ વિદ્રોહ કર્યો. તેમની સાથે અઢીસો ઇઝરાયલીઓ પણ જોડાયા. આ બધા સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત માણસો હતા.

3 તેઓ જૂથબંધી કરીને મોશે અને આરોન સામે પડયા અને તેમને કહ્યું, “તમે તો આપખુદીની હદ વટાવી છે! આખા સમાજના બધા સભ્યો પ્રભુને સમર્પિત થયેલા છે અને પ્રભુ તેમની મધ્યે છે. તેમ છતાં તમે પ્રભુના સમાજ કરતાં પોતાને ઊંચા કેમ ગણાવો છો?”

4 આ સાંભળતાં જ મોશેએ ભૂમિ પર શિર ટેકવીને પ્રાર્થના કરી.

5 ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.

6-7 કોરા, તારે અને તારા જૂથે આ પ્રમાણે કરવું: આવતી કાલે સવારે તમારે ધૂપદાની લઈ તેમાં અગ્નિ તથા ધૂપ મૂકવો અને પ્રભુ સમક્ષ હાજર થવું. પ્રભુ જેને પસંદ કરે તે જ સેવાર્થે સમર્પિત જાહેર થાય. આપખુદીની હદ તો તમે લેવીપુત્રોએ વટાવી છે.”

8 મોશેએ કોરાને વધુમાં કહ્યું, “હે લેવીપુત્રો, મારી વાત સાંભળો:

9 એ વાત નાનીસૂની છે કે ઇઝરાયલના ઈશ્વરે તેમની સમીપ જઈને મુલાકાતમંડપમાં તેમની સેવા કરવા અને સમાજ વતી ધાર્મિક વિધિઓ કરવા માટે ઇઝરાયલના સમાજમાંથી તમને અલગ કર્યા છે,

10 અને તમને તથા તમારા બીજા લેવીબધુંઓને તેમની સેવા કરવાનો અધિકાર આપ્યો છે? હવે તમે યજ્ઞકારપદ પણ પામવાનો પ્રયત્ન કરો છો?

11 એ જ કારણસર તેં અને તારા જૂથે પ્રભુની વિરુધ વિદ્રોહ કર્યો છે! આરોન કોણ કે તમે તેની વિરુધ કચકચ કરો છો?”

12 ત્યાર પછી મોશેએ એલિયાબના પુત્રો દાથાન અને અબિરામને બોલાવ્યા પણ તેમણે કહેવડાવ્યું કે, “અમે આવવાના નથી.

13 તું અમને દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાંથી આ રણપ્રદેશમાં મરવા માટે લઈ આવ્યો છે એટલું બસ નથી કે તું પાછો અમારા પર સત્તા ચલાવવા માગે છે?

14 તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.”

15 મોશે ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે પ્રભુને કહ્યું, “તમે તેમનું અર્પણ સ્વીકારશો નહિ. મેં તેમની પાસેથી એક ગધેડું ય લીધું નથી કે તેમનું કંઈ નુક્સાન કર્યું નથી.”

16 મોશેએ કોરાને કહ્યું, “આવતી કાલે તું અને તારું અઢીસો માણસનું જૂથ પ્રભુ સમક્ષ હાજર થજો. આરોન પણ ત્યાં આવશે.

17 તમારામાંના દરેકે પોતાની ધૂપદાની લાવવી, તેમાં ધૂપ નાખવો. પોતાની ધૂપદાની એટલે અઢીસો ધૂપદાની પ્રભુ સંમુખ લાવવી. તું તથા આરોન પણ પોતપોતાની ધૂપદાની લાવો.”

18 તેથી દરેકે પોતપોતાની ધૂપદાની લીધી, તેમાં અગ્નિ મૂકી ધૂપ નાખ્યો અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મોશે અને આરોન સાથે ઊભા રહ્યા.

19 ત્યાર પછી કોરાએ સમગ્ર સમાજને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેમની વિરુધ ભેગો કર્યો અને એકાએક પ્રભુનું ગૌરવ સમગ્ર સમાજ સમક્ષ પ્રગટ થયું.

20-21 પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, “તમે આ સમાજ પાસેથી અલગ થાઓ કે એક ક્ષણમાં જ હું તેમનો સંહાર કરું.”

22 પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”

23-24 પ્રભુએ મોશેને કહ્યું, “લોકોને કોરા, દાથાન અને અબિરામના તંબૂ આગળથી ખસી જવાનું કહે.”

25 ત્યાર પછી મોશે ઇઝરાયલના આગેવાનો સાથે દાથાન અને અબિરામની પાસે ગયો.

26 તેણે સમગ્ર સમાજને કહ્યું, “આ દુષ્ટ માણસોના તંબૂઓ પાસેથી દૂર ખસી જાઓ. તેમની કોઈ ચીજવસ્તુને અડકશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપને લીધે તમારો પણ વિનાશ થઈ જશે.”

27 આથી લોકો કોરા, દાથાન અને અબિરામના તંબૂઓ આગળથી દૂર ખસી ગયા. દાથાન અને અબિરામ પોતાના તંબૂમાંથી બહાર આવીને પત્નીઓ અને નાના મોટાં સંતાન સાથે તંબૂના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા હતા.

28 મોશેએ લોકોને કહ્યું, “હવે તમને ખબર પડશે કે આ બધું કરવા પ્રભુએ મને મોકલ્યો છે અને આ બધું મેં મારી પોતાની મેળે કર્યું નથી.

29 જો આ લોકો શિક્ષા પામ્યા વગર બધા માણસોની જેમ કુદરતી મોતે મરે તો પ્રભુએ મને મોકલ્યો નથી એમ માનવું.

30 પરંતુ જો પ્રભુના આશ્ર્વર્યમય કાર્યથી ધરતી ફાટે અને આ લોકોને તેમની માલમત્તા સાથે ગળી જાય અને તેઓ મૃત્યુલોક શેઓલમાં જીવતાંજીવ ગરક થઈ જાય તો તમારે માનવું કે તેમણે પ્રભુનો તિરસ્કાર કર્યો છે.”

31 મોશે હજી તો બોલી રહ્યો હતો એટલામાં જ દાથાન અને અબિરામના પગ નીચે ધરતી ફાટી

32 અને તેમને અને તેમના કુટુંબોને અને કોરાના બધા સાથીદારોને તેમની માલમતા સહિત ગળી ગઈ.

33 તેથી તેઓ પોતાના સર્વસ્વ સાથે મૃત્યુલોક શેઓલમાં જીવતાંને જીવતાં ગરક થઈ ગયાં. ધરતી પાછી સંધાઈ ગઈ અને એ લોકોનો સમાજમાંથી ઉચ્છેદ થઈ ગયો.

34 તેમની ચીસ સાંભળીને આસપાસના બધા ઇઝરાયલીઓ નાસતાં નાસતાં બોલતા હતાં, “નાસો, નહિ તો ધરતી આપણને પણ ગળી જશે.”

35 ત્યાર પછી પ્રભુએ મોકલેલા અગ્નિએ આવીને ધૂપ ચડાવવા ઊભેલા અઢીસો માણસોને ભસ્મ કરી નાખ્યા.


ધૂપદાનીઓ

36-37 પછી પ્રભુએ મોશેને કહ્યું, “યજ્ઞકાર આરોનના પુત્ર એલાઝારને કહે કે બળી ગયેલા અવશેષોમાંથી ધૂપદાનીઓ લઈ લે અને તેમાંના અંગારા આમતેમ વિખેરી નાખ. કારણ, ધૂપદાનીઓ પવિત્ર છે.

38 પ્રભુની વેદી સમક્ષ રજૂ કરવામાં આવી હોવાથી તે પવિત્ર બની છે. પાપને લીધે મોત વહોરી લેનારાઓની ધૂપદાનીઓમાંથી તારે ટીપીને પતરાં બનાવડાવાં અને વેદી ઢાંકવા માટે તેમનો ઉપયોગ કરવો. એ પતરાં ઇઝરાયલીઓને ચેતવણીના ચિહ્નરૂપ બની રહેશે.

39 તેથી યજ્ઞકાર એલાઝારે ધૂપ ચડાવતી વખતે અગ્નિમાં બાળી નંખાયેલા લોકોની તામ્ર ધૂપદાનીઓ લીધી અને તેમને ટીપીને યજ્ઞવેદીને ઢાંકવા માટે પાતળાં પતરાં બનાવડાવ્યાં.

40 એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.

41 બીજે દિવસે સમગ્ર ઇઝરાયલી સમાજે મોશે અને આરોન વિરુધ કચકચ કરીને કહ્યું, “તમે પ્રભુના કેટલાક લોકોને મારી નાખ્યા છે.”

42 તેઓ મોશે અને આરોન વિરુધ ભેગા થયા હતા તે જ સમયે તેમણે મુલાકાતમંડપ તરફ નજર કરી તો વાદળે તેના પર છાયા કરી અને પ્રભુનું ગૌરવ પ્રગટ થયું.

43 મોશે અને આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહ્યા અને પ્રભુએ મોશેને કહ્યું,

44-45 “આ લોકોથી દૂર ખસી જાઓ કે એકપળમાં હું તેમનો સંહાર કરું.” તેઓ બન્‍નેએ ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.

46 મોશેએ આરોનને કહ્યું, “ાૂપદાની લઈને યજ્ઞવેદીમાંથી અગ્નિ મૂક અને તેના પર ધૂપ નાખ. તે લઈને દોડ ને લોકોને માટે પ્રાયશ્ર્વિત કર. કારણ, પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે.”

47 મોશેની આજ્ઞા પ્રમાણે આરોને ધૂપદાની લીધી અને એકત્ર થયેલા લોકો વચ્ચે દોડી ગયો. તેણે જોયું તો રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી લોકો માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કર્યો

48 અને તે જીવતાં અને મરેલાંઓની વચ્ચે ઊભો રહ્યો. આમ, રોગચાળો અટકી ગયો.

49 રોગચાળાથી માર્યા ગયેલાંની કુલ સંખ્યા 14,700ની થઈ; કોરાના બળવામાં માર્યા ગયેલાઓ તો જુદા.

50 રોગચાળો બંધ પડયો એટલે આરોન મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મોશે પાસે પાછો આવ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan