ગણના 15 - પવિત્ર બાઇબલ C.L.ધાન્યઅર્પણ અને પેયાર્પણ અંગેના નિયમો 1 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: 2 જે ભૂમિ હું વતનને માટે તમને આપીશ ત્યાં તમે જાઓ ત્યારે તમારે નીચેના નિયમો પાળવાના છે: 3 જ્યારે કોઈ વ્યક્તિ માનતા પૂરી કરવા માટે, સ્વૈચ્છિક અર્પણ માટે અથવા ઠરાવેલા પર્વોની ઉજવણી માટે સુવાસથી પ્રભુને પ્રસન્ન કરવા માટે ઢોરઢાંક કે ઘેટાંબકરાંનો અગ્નિબલિ, દહનબલિ કે બલિ ચઢાવે, 4 ત્યારે પોતાનું જે બલિદાન તે પ્રભુ સમક્ષ લાવે તેની સાથે તેણે એક લિટર તેલથી મોહેલો એક કિલોગ્રામ લોટ ધાન્યઅર્પણ માટે તૈયાર કરવો. 5 અને દહનબલિ કે બલિ માટેના દરેક ઘેટાની સાથે એક લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. 6-7 જો ઘેટાનું અર્પણ હોય તો દોઢ કિલોગ્રામ તેલથી મોહેલો બે કિલો લોટ ધાન્યઅર્પણ માટે તૈયાર કરવો અને દોઢ લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. 8-9 જો વાછરડાનો દહનબલિ હોય અથવા બલિદાન પ્રભુ પ્રત્યેની માનતા પૂરી કરવા માટેનો બલિ હોય અથવા સંગતબલિ હોય તો ધાન્યઅર્પણ માટે બે કિલોગ્રામ તેલથી મોહેલો ત્રણ કિલોગ્રામ લોટ લાવવો અને બે લિટર દ્રાક્ષાસવ પેયાર્પણ માટે તૈયાર કરવો. 10 આ અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. 11 વાછરડા, ઘેટા, હલવાન કે બકરાના પ્રત્યેક અર્પણ વખતે આ પ્રમાણે અર્પણ કરવાનું છે. 12 તમારે જેટલાં પ્રાણીનું અર્પણ ચડાવવાનું હોય તેટલાં પ્રાણીની સંખ્યા પ્રમાણે તે સાથેના ધાન્યઅર્પણ કે પેયાર્પણમાં પ્રમાણસર વધારો કરવો પડશે. 13 પ્રત્યેક ઇઝરાયલી વતની અગ્નિબલિ ચડાવે તો તેણે આ નિયમો પ્રમાણે એ અર્પણ ચડાવવાનું છે. અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. 14 વળી, તમારી મધ્યે થોડા સમય માટે કે કાયમ માટે કોઈ પરદેશી વસતો હોય તો તેણે પણ અગ્નિબલિ અર્પવા આ જ નિયમો પાળવાના છે. અર્પણની સુવાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. 15 તમે જેઓ ઇઝરાયલી સમાજના છો તેમને માટે અને તમારી મધ્યે વસતા પરદેશીને માટે હરહમેંશ આ જ નિયમો બંધનર્ક્તા છે; પ્રભુની દૃષ્ટિમાં તમે અને પરદેશી બંને સરખા જ છો. 16 તમને અને તમારી મધ્યે વસતા પરદેશીને એક જ સરખા નિયમો અને વિધિઓ લાગુ પડે છે.” પ્રથમફળનું અર્પણ 17 પ્રભુએ મોશેને કહ્યું, 18 “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: હું તમને જે દેશ આપવાનો છું તેમાં તમારે આ નિયમો પાળવાના છે: 19 જ્યારે તમે એ દેશમાં ઉપજેલું ધાન્ય ખાઓ ત્યારે તેમાંથી તમારે અમુક ભાગ પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવો. 20 નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવી. જેમ તમે ખળાના ધાન્યમાંથી અમુક ભાગ વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરો છો તેમ જ આ રોટલી અલગ કરવાની છે. 21 તમારે નવા અનાજના પ્રથમ કણકમાંથી બનાવેલી રોટલી પ્રભુને માટે વિશિષ્ટ હિસ્સાના અર્પણ તરીકે અલગ કરવાની છે. આ નિયમ હંમેશને માટે લાગુ પડે છે.” અજાણે થયેલ ગુનાઓ 22 હવે પ્રભુએ મોશેની મારફતે આપેલા આ નિયમોનો જો કોઈ વ્યક્તિ અજાણતાં ભંગ કરે, 23 અથવા પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞાઓ, તે આજ્ઞાઓ આપી તે દિવસથી વંશપરંપરાગત પાળવાને બદલે સમગ્ર સમાજ અજાણતાં આજ્ઞાભંગ કરે તો તમારે આ પ્રમાણે કરવું: 24 સમગ્ર સમાજથી સરતચૂકથી અને અજાણે આજ્ઞાભંગ થયો હોય તો તેમણે પ્રભુને પ્રસન્ન કરવા સુવાસને માટે એક વાછરડાનો દહનબલિ કરવો અને તેની સાથે જરૂરી ધાન્યઅર્પણ અને પેયાર્પણ ચડાવવાં. એ ઉપરાંત પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરાનું પણ અર્પણ કરવું. 25 સમગ્ર સમાજને માટે યજ્ઞકારે આ પ્રાયશ્ર્વિત કરવું. એટલે તેમને માફ કરવામાં આવશે. કારણ, તે ભૂલ અજાણતાં થઈ હતી અને તેને લીધે તેઓ પ્રભુને પ્રસન્ન કરવા અગ્નિબલિ અને ભૂલ માટે પ્રાયશ્ર્વિતબલિ લાવ્યા છે. 26 તેથી સમગ્ર ઇઝરાયલી સમાજને અને તેમની મધ્યે વસતા પરદેશીઓને માફ કરવામાં આવશે. કારણ, બધાથી તે ભૂલ અજાણે થઈ હતી. 27 પણ જો એક વ્યક્તિ અજાણતાં પાપ કરે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક વર્ષની બકરીનું અર્પણ ચઢાવવું. 28 યજ્ઞકાર એ વ્યક્તિ માટે, પ્રાયશ્ર્વિતનો વિધિ કરશે અને તે વ્યક્તિને માફ કરવામાં આવશે. 29 જો કોઈ અજાણતાં ભૂલ કરે, પછી તે દેશમાં વસતો ઇઝરાયલી હોય કે તેમની મધ્યે રહેતો પરદેશી હોય, તો બંનેને આ નિયમ એક્સરખી રીતે લાગુ પડે છે. 30 પણ જો કોઈ જાણીબૂઝીને ઉદ્ધતાઈથી આજ્ઞાભંગ કરે, પછી તે ઇઝરાયલી હોય કે પરદેશી હોય, તો પ્રભુનો અનાદર કરવા બદલ ગુનેગાર છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો. 31 કારણ, તેણે પ્રભુના નિયમને તુચ્છ ગણ્યો છે અને તેમની આજ્ઞા તોડી છે. તે માણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. તેના દોષની જવાબદારી તેને પોતાને શિરે રહે. સાબ્બાથભંગની સજા 32 ઇઝરાયલીઓ ત્યાં રણપ્રદેશમાં હતા તે સમયે સાબ્બાથના દિવસે એક માણસ લાકડાં વીણતો પકડાયો. 33 જેમણે તેને લાકડાં વીણતો જોયો તેઓ તેને મોશે, આરોન અને સમગ્ર સમાજ પાસે લઈ આવ્યા. 34 તેને ચોકીપહેરા નીચે રાખવામાં આવ્યો. કારણ, તેને કઈ સજા થવી જોઈએ તે હજુ નક્કી થયું ન હતું. 35 પછી પ્રભુએ મોશેને કહ્યું, “તે માણસને મોતની સજા ફટકારવામાં આવે. પડાવ બહાર સમગ્ર સમાજે તેને પથ્થરો મારીને મારી નાખવો.” 36 તેથી પ્રભુએ મોશેને ફરમાવેલી આજ્ઞા પ્રમાણે સમગ્ર સમાજે તેને પડાવ બહાર લઈ જઈને પથ્થરો મારીને મારી નાખ્યો. કિનારી સંબંધી નિયમો 37-38 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે: તમારે અને તમારા વંશજોએ વંશપરંપરાગત એક કાયમી નિયમ તરીકે વસ્ત્રોની કોરને કિનારી લગાડવી અને એ કિનારીમાં નીલરંગી દોરો ગૂંથવો. 39 એ કિનારી જોઈને તમને મારી બધી આજ્ઞાઓ યાદ આવશે અને તમે તેમનું પાલન કરશો અને તમારા મનની દુર્વાસના અને આંખોની લાલસાથી પ્રેરાઈને બેવફાઈથી અન્ય દેવોને અનુસરવાનું તમારું વલણ અટકશે. 40 તેથી કિનારીઓ જોઈને મારી બધી આજ્ઞાઓ પાળવાનું તમે યાદ રાખો અને મને, એટલે તમારા ઈશ્વરને સમર્પિત રહો. 41 હું પ્રભુ તમારો ઈશ્વર છું. તમારો ઈશ્વર થવા હું તમને ઇજિપ્તની બહાર કાઢી લાવ્યો છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide