ગણના 14 - પવિત્ર બાઇબલ C.L.લોકોની ફરિયાદ 1 આથી સમગ્ર ઇઝરાયલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડયા. 2 બધા લોકોએ મોશે અને આરોન વિરુદ્ધ કચકચ કરી અને આખા સમાજે તેમને કહ્યું, “આના કરતાં તો અમે ઇજિપ્તમાં કે આ રણપ્રદેશમાં મરી ગયા હોય તો સારું! 3 શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!” 4 તેથી તેમણે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે એક આગેવાનની નિમણૂક કરીને ઇજિપ્ત પાછા જઈએ.” 5 ત્યારે મોશે અને આરોન ઇઝરાયલી સમાજની સમગ્ર સભાની સમક્ષ પ્રાર્થના માટે ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડયા. 6 જાસૂસોમાંના બે જણ, નૂનના પુત્ર યહોશુઆએ અને યફુન્નેહના પુત્ર કાલેબે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. 7 તેમણે સમગ્ર ઇઝરાયલી સમાજને કહ્યું, “અમે જે દેશની તપાસ કરવા ગયા હતા તે તો અતિ ઉત્તમ દેશ છે. 8 જો પ્રભુ આપણા ઉપર પ્રસન્ન હશે તો તે આપણને તે દેશમાં લઈ જશે અને એ દૂધમધની રેલમછેલવાળો દેશ આપણને આપશે. 9 પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.” 10 પરંતુ સમગ્ર સમાજે ધમકી આપી કે તેમને પથ્થરો મારીને મારી નાખો. એકાએક મુલાકાતમંડપ ઉપર ઇઝરાયલીઓ સમક્ષ પ્રભુનું ગૌરવ પ્રગટ થયું. લોકો માટે મોશેની પ્રાર્થના 11 પ્રભુએ મોશેને કહ્યું, “ક્યાં સુધી આ લોકો મારો તિરસ્કાર કરશે? મેં તેમની મધ્યે આટલા બધા ચમત્કારો કર્યા છતાં ક્યાં સુધી તેઓ મારા પર વિશ્વાસ રાખવાના નથી? 12 હું રોગચાળો મોકલીને તેમનો વિનાશ કરી નાખીશ, અને તેમનું ઠામઠેકાણું નહિ રહે. પણ હું તારાથી તેમના કરતાં મહાન અને બળવાન પ્રજા ઉત્પન્ન કરીશ.” 13 પરંતુ મોશેએ પ્રભુને કહ્યું, “તો પછી એ વાત ઇજિપ્તના લોકોના ય સાંભળવામાં આવશે અને તેમને તો ખબર છે કે તમે તમારા સામર્થ્યથી આ લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છો. 14 તેથી તેઓ આ પ્રદેશના લોકોને પણ એ વિષે કહેશે. આ પ્રદેશના લોકોએ સાંભળ્યું છે કે તમે પ્રભુ, અમારી મધ્યે વસો છો. જ્યારે વાદળ અમારા પર થંભી જાય છે ત્યારે તમે અમને મોંઢામોંઢ દર્શન આપો છો. દિવસે મેઘના સ્તંભરૂપે અને રાતે અગ્નિના સ્તંભરૂપે તમે અમારી આગળ આગળ ચાલો છો. 15 હવે જાણે એક માણસને મારતા હો તેમ તમે તમારા આ બધા લોકનો એક સામટો સંહાર કરશો, તો જે પ્રજાઓએ તમારી કીર્તિ સાંભળી છે તે કહેશે, 16 ‘પ્રભુએ જે દેશ આપવાનું વચન આ લોકોને આપ્યું હતું તેમાં તે તેમને લઈ જઈ શક્યા નહિ તેથી તેમણે બધાને આ રણપ્રદેશમાં મારી નાખ્યા. 17 તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું કે તમારું સામર્થ્ય અમને દર્શાવો. તમે કહ્યું હતું કે, 18 ‘હું પ્રભુ જલદી કોપાયમાન થતો નથી, પણ હું અત્યંત દયાળુ છું. હું અન્યાય અને વિદ્રોહની ક્ષમા કરું છું; પરંતુ દોષિતને જરૂર સજા ફટકારું છું અને માતાપિતાનાં અપરાધને લીધે ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાન સુધી સજા કરવાનું હું ચૂક્તો નથી.’ એ શબ્દો હવે સાચા પાડો. 19 તેથી હે પ્રભુ, હું તમને વિનંતી કરું છું, અને તમારા કહેવા પ્રમાણે તમારી મહાન અને અપાર દયા સંભારીને આ લોકોને તેમના અપરાધની ક્ષમા આપો. ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારથી અત્યાર સુધી તમે માફી બક્ષી છે તેમ હવે માફી આપો.” 20 પ્રભુએ જવાબ આપ્યો, “તારી વિનંતી પ્રમાણે હું તેમને માફ કરું છું. 21-23 પણ હું જીવંત છું અને સમગ્ર સૃષ્ટિ જેનાથી ભરપૂર છે એ મારા ગૌરવના સોગંદ ખાઈને કહું છું કે, જે દેશ આપવાનું વચન મેં તેમના પૂર્વજોને આપ્યું હતું તેમાં તેઓ પ્રવેશ પામશે નહિ. કારણ, આ લોકોએ મારું ગૌરવ તથા ઇજિપ્ત અને રણપ્રદેશમાં કરેલા મારા અદ્ભૂત ચમત્કારો જોયા છતાં વારંવાર મારી પરીક્ષા કરી છે અને મને આધીન થયા નથી. તેથી જેમણે મારો તિરસ્કાર કર્યો છે તેમનામાંનો કોઈ પણ એ દેશ જોવા પામશે નહિ. 24 માત્ર મારો સેવક કાલેબ, જેની ભાવના જુદા જ પ્રકારની છે, તે મને પૂરેપૂરો વફાદાર રહ્યો છે. તેથી જે દેશની તેણે તપાસ કરી તેમાં હું તેને લઈ જઈશ અને તેના વંશજો એ દેશનું વતન ભોગવશે. 25 અત્યારે એ દેશમાં સપાટ પ્રદેશમાં અમાલેકીઓ અને કનાનીઓ રહે છે. આવતી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રના માર્ગે રણપ્રદેશ તરફ જાઓ.” કચકચની સજા 26 પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, 27 “ક્યાં સુધી આ દુષ્ટ સમાજ મારી વિરુધ કચકચ કર્યા કરવાનો છે? ક્યાં સુધી મારે તમારું સહન કરવું? ઇઝરાયલીઓની મારી વિરુદ્ધની કચકચ મેં બરાબર સાંભળી છે! 28 તેમને કહે કે, પ્રભુ આવું કહે છે: હું જીવંત છું અને સોગંદપૂર્વક કહું છું કે તમે મારા સાંભળતા જે બોલ્યા છો તે જ પ્રમાણે હું કરીશ. 29 તમે માર્યા જશો અને આ રણપ્રદેશમાં તમારી લાશો રઝળશે. તમે મારી વિરુદ્ધ કચકચ કરી હોવાથી તમારામાંના જેમની ગણના થઈ હતી એટલે વીસ વર્ષ અને તેથી ઉપરની ઉંમરનો કોઈ, 30 જે દેશમાં તમને વસાવવા મેં સોગંદ ખાધા હતા તેમાં પ્રવેશ કરશે નહિ. પરંતુ કાલેબ અને યહોશુઆ જ વચનના દેશમાં પ્રવેશ કરશે. 31 તમે કહ્યું હતું કે, અમારાં બાળકો લૂંટ રૂપે વહેંચાશે; પણ તમે જે દેશમાં જવાની અવગણના કરી છે તેમાં હું તેમને લઈ જઈશ અને તે તેમનું વતન થશે. 32 અહીં આ રણપ્રદેશમાં તમારી લાશો રઝળશે. 33 તમારા છેલ્લા માણસની લાશ પડે નહિ ત્યાં સુધી એટલે ચાળીસ વર્ષ સુધી તમારાં વંશવારસો આ રણપ્રદેશમાં ભટકશે ને તમારી બેવફાઈની સજા ભોગવશે. 34 ચાળીસ દિવસ સુધી ફરીને તમે દેશની જાસૂસી કરી હતી; તેથી એક દિવસને માટે એક વર્ષ તે પ્રમાણે ગણીને ચાળીસ વર્ષ સુધી તમે તમારાં પાપની સજા ભોગવશો; ત્યારે તમને સમજાશે કે મારો ત્યાગ કરવાનું શું પરિણામ આવે છે! 35 હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે મારો વિદ્રોહ કરવા એકત્ર થયેલ આ દુષ્ટ સમાજની હું આવી દશા કરીશ: આ રણપ્રદેશમાં તમારામાંનો એકેએક માર્યો જશે. હું પ્રભુ, આ બોલું છું.” 36-37 મોશેએ દેશમાં જાસૂસી કરવા મોકલેલા માણસોએ પાછા આવીને દેશ સંબંધી પ્રતિકૂળ અહેવાલ રજૂ કર્યો અને સમગ્ર સમાજને પ્રભુની વિરુધ કચકચ કરવા ઉશ્કેર્યા. તેથી પ્રભુ આગળ તેઓ રોગચાળાથી માર્યા ગયા. 38 દેશમાં તપાસ કરવા ગયેલા બાર જાસૂસોમાંથી ફક્ત યહોશુઆ અને કાલેબ જીવતા રહ્યા. દેશ જીતવાનો પ્રથમ પ્રયત્ન ( પુન. 1:41-46 ) 39 જ્યારે મોશેએ પ્રભુ જે બોલ્યા હતા તે ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું ત્યારે તેમણે ભારે શોક કર્યો. 40 બીજે દિવસે વહેલી સવારે તેમણે કહ્યું, “પ્રભુએ જે જગા આપવાનું આપણને વચન આપ્યું હતું ત્યાં જવાને અમે તૈયાર છીએ. કારણ, અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપ કર્યું છે.” એમ કહેતાં જ તેઓ ઊંચા પહાડી પ્રદેશ પર આક્રમણ કરવા નીકળી પડયા. 41 પણ મોશેએ કહ્યું, “તમે પ્રભુની આજ્ઞાનો ભંગ કેમ કરો છો? તમે આક્રમણમાં સફળ થશો નહિ! 42 આગળ વધશો નહિ. કારણ, પ્રભુ તમારી સાથે નથી અને તેથી તમારા દુશ્મનો તમને હરાવી દેશે. 43 જ્યારે તમે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરશો ત્યારે તમે યુધમાં તલવારથી માર્યા જશો. કારણ, તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું હોવાથી પ્રભુ તમારી સાથે નથી.” 44 તેમ છતાં તેમણે ગર્વપૂર્વક પહાડી-પ્રદેશ તરફ આક્રમણ કર્યું. જો કે પ્રભુની કરારપેટી કે મોશે પડાવમાંથી તેમની સાથે બહાર ગયા નહિ. 45 ત્યારે પહાડીપ્રદેશમાં વસતા અમાલેકીઓ અને કનાનીઓએ તેમનો સામનો કરીને તેમને હરાવ્યા અને હોર્મા સુધી તેમની પાછળ પડયા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide