Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 12 - પવિત્ર બાઇબલ C.L.


મિર્યામને સજા

1 મોશેએ એક કુશી સ્ત્રીની સાથે લગ્ન કર્યું. તેથી મિર્યામ અને આરોને તેની વિરુદ્ધ ટીકા કરી.

2 તેમણે કહ્યું, “શું પ્રભુ માત્ર મોશેની સાથે જ બોલ્યા છે? શું તે અમારી સાથે પણ બોલ્યા નથી? અને પ્રભુએ એ સાંભળ્યું.”

3 (તે સમયે પૃથ્વીના બધા લોકોમાં મોશે જેવો નમ્ર માણસ બીજો કોઈ નહોતો.)

4 પ્રભુએ એકાએક મોશે, આરોન અને મિર્યામને કહ્યું, “તમે ત્રણે જણ મુલાકાતમંડપ પાસે આવો.”

5 તેઓ ત્રણે જણ ત્યાં ગયાં. પ્રભુ વાદળના સ્થંભમાં ઊતરી આવ્યા અને મંડપના પ્રવેશદ્વાર આગળ ઊભા રહી તેમણે આરોન અને મિર્યામને બોલાવ્યાં એટલે તે બંને જણ આગળ ગયાં.

6 પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું.

7 પણ મારા સેવક મોશેના સંબંધમાં એવું નથી. મોશે તો મારા સમગ્ર ઇઝરાયલી લોકમાં સૌથી વધુ વિશ્વાસુ છે.

8 તેથી હું તેની સાથે મોંઢામોંઢ વાત કરું છું. હું તેની સાથે રહસ્યભરી નહિ, પણ સ્પષ્ટ વાત કરું છું. તેણે મારું સ્વરૂપ પણ જોયું છે. તો પછી મારા સેવક મોશેની વિરૂધ ટીકા કરતાં તમને સંકોચ કેમ ન થયો?”

9 પ્રભુ તેમના પર કોપાયમાન હતા અને તે ચાલ્યા ગયા.

10 અને મંડપ પરથી વાદળ હટી ગયું અને મિર્યામને એકાએક કોઢ ફૂટી નીકળ્યો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ. આરોને મિર્યામ તરફ જોયું તો તેનું શરીર કોઢથી છવાઈ ગયું હતું.

11 તેથી આરોને મોશેને કહ્યું, “મારા સ્વામી, મૂર્ખાઈમાં અમે પાપ કરી બેઠાં છીએ; માટે અમારા પર દયા કરો અને અમને સજા ન કરો.

12 જન્મ સમયે જેનું ર્આું શરીર ગળી ગયું હોય એવા મૃત જન્મેલા બાળક જેવી તેની દશા ન કરો.”

13 તેથી મોશેએ પ્રભુને આજીજી કરી, “હે ઈશ્વર, તેને સાજી કરો.”

14 પ્રભુએ જવાબ આપ્યો, “જો તેનો પિતા તેના મુખ પર થૂંક્યો હોત તો તેણે સાત દિવસ સુધી શરમ વેઠવી પડત. તેથી સાત દિવસ સુધી તેને પડાવની બહાર રાખો અને ત્યાર પછી તેને પાછી લાવવામાં આવે.”

15 સાત દિવસ સુધી મિર્યામને પડાવની બહાર અલગ રાખવામાં આવી અને સાત દિવસ પછી તેને પાછી લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ.

16 ત્યાર પછી તેમણે હસેરોથથી નીકળીને પારાનના રણપ્રદેશમાં પડાવ નાખ્યો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan