ગણના 11 - પવિત્ર બાઇબલ C.L.કચકચની શરૂઆત 1 લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો. 2 લોકોએ મદદને માટે મોશેને પોકાર કર્યો. મોશેએ પ્રભુને પ્રાર્થના કરી અને અગ્નિ હોલવાઈ ગયો. 3 તેથી તે જગ્યાનું નામ તાબએરા (અર્થાત્ ‘સળગવું) પાડવામાં આવ્યું. કારણ, તેમના પડાવમાં પ્રભુનો અગ્નિ પ્રગટયો હતો. સિત્તેર આગેવાનોની પસંદગી 4 ઇઝરાયલીઓ સાથે કેટલાક પરપ્રજાના લોકો પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમને માંસ ખાવાની તીવ્ર લાલસા હતી. વળી, ખુદ ઇઝરાયલીઓ પણ રડીને ફરિયાદ કરવા લાગ્યા: “ખાવાને માટે અમને માંસ કોણ આપશે? 5 અમને યાદ આવે છે કે ઇજિપ્તમાં તો મફતમાં માછલી ખાવા મળતી હતી અને કાકડી, તડબૂચ, પ્યાજ, ડુંગળી અને લસણ પણ મળતા હતાં. 6 પરંતુ અહીં તો એમાંનું કશું જ ખાવા મળતું નથી. હવે અમારી રુચિ નષ્ટ થઈ ગઈ છે. કારણ, અહીં આ માન્ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.” 7 (માન્ના તો કોથમીરના દાણા જેવું હતું અને તેનો રંગ ગુગળના રંગ જેવો પીળાશ પડતો સફેદ હતો. 8-9 પડાવમાં રાત્રે ઝાકળની સાથે માન્ના પણ પડતું હતું. સવારે લોકો ફરી ફરીને માન્ના એકઠું કરી લાવતા અને ઘંટીમાં દળતા અથવા ખાંડણિયામાં ખાંડી આટો બનાવતા અને તેને તવા પર શેકીને તેની ભાખરી બનાવતા. તેનો સ્વાદ તાજા તેલથી મોયેલી ભાખરીના જેવો લાગતો હતો.) 10 મોશેએ લોકોને પોતપોતાના તંબૂના બારણા આગળ એકત્ર થઈ રડતાં રડતાં કચકચ કરતા સાંભળ્યા. પ્રભુનો કોપ સળગી ઊઠયો અને મોશે ખૂબ દુ:ખી થઈ ગયો. 11 તેણે પ્રભુને કહ્યું, “તમે તમારા આ સેવકને દુ:ખી કેમ કર્યો છે?” મારા પર તમારી કૃપાદૃષ્ટિ કેમ નથી? આ બધા લોકોની જવાબદારી મને કેમ સોંપી છે? 12 શું મેં આ લોકોનો ગર્ભ ધર્યો હતો? અથવા શું મેં તેમને જન્મ આપ્યો હતો? ધાવણા બાળકને તેના પિતા હાથમાં ઊંચકીને લઈ જાય તેવી રીતે તમે તેમને તેમના પૂર્વજોને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તેમને લઈ જવાનું મને કેમ કહેવામાં આવે છે? 13 તેઓ મારી પાસે આવીને રડી રડીને કહે છે, ‘અમને ખાવાને માંસ આપ’, પણ આ બધા લોકોને પૂરતું થાય એટલું માંસ હું ક્યાંથી લાવું? 14 હું એકલો આ બધા લોકોની જવાબદારી ઉપાડી શકું તેમ નથી. મારે માટે તો આ બોજ અસહ્ય છે. 15 જો તમે મારી સાથે આવો જ વર્તાવ કરવાના હો તો મારા પર દયા કરીને મને મારી નાખો. જેથી મારે આ દુ:ખ લાંબો સમય વેઠવું પડે નહિ.” 16 પ્રભુએ મોશેને કહ્યું, “તું જેમને લોકોના વડીલો અને આગેવાનો તરીકે ઓળખે છે એવા ઇઝરાયલી લોકોના સિત્તેર વડીલોને એકત્ર કર અને તેમને મારા મુલાકાતમંડપ આગળ લઈ આવ અને ત્યાં તારી પાસે તેઓ ઊભા રહે. 17 હું ત્યાં ઊતરી આવીશ અને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તે હું તેમની સાથે વહેંચીશ અને પછી તેઓ લોકોનો બોજ ઉપાડવામાં તારી મદદ કરશે અને તારે એકલાએ સમગ્ર જવાબદારી ઉપાડવાની રહેશે નહિ. 18 “તું લોકોને આ પ્રમાણે કહે, ‘પોતાને શુધ કરીને આવતી કાલને માટે તૈયાર થાઓ. તમને ખાવા માટે માંસ મળશે.’ તમે પ્રભુના સાંભળતાં રડી રડીને કહ્યું હતું કે ‘અમને ખાવાને માંસ કોણ આપશે? ઇજિપ્તમાં અમે કેવા સુખી હતા!’ તેથી હવે પ્રભુ પોતે તમને ખાવાને માટે માંસ આપશે અને તમારે તે ખાવું જ પડશે. 19 એક કે બે દિવસ નહિ, પાંચ, દસ કે વીસ દિવસ નહિ; 20 પણ પૂરા એક મહિના સુધી તમે તે ખાશો. એટલે સુધી કે તમારાં નસકોરાંમાંથી તે પાછું નીકળશે અને તમને તેનાથી અરુચિ પેદા થશે. કારણ, તમારી મધ્યે વસતા પ્રભુનો તમે નકાર કર્યો છે અને તેમની આગળ રડી રડીને કહ્યું, ‘અમે ઇજિપ્તમાંથી નીકળીને આવ્યા જ ન હોત તો સારું થાત!” 21 મોશેએ પ્રભુને કહ્યું, “અહીં મારી સાથે આશરે છ લાખ દળ કૂચ કરી રહ્યું છે અને તમે તેમને તેઓ એક મહિના સુધી ખાય તેટલું માંસ પૂરું પાડવાનું વચન આપો છો! 22 તેમને બસ થાય એટલાં ઢોર કે ઘેટાંબકરાં કાપવા માટે છે? અથવા તેમને બસ થાય માટે શું દરિયાની બધી માછલી પકડવામાં આવશે?” 23 પ્રભુએ મોશેને કહ્યું, “મારી શક્તિની કોઈ મર્યાદા છે ખરી? તું હમણાં જ જોશે કે મેં તને કહ્યું છે તેમ થાય છે કે નહિ.” 24 મોશેએ બહાર આવીને લોકોને પ્રભુનો સંદેશ કહી સંભળાવ્યો. તેણે લોકોના વડીલોમાંથી સિત્તેર આગેવાનોને એકત્ર કર્યા અને મંડપની આસપાસ તેમને ઊભા રાખ્યા. 25 ત્યાર પછી પ્રભુ વાદળમાં ઊતરી આવ્યા અને મોશે સાથે વાત કરી. તેમણે મોશેને આપેલો આત્મા સિત્તેર આગેવાનો સાથે પણ વહેંચ્યો. આત્મા તેમના પર ઊતર્યો એટલે તેઓ સંદેશવાહકની જેમ પ્રવચન કરવા લાગ્યા; પણ લાંબા સમય સુધી તેમણે એમ કર્યું નહિ. 26 પરંતુ આગેવાનોમાંના બે માણસો એલ્દાદ અને મેદાદ પડાવમાં રહી ગયા હતા. તેઓ મંડપની નજીક આવ્યા ન હતા. તેમ છતાં તેઓ પર પણ આત્મા ઊતર્યો અને તેઓ પણ સંદેશવાહકની જેમ સંદેશ ઉચ્ચારવા લાગ્યા. 27 એક યુવાને દોડીને મોશેને ખબર આપી કે એલ્દાદ અને મેદાદ પણ પડાવમાં સંદેશ ઉચ્ચારે છે. 28 ત્યારે નૂનનો પુત્ર યહોશુઆ, જે તેની જુવાનીથી જ મોશેના મદદનીશ તરીકે રહ્યો હતો, તે બોલી ઊઠયો અને મોશેને કહ્યું, “મારા સ્વામી, ં તેમને મના કરો!” 29 પણ મોશેએ જવાબ આપ્યો, “શું તને મારી પ્રતિષ્ઠા વિષે એટલો આવેશ છે? હું તો એવું ઈચ્છું છું કે પ્રભુ તેમની સમગ્ર પ્રજા ઉપર પોતાનો આત્મા મૂકે અને તેઓ બધા સંદેશવાહક થાય.” 30 પછી મોશે અને ઇઝરાયલના સિત્તેર આગેવાનો પડાવમાં પાછા ગયા. લાવરીઓનું આગમન 31 એકાએક પ્રભુ પાસેથી પવન ફુંક્યો અને તે દરિયા તરફથી લાવરીઓને ઘસડી લાવ્યો. જેથી તેઓ જમીનથી એકાદ મીટર ઊંચે ઊડવા લાગી, અને એક દિવસની મુસાફરી જેટલા અંતર સુધી દરેક દિશામાં પથરાઈ.* 32 તેથી લોકોએ આખો દિવસ અને આખી રાત અને બીજો આખો દિવસ લાવરીઓ પકડી. કોઈએ એક હજાર કિલોથી ઓછી એકઠી કરી નહોતી! તેમણે તેમને સૂકવવા માટે આખા પડાવની આસપાસ પાથરી દીધી. 33 હજી તો તે માંસ તેમના મોંમાં પૂરું ચવાયું ય નહોતું અને તે પહેલાં પ્રભુ તેમના ઉપર કોપાયમાન થયા અને તેમને ભયંકર રોગચાળાથી માર્યા. 34 તેમણે તે જગ્યાનું નામ કિબ્રોથ- હાત્તાવા (એટલે ‘લાલસાની કબરો’) પાડયું. કારણ, માંસના લાલચુઓને ત્યાં દફનાવવામાં આવ્યા હતા. 35 ત્યાંથી લોકો હસેરોથ જવા નીકળ્યા અને તેમણે પડાવ નાખ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide