Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 10 - પવિત્ર બાઇબલ C.L.


ચાંદીનાં રણશિંગડાં

1 પ્રભુએ મોશેને કહ્યું,

2 “તું ચાંદીમાંથી ઘડીને બે રણશિંગડાં બનાવ. લોકોને એકત્ર કરવા અને પડાવ ઉપાડવાના કામ માટે તેમનો ઉપયોગ કર.

3 જ્યારે બંને રણશિંગડાં એક સાથે લાંબે સૂરે વગાડવામાં આવે ત્યારે સમગ્ર સમાજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવું.

4 પણ એક જ રણશિંગડું વગાડવામાં આવે તો માત્ર ગોત્રના આગેવાનોએ જ તારી પાસે એકત્ર થવું.

5 જ્યારે રણશિંગડું યુધનાદ માટે તૂટક તૂટક વગાડવામાં આવે ત્યારે પૂર્વ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી.

6 જો રણશિંગડું બીજી વાર યુધનાદની જેમ તૂટક તૂટક વગાડવામાં આવે તો દક્ષિણ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. કૂચ કરવા માટે રણશિંગડું તૂટક તૂટક અવાજે વગાડવું.

7 પણ આખા સમાજને એકત્ર કરવા માટે રણશિંગડું એકધારું લાંબે સૂરે વગાડવું.

8 આરોનના પુત્રો એટલે યજ્ઞકારોએ રણશિંગડાં વગાડવાનાં છે. “તમારે અને તમારા વંશજોએ કાયમને માટે આ નિયમનું પાલન કરવાનું છે.

9 તમારા દેશમાં તમારી ઉપર દુશ્મન ચઢી આવે અને તમે તેમની સામે લડવા જાઓ ત્યારે તમારે રણશિંગડાં વગાડીને યુધની જાહેરાત કરવી. તેથી હું પ્રભુ તમારો ઈશ્વર તમને સંભારીને સહાય કરીશ અને તમારા દુશ્મનોથી તમને બચાવી લઈશ.

10 આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.”


ઇઝરાયલીઓની આગેકૂચ

11 ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યમંડપ ઉપરથી વાદળ હટી ગયું.

12 અને ઇઝરાયલીઓએ સિનાઈના રણપ્રદેશમાંથી પોતાની કૂચ શરૂ કરી. તે પછી પારાનના રણમાં વાદળ પાછું સ્થિર થઈ ગયું.

13 પ્રભુએ મોશેની મારફતે આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કૂચનો આરંભ કર્યો.

14 દરેક વખતે એક જ ક્રમમાં તેઓ કૂચ કરતા. યહૂદા કુળના સૈન્યના વજવાળા લોકો તેમની ટુકડીઓ પ્રમાણે પ્રથમ ચાલી નીકળ્યા.

15 આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો. ઇસ્સાખારના કુળના સૈન્યનો આગેવાન સૂઆરનો પુત્ર નાથાનાએલ હતો.

16 અને ઝબુલૂનના કુળના સૈન્યનો આગેવાન હેલોનનો પુત્ર એલિયાબ હતો.

17 ત્યાર પછી મુલાકાતમંડપ છોડી લેવામાં આવ્યો એટલે ગેર્શોનના કુટુંબો અને મરારીના કુટુંબો મંડપનો સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા.

18 એ પછી રૂબેનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ શરૂ કરી. શદેઉરનો પુત્ર એલિસૂર તેમનો આગેવાન હતો.

19 શિમયોનનું કુળ સુરીશાદ્દાયના પુત્ર શલૂમીએલની આગેવાની નીચે હતું.

20 અને ગાદનું કુળ દેઉએલના પુત્ર એલ્યાસાફની આગેવાની નીચે હતું.

21 ત્યાર પછી લેવીકુળના કહાથના કુટુંબો પવિત્ર સરસામાન ઊંચકીને ચાલી નીકળ્યા. તેઓ બીજા પડાવને સ્થળે આવી પહોંચે તે પહેલાં, મંડપ ફરી ઊભો કરવામાં આવતો હતો.

22 ત્યાર પછી એફ્રાઈમના કુળના સૈન્યના વજવાળા લોકો ટુકડીઓ પ્રમાણે ચાલી નીકળ્યા. આમ્મીહૂદનો પુત્ર એલિશામા તેમનો આગેવાન હતો.

23 મનાશ્શાના કુળનો આગેવાન પદાહસૂરનો પુત્ર ગમાલિએલ હતો.

24 અને બિન્યામીનના કુળનો આગેવાન ગિદિયોનીનો પુત્ર અબીદાન હતો.

25 છેલ્લે દાનના કુળના સૈન્યના વજવાળા લોકોએ ટુકડીઓ પ્રમાણે કૂચ કરી તેઓ બધાં સૈન્યોની પછવાડે હતા. આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર તેમનો આગેવાન હતો.

26 આશેરના કુળનો આગેવાન ઓક્રાનનો પુત્ર પાગીએલ હતો.

27 અને નાફતાલી કુળનો આગેવાન એનાનનો પુત્ર અહીરા હતો.

28 જ્યારે જ્યારે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવીને કૂચ કરતા ત્યારે સૈન્યો પ્રમાણે તેમની કૂચનો ક્રમ એ પ્રમાણે રહેતો હતો.

29 મોશેએ પોતાના સસરા મિદ્યાની રેઉએલના પુત્ર હોબાબને કહ્યું, “પ્રભુએ જે પ્રદેશ અમને આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માટે અમે પ્રયાણ કરીએ છીએ. તમે પણ અમારી સાથે ચાલો. પ્રભુએ ઇઝરાયલને સમૃધ કરવાનું વચન આપ્યું છે અને અમે તમારી સાથે સંપત્તિ વહેંચીશું.”

30 પણ હોબાબે જવાબ આપ્યો, “ના, મારે નથી આવવું. હું તો મારા પોતાના સગાં પાસે મારા વતનમાં પાછો જઈશ.”

31 મોશેએ કહ્યું, “અમને મૂકીને જઈશ નહિ. અહીં રણપ્રદેશમાં કઈ જગ્યાએ પડાવ નાખવો તે તું જ જાણે છે. તું તો અમારો માર્ગદર્શક છે.

32 જો તું અમારી સાથે આવીશ તો પ્રભુ અમને જે સમૃધિ આપશે તેના પ્રમાણમાં અમે તને ભાગ આપીશું.”


આગેકૂચ

33 પ્રભુના પવિત્ર પર્વત સિનાઈથી તેઓ ચાલી નીકળ્યા અને ત્રણ દિવસ સુધી મુસાફરી કરી. પ્રભુની કરારપેટી તેમને માટે વિશ્રામનું સ્થાન શોધવા માટે તેમની આગળ રહેતી.

34 જ્યારે પણ તેઓ પડાવ ઉપાડતા ત્યારે દિવસે પ્રભુનું વાદળ તેમના ઉપર રહેતું.

35 જ્યારે કરારપેટી ઉપાડવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, ઊઠો, તમારા દુશ્મનોને વેરવિખેર કરી નાખો અને તમારો ધિક્કાર કરનારાઓ તમારી સમક્ષથી નાસી જાઓ.”

36 અને જ્યારે કરારપેટી થોભાવવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, અસંખ્ય ઇઝરાયલીઓની વચમાં તમે પાછા આવો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan