ગણના 1 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલની પ્રથમ વસતીગણતરી 1 ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું: 2 “તું અને આરોન, ગોત્ર અને કુટુંબ પ્રમાણે ઇઝરાયલીલોકની વસતીગણતરી કરો. 3 વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના લશ્કરમાં જોડાવાને લાયક હોય એવા પુરુષોની લશ્કરી ટુકડીઓ પ્રમાણે નામવાર ગણતરી કરો. 4 તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.” 5-16 આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા: કુળ ગોત્રવાર કૌટુંબિક આગેવાન રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ યોસેફનાં કુળ: (૧) એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા (2)મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ નાફતાલી એનાનનો પુત્ર અહીરા કુળ ગોત્રવાર કૌટુંબિક આગેવાન 17 મોશે તથા આરોને ઉપર પ્રમાણેના આગેવાનોને પોતાની સાથે મદદમાં લીધા. 18 તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં. 19 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ સિનાઈના રણપ્રદેશમાં તેમની વસતીગણતરી કરી. 20-46 યાકોબના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળથી શરૂ કરીને વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષો જેઓ લશ્કરમાં જોડાવાને લાયક હતા તેમનાં નામ પ્રમાણે ગોત્ર અને કુટુંબવાર નોંધણી કરવામાં આવી. તેમની કુલ સંખ્યા નીચે પ્રમાણે છે: કુળ સંખ્યા રૂબેન 46,500 શિમયોન 59,300 ગાદ 45,650 યહૂદા 74,600 ઇસ્સાખાર 54,400 ઝબુલૂન 57,400 યોસેફના કુળ: (૧) એફ્રાઈમ 40,500 (૨) મનાશ્શા 32,200 બિન્યામીન 35,400 દાન 62,700 આશેર 41,500 નાફતાલી 53,400 કુલ સંખ્યા: 603,550 મોશે, આરોન તથા પ્રત્યેક ગોત્રના પ્રતિનિધિ તરીકે મદદમાં આવેલા બાર આગેવાનોએ આ ગણતરી કરી. કુળ સંખ્યા 47 બીજાં કુળો સાથે લેવીકુળની ગણતરી કરવામાં આવી નહિ. 48 કારણ, પ્રભુએ મોશેને આમ કહ્યું હતું: 49 “લશ્કરમાં જોડાવાને લાયક પુરુષોની વસતીગણતરી કરવામાં આવે ત્યારે તેમાં લેવી કુળની નોંધણી કરવાની નથી. 50 તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે. 51 જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે. 52 બીજા બધા ઇઝરાયલી લોકોએ પોતપોતાના સૈન્ય પ્રમાણે અને પોતાની ટુકડી પ્રમાણે વજ પાસે તંબૂ ઊભા કરવા. 53 પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.” 54 તેથી ઇઝરાયલી લોકોએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide