Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 9 - પવિત્ર બાઇબલ C.L.


પાપની કબૂલાત

1 એ જ માસની ચોવીસમી તારીખે ઇઝરાયલી લોકો પોતાનાં પાપનું દુ:ખ વ્યક્ત કરવા ઉપવાસ કરીને ભેગા થયા. શોકની નિશાની તરીકે તેમણે તાટનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.

2 સર્વ પરદેશીઓ સાથેના સંબંધથી હવે તેઓ અલગ થઈ ગયા હતા. તેઓ ઊભા થયા અને તેમનાં તથા તેમના પૂર્વજોનાં પાપની કબૂલાત કરવા લાગ્યા.

3 લગભગ ત્રણ કલાક સુધી તેમની આગળ તેમના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું વાંચન કરવામાં આવ્યું અને પછીના ત્રણ કલાક તેમણે પોતાનાં પાપની કબૂલાત કરી અને તેમના ઈશ્વર પ્રભુની ઉપાસના કરી.

4 લેવીઓ માટે એક મંચ બાંધેલો હતો અને તેના પર યેશૂઆ, બાની, ક્દ્મીએલ, શબાન્યા, બૂન્‍ની, શેરેબ્યા, બાની તથા કનાની ઊભા હતા. તેમણે તેમના ઈશ્વર પ્રભુને મોટે ઘાંટે પ્રાર્થના કરી.

5 યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”


કબૂલાતની પ્રાર્થના

6 પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.

7 હે પ્રભુ પરમેશ્વર, તમે અબ્રામને પસંદ કરીને બેબિલોનના ઉરમાંથી કાઢી લાવ્યા; તમે તેનું નામ બદલીને અબ્રાહામ રાખ્યું.

8 તે તમને વિશ્વાસુ માલૂમ પડયો અને તમે તેની સાથે કરાર કર્યો. ભવિષ્યમાં તેનાં સંતાનોને વસવા માટે તમે તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો પરિઝ્ઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું કરારયુક્ત વચન આપ્યું. તમે તમારું વચન પાળ્યું પણ ખરું; કારણ, તમે વિશ્વાસુ છો.

9 અમારા પૂર્વજો ઈજિપ્તમાં જે દુ:ખ ભોગવતા હતા તે તમે જોયું; સુફ સમુદ્ર પાસે તમે તેમનો મદદ માટેનો પોકાર સાંભળ્યો.

10 તમે ફેરો રાજા, તેના અધિકારીઓ તથા તેના દેશના લોકો આગળ અદ્‍ભુત ચમત્કારો કર્યા; કારણ, તેમણે તમારા લોક પર કરેલો અત્યાચાર તમે જાણતા હતા. એ રીતે, જેમ આજે છે તેમ ત્યારે પણ તમે તમારી કીર્તિ ગજાવી હતી.

11 તમે તમારા લોક માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો અને તેમને કોરી ભૂમિ પર પાર પહોંચાડયા. તોફાની સાગરમાં પથરો ડૂબી જાય તેમ તેમનો પીછો કરનાર શત્રુઓને તમે ઊંડા પાણીમાં ડૂબાવી દીધા.

12 દિવસે તમે તેમને મેઘસ્થંભ મારફતે દોર્યા, તો રાત્રે તેમના માર્ગમાં પ્રકાશ પમાડવાને અગ્નિસ્થંભ રાખ્યો.

13 સિનાઈ પર્વત પર તમે આકાશમાંથી ઊતર્યા, તમે તમારા લોકો સાથે બોલ્યા અને તેમને યથાર્થ અને સત્ય એવા નીતિનિયમો અને સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યાં.

14 તમે તેમને તમારા સાબ્બાથો પવિત્ર પાળવાનું શીખવ્યું. અને તમારા સેવક મોશે મારફતે તમે તેમને આજ્ઞાઓ આદેશો અને નિયમો આપ્યાં.

15 તેઓ ભૂખ્યા થયા ત્યારે તમે તેમને આકાશમાંથી ખોરાક આપ્યો; તેઓ તરસ્યા થયા ત્યારે ખડકમાંથી પાણી આપ્યું. તેમને જે દેશ આપવાનું તમે વચન આપ્યું હતું તેનો કબજો લેવા તમે તેમને જણાવ્યું.

16 પણ અમારા પૂર્વજો ઘમંડી અને હઠીલા બન્યા અને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો.

17 તેમણે આધીન થવાનો ઇનકાર કર્યો; ભલાઈનાં તમારાં બધાં કૃત્યો તેઓ ભૂલી ગયા; તમારા અદ્‍ભુત ચમત્કારો પણ તેઓ ભૂલી ગયા. પોતાના ઘમંડમાં તેમણે ઇજિપ્તની ગુલામીમાં પાછા જવાને એક આગેવાન પસંદ કરી દીધો. પણ તમે તો ક્ષમાશીલ ઈશ્વર છો; તમે કૃપાવંત, પ્રેમાળ અને મંદરોષી છો; તમારી દયા ઘણી મહાન છે; અને તમે તેમનો ત્યાગ કર્યો નહિ.

18 તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી અને કહ્યું કે ઇજિપ્તમાંથી અમને મુક્ત કરનાર અમારો દેવ આ જ છે! હે પ્રભુ, તેમણે તમારું કેવું ભારે અપમાન કર્યું!

19 પણ તમે તેમને રણપ્રદેશમાં છોડી દીધા નહિ, કારણ, તમારી દયા મહાન છે. દિવસે અને રાત્રે તેમને માર્ગ બતાવનાર મેઘસ્થંભ અને અગ્નિસ્થંભ તમે લઈ લીધા નહિ.

20 તેમને દોરવણી આપવા માટે તમે તમારો ઉત્તમ આત્મા આપ્યો. તમે તેમને ખાવાને માન્‍ના આપ્યું અને તેમની તરસ છિપાવવા પીવાને પાણી આપ્યું.

21 વેરાનપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી તમે તેમનું બધી રીતે પાલનપોષણ કરી નિભાવી રાખ્યા અને તેમને કશાની ખોટ પડી નહિ. તેમનાં વસ્ત્ર ર્જીણ થઈ ગયાં નહિ અને પીડાથી તેમના પગ સૂજી ગયા નહિ.

22 તમે તેમને પ્રજાઓ અને રાજ્યો પર તેમ જ તેમની સરહદ નજીકના દેશો પર જય પમાડયો. તેમણે જ્યાં સિહોન રાજ કરતો હતો તે હેશ્બોનનો દેશ જીતી લીધો અને જ્યાં ઓગનું રાજ હતું તે બાશાનનો દેશ જીતી લીધો.

23 તમે તેમને આકાશના તારાઓ જેટલાં સંતાન આપ્યાં, અને જે દેશ તેમના પૂર્વજોને આપવાનું તમે વચન આપ્યું હતું તે પ્રમાણે તમે તેમને આ દેશ જીતી લેવા દઈ તેમાં તેમને વસાવ્યા છે.

24 એ પ્રમાણે તેમણે કનાન દેશ જીતી લીધો, અને ત્યાંના રહેવાસીઓનો તમે પરાજ્ય કર્યો. કનાનના લોકો અને રાજાઓ સાથે પોતાને ફાવે તેવો વર્તાવ કરવાને તમે તેમને શક્તિ આપી.

25 તમારા લોકોએ કિલ્લેબંધીવાળાં નગરો, ફળદ્રુપ પ્રદેશ, સંપત્તિથી ભરેલાં ઘર, ખોદીને તૈયાર કરી રાખેલાં ટાંકાં, ઓલિવવૃક્ષો, ફળાઉ વૃક્ષો અને દ્રાક્ષવાડીઓ પર કબજો જમાવી દીધો. પોતાને જેટલું જોઈએ તેટલું તેમણે ખાધું અને ખાઈને પુષ્ટ થયા; તમારી આપેલી સઘળી સારી વસ્તુઓનો તેમણે સુખાનુભવ કર્યો.

26 પણ તમારા લોકોએ તમારી વિરુદ્ધ બળવો કર્યો અને તમારી આજ્ઞા પાળી નહિ; તમારા નિયમશાસ્ત્રથી તેઓ વિમુખ થયા. તેમને ચેતવણી આપવાને તેમજ તમારી તરફ પાછા ફરવાનું કહેવાને તમે જે સંદેશવાહકો મોકલ્યા, તેમને તેમણે મારી નાખ્યા. તેમણે અવારનવાર તમારું અપમાન કર્યું.

27 તેથી તમે તેમના શત્રુઓને જીત પમાડી અને તેમના પર રાજ કરવા દીધું. પોતાના દુ:ખમાં તેમણે તમને મદદ માટે પોકાર પાડયો, એટલે તમે આકાશમાંથી જવાબ આપ્યો. તમારી અપાર કૃપામાં તેમને તેમના શત્રુઓથી છોડાવવા તમે આગેવાનો મોકલી આપ્યા.

28 પણ રાહત થઈ, એટલે વળી પાછા તેમણે પાપ કર્યું, અને ફરીથી તમે તેમના શત્રુઓને તેમના પર વિજય પમાડયો. છતાં જ્યારે તેમણે પસ્તાવો કર્યો અને બચાવ માટે વિનંતી કરી ત્યારે તમે આકાશમાંથી અવારનવાર તેમનું સાંભળ્યું.

29 તમારા શિક્ષણ પ્રમાણે વર્તવાને તમે તેમને ચેતવણી આપી, પણ પોતાના ઘમંડમાં તેમણે તમારા નિયમનો અનાદર કર્યો; - જો કે તમારા નિયમનું પાલન તો જીવનપ્રાપ્તિનો માર્ગ છે! તુમાખીભર્યા અને હઠીલા હોવાથી તેઓ આધીન થયા નહિ.

30 વરસોવરસ તમે તેમને ધીરજપૂર્વક ચેતવણી આપતા રહ્યા; તમે તમારા સંદેશવાહકોને સંદેશો પ્રગટ કરવાની પ્રેરણા કરી; પણ તમારા લોકો બહેરા બન્યા, તેથી તમે અન્ય પ્રજાઓને તેમના પર જીત મેળવવા દીધી.

31 છતાં, તમારી દયા મહાન હોવાથી તમે તેમનો ત્યાગ કર્યો નહિ, કે તેમનો નાશ કર્યો નહિ. તમે તો કૃપાવંત અને દયાવંત ઈશ્વર છો!

32 હે ઈશ્વર, અમારા ઈશ્વર, તમે કેવા મહાન છો! તમે કેવા ભયાવહ અને પરાક્રમી છો! તમે કરારપૂર્વક આપેલાં તમારાં વચનો વિશ્વાસુપણે પાળો છો. આશ્શૂરના રાજાઓએ અમારા પર અત્યાચાર કર્યો તે સમયથી આજસુધી અમારા રાજાઓ, આગેવાનો, યજ્ઞકારો અને પૂર્વજો અને અમારા સર્વ લોકોએ કેટલું દુ:ખ સહન કર્યું છે તે યાદ રાખજો.

33 અમને શિક્ષા કરવામાં તમે વાજબી રીતે વર્ત્યા છો; અમે પાપ કર્યું હોવા છતાં તમે વિશ્વાસુ રહ્યા છો.

34 અમારા પૂર્વજો, અમારા રાજાઓ, આગેવાનો અને યજ્ઞકારોએ તમારો નિયમ પાળ્યો નથી. તેમણે તમારી આજ્ઞાઓ અને ચેતવણીઓ પર લક્ષ આપ્યું નથી.

35 તમે આપેલા મોટા અને ફળદ્રુપ દેશમાં તેઓ વસતા હતા ત્યારે રાજાઓ તમારી આશિષથી તેમના પર રાજ કરતા હતા; પણ પાપથી પાછા ફરવામાં અને તમારી સેવા કરવામાં તેઓ નિષ્ફળ ગયા.

36 અત્યારે તો અમે તમારા આપેલા દેશમાં, એટલે જે ફળદ્રુપ ભૂમિ અમને ખોરાક પૂરો પાડે છે તેમાં ગુલામ છીએ. અમારા પાપને લીધે તમે અમારા પર નીમેલા રાજાઓને ફાળે ભૂમિની બધી ઊપજ જાય છે.

37 તેઓ અમારો અને અમારાં ઢોરઢાંકનો તેમને ફાવે તેવો ઉપયોગ કરે છે, અને અમે ભારે વિપત્તિમાં છીએ!”


લોકોએ કરેલો કરાર

38 “આ જે સઘળું બન્યું છે તેને લીધે અમે ઇઝરાયલી લોકો લેખિતમાં ગંભીર પ્રતિજ્ઞા કરીએ છીએ, અને અમારા આગેવાનો, અમારા લેવીઓ અને અમારા યજ્ઞકારો તે પર પોતાની મહોર મારે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan