Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 8 - પવિત્ર બાઇબલ C.L.

1 સાતમો માસ આવ્યો ત્યાં સુધીમાં તો ઇઝરાયલના બધા લોકો પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. એ માસને પ્રથમ દિવસે તેઓ સૌ યરુશાલેમમાં પાણીના દરવાજાની અંદર તેની અડોઅડ આવેલા ચોકમાં એકઠા થયા. પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલી લોકોને ફરમાવેલા નિયમશાસ્ત્રનું પુસ્તક લાવવા લોકોએ એઝરાને કહ્યું. એઝરા તો યજ્ઞકાર અને એ નિયમમાં વિદ્વાન હતો.

2 તેથી સ્ત્રી, પુરુષો અને સાંભળીને સમજી શકે તેવાં બાળકો જ્યાં એકત્ર થયાં હતાં ત્યાં એઝરા એ પુસ્તક લઈ આવ્યો.

3 ‘પાણીના દરવાજા’ પાસેના ચોકમાં એઝરાએ સવારથી બપોર સુધી નિયમશાસ્ત્રનું વાંચન કર્યું. લોકો ધ્યનથી સાંભળતા હતા.

4 એઝરા આ પ્રસંગને માટે બાંધવામાં આવેલ લાકડાના મંચ પર ઊભો હતો. તેની જમણી તરફ આ માણસો ઊભા હતા: માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલકિયા તથા માસેયા. તેની ડાબી તરફ આ માણસો ઊભા હતા: પદાયા, મીશાએલ માલકિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ.

5 એઝરા બધા લોકો કરતા ઊંચે ઊભો હતો, અને બધા લોકોની આંખો તેના પર મંડાયેલી હતી. તેણે જેવું પુસ્તક ઉઘાડયું, કે સર્વ લોક ઊભા થઈ ગયા.

6 એઝરાએ કહ્યું, “મહાન ઈશ્વર યાહવેની સ્તુતિ થાઓ!” બધા લોકોએ હાથ ઊંચા કરીને “આમીન, આમીન!” એવું બોલતાં પ્રત્યુત્તર વાળ્યો. ભૂમિ તરફ પોતાનાં માથાં ટેકવીને તેમણે ધૂંટણિયે પડીને આરાધના કરી.

7 પછી તેઓ ઊભા થયા અને પોતપોતાને સ્થાને ઊભા રહ્યા, અને આ સાથે જણાવેલ લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા: યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માસેયા, કલીટા અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા.

8 લોકો સમજી શકે તે માટે તેઓ ઈશ્વરના નિયમનો અનુવાદ કરી તેમને સમજાવતા.

9 નિયમની માગણીઓ વિષે સાંભળીને લોકો હચમચી ગયા અને રડવા લાગ્યા. તેથી રાજ્યપાલ નહેમ્યા, યજ્ઞકાર અને નિયમશાસ્ત્રનો વિદ્વાન એઝરા અને લોકોને નિયમશાસ્ત્ર સમજાવનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યું, “આ દિવસ તો તમારા ઈશ્વર પ્રભુનો પવિત્ર દિવસ છે, તેથી તમારે શોક કે રુદન કરવાનું નથી.

10 તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.”

11 લેવીઓએ પણ લોકોમાં ફરીને આવા પવિત્ર દિવસે ઉદાસ ન થવાનું કહીને તેમને શાંત પાડયા.

12 તેથી સઘળા લોકો ઘેર ગયા અને આનંદથી ખાધુંપીધું અને પોતાની પાસે જે કંઈ હતું તેમાંથી બીજાઓને પણ આપ્યું; કારણ, તેમને નિયમશાસ્ત્રમાંથી જે વાંચી સંભળાવવામાં આવ્યું હતું તે તેઓ સમજ્યા હતા.


માંડવાપર્વ

13 બીજે દિવસે યજ્ઞકારો અને લેવીઓની સાથે ગોત્રોના આગેવાનો નિયમશાસ્ત્રના શિક્ષણના અભ્યાસ અર્થે એઝરા પાસે ગયા.

14 પ્રભુએ મોશે દ્વારા આપેલા નિયમશાસ્ત્ર પરથી તેમને એવું માલૂમ પડયું કે માંડવાપર્વના દિવસોમાં ઇઝરાયલીઓને માંડવાઓમાં રહેવાની આજ્ઞા અપાયેલી છે.

15 તેથી તેમણે યરુશાલેમ અને બીજાં બધાં શહેરો અને નગરોમાં આવી સૂચનાઓ મોકલી આપી: “પર્વતો પર જઈને દેવદાર, ઓલિવ, મેંદી, ખજૂરી અને એવાં અન્ય ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો અને નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે માંડવા બનાવો.”

16 તેથી લોકો ડાળીઓ લઈ આવ્યા અને તેમના ઘરના ધાબા પર, તેમના આંગણાંમાં, મંદિરના ચોકમાં અને પાણીના દરવાજા પાસેના ચોકમાં અને એફ્રાઈમના દરવાજા પાસેના ચોકમાં માંડવા બાંયા.

17 દેશનિકાલમાંથી પાછા ફરેલા બધા લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમય પછી પ્રથમ જ વાર આ રીતે આ પર્વ ઊજવવામાં આવ્યું. લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ હતો.

18 પર્વના પ્રથમથી છેલ્લા દિવસ સુધી તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રમાં દરરોજ અમુક ભાગ વાંચતા. સાત દિવસ સુધી તેમણે ઉત્સવ મનાવ્યો, અને આઠમે દિવસે, નિયમશાસ્ત્રમાં નિયત કર્યા મુજબ પર્વનું સમાપન કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan