નહેમ્યા 6 - પવિત્ર બાઇબલ C.L.નહેમ્યા વિરુદ્ધ પ્રપંચ 1 સાનબાલ્લાટ, ટોબિયા, અરબી ગેશેમ અને અમારા અન્ય દુશ્મનોએ જાણ્યું કે અમે કોટનું બાંધકામ પૂરું કર્યું છે અને હવે તેમાં કોઈ ગાબડાં પૂરવાનાં બાકી રહ્યાં નથી. જો કે હજી અમે દરવાજાનાં બારણાં ચડાવ્યાં નહોતાં. 2 તેથી સાનબાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે હું તેમને ઓનોના મેદાનના કોઈએક ગામમાં જઈને મળું. એમાં તો મને નુક્સાન પહોંચાડવાની તેમની કુયુક્તિ હતી. 3 મેં તેમને સંદેશકો દ્વારા આમ કહેવડાવ્યું, “હું મહત્ત્વના કામમાં રોક્યેલો હોવાથી મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. ત્યાં આવી તમને મળવા માટે હું કંઈ કામ અટકાવવાનો નથી.” 4 તેમણે ચાર વખત એ સંદેશો મોકલ્યો અને મેં પણ દરેક વખતે એનો એ જ જવાબ મોકલ્યો. 5 પછી સાનબાલ્લાટે તેના એક નોકર સાથે પાંચમી વખત સંદેશો મોકલ્યો. આ વખતનો સંદેશો મહોર કર્યા વગરના ખુલ્લા પત્રમાં મોકલ્યો. 6 તેમાં આમ લખેલું હતું: “ગેશેમ કહે છે કે આસપાસના લોકોમાં એવી અફવા ઊડી છે કે યહૂદી લોકો બળવો કરવા માગે છે અને તેથી તેઓ કોટની મરામત કરવા લાગ્યા છે. તું પોતાને રાજા બનાવવા માગે છે એમ પણ તે કહે છે 7 વળી, તું યહૂદિયાનો રાજા છે એવું જાહેર કરવા માટે તેં યરુશાલેમમાં કેટલાક સંદેશવાહકોની પણ ગોઠવણ કરી છે. સમ્રાટને આની જાણ થયા વગર રહેવાની નથી, તેથી આ પરિસ્થિતિ અંગે મંત્રણા કરવા આપણે બન્ને મળીએ એવું મારું સૂચન છે.” 8 મેં તેને જવાબ મોકલાવ્યો, “તું જે કહે છે તેમાં કંઈ તથ્ય નથી. એ તો તારી ઉપજાવી કાઢેલી વાત છે.” 9 અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!” 10 એ દરમિયાન હું મહેટાબએલના પુત્ર દલાયાના પુત્ર શમાયાને મળવા તેને ઘેર ગયો, કારણ, તે ઘર બહાર નીકળી શકે તેમ નહોતો. તેણે મને કહ્યું, “તું અને હું મંદિરના પવિત્રસ્થાનમાં જઈને ત્યાં સંતાઈ જઈએ અને બારણાં બંધ કરી દઈએ. કારણ, તેઓ તને મારી નાખવા આવનાર છે. ગમે તે રાતે તેઓ તને મારી નાખવા આવી ચડશે.” 11 મેં જવાબ આપ્યો, “હું નાસીને સંતાઈ જાઉં એવો કંઈ ક્ચોપોચો માણસ નથી. તું એમ માને છે કે મારો જીવ બચાવવા હું મંદિરમાં સંતાઈ જઈશ? હું કંઈ એવું કરવાનો નથી.” 12 વિચાર કરતાં મને સમજ પડી કે ઈશ્વરે શમાયાની સાથે કંઈ વાત કરી નથી, પણ મને આ ચેતવણી આપવા ટોબિયા અને સાનબાલ્લાટે તેને લાંચ આપી હતી. 13 મને ગભરાવી દઈને પાપમાં પાડવા માટે તેમણે તેને પૈસા ચૂકવ્યા હતા કે જેથી તેઓ મારી અપકીર્તિ કરે અને મને ઉતારી પાડે. 14 મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, ટોબિયા અને સાનબાલ્લાટનું આ કૃત્ય સંભારીને તેમને શિક્ષા કરો. પેલી નોઆદ્યા સંદેશવાહિકા અને અન્ય સંદેશવાહકો જેમણે મને ડરાવવા પ્રયાસ કર્યા છે તેમનેય યાદ રાખજો.” કામનું સમાપન 15 બાવન દિવસના કામ પછી એલૂલ માસની પચીસમી તારીખે કોટ પૂરો થયો. 16 આસપાસના દેશોના અમારા દુશ્મનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ ભોંઠા પડી ગયા અને તેમને ખબર પડી કે ઈશ્વરની મદદથી જ આ કામ થયું છે. 17 આ બધા સમય દરમ્યાન યહૂદિયાના આગેવાનો ટોબિયા સાથે પત્રવ્યવહાર કરતા. એમને એમના પત્રોના ટોબિયા તરફથી જવાબ પણ મળતા. 18 યહૂદિયામાં ઘણા યહૂદીઓ ટોબિયા સાથે ભળેલા હતા; કારણ ટોબિયા આરાહના પુત્ર યહૂદી શખાન્યાનો જમાઈ હતો. વળી, ટોબિયાના પુત્ર યહોહાનને બેરેખ્યાના પુત્ર મેશુલ્લામની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. 19 લોકો મારી આગળ ટોબિયાનાં સારાં સારાં કામોનાં વખાણ કરતા અને મારી સઘળી વાત તેને કહી દેતા. તે મને ડરાવવા માટે પત્રો લખ્યા કરતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide