નહેમ્યા 5 - પવિત્ર બાઇબલ C.L.ગરીબો પર અત્યાચાર 1 થોડા સમય બાદ લોકોમાંથી ઘણા સ્ત્રીપુરુષો પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા. 2 કેટલાકે કહ્યું, “અમારાં કુટુંબો ઘણાં મોટાં છે અને અમે જીવતા રહીએ તે માટે અમારે અનાજની જરૂર છે.” 3 બીજા કેટલાકે કહ્યું, “અમારે ભૂખમરાથી બચવા માટે અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ ગીરે મૂકવાં પડયાં છે.” 4 વળી, બીજાઓએ કહ્યું, “અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ પર લદાયેલા રાજના કરવેરા ભરવા અમારે ઉછીના પૈસા લેવા પડયા છે. 5 અમે પણ અમારા સાથી યહૂદી ભાઈઓના જાતવંશના જ છીએ. અમારાં બાળકો પણ તેમનાં જ બાળકો જેવાં નથી? પણ અમારાં પુત્રો અને પુત્રીઓને અમારે ગુલામ થવા દેવાં પડયાં છે. અમારી કેટલીક પુત્રીઓને પણ અમારે ગુલામ તરીકે વેચવી પડી છે. અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ જપ્ત કરી લેવાયાં છે અને અમે તદ્દન નિરુપાય છીએ.” 6 તેમની ફરિયાદનો પોકાર સાંભળીને મને ખૂબ ક્રોધ ચઢયો. 7 અને મેં પગલાં ભરવાનો મનમાં નિર્ધાર કર્યો. મેં લોકોના આગેવાનો અને અધિકારીઓને ધમકાવી નાખ્યા અને તેમને કહ્યું, “તમે તમારા જ ભાઈઓ પર અત્યાચાર કરો છો!” એ પ્રશ્ર્નના નિરાકરણ માટે મેં જાહેર સભા બોલાવી. પછી મેં કહ્યું, 8 “આપણા જે યહૂદી ભાઈઓને પરપ્રજાના ગુલામ તરીકે વેચાઈ જવું પડયું હતું તેમને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવી લીધા છે. હવે તમે તમારા ભાઈઓને પોતાના જ સાથી યહૂદી ભાઈઓના ગુલામ થવાની ફરજ પાડો છો!” આગેવાનોએ મૌન સેવ્યું અને શું કહેવું તે તેમને સૂઝયું નહિ. 9 પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ. 10 મેં, મારા સાથીદારો અને મારા નોકરોએ પણ લોકોને ઉછીના પૈસા અને અનાજ આપ્યાં છે. તો હવે તેમને બધી વસૂલાત માફ કરી દઈએ. 11 તેમને તમારું પૈસા કે અનાજ કે દ્રાક્ષાસવ કે ઓલિવ તેલનું તેમનું જે કંઈ દેવુ હોય તે રદ બાતલ કરી દો અને હમણાં જ તેમને તેમનાં ખેતરો, દ્રાક્ષવાડીઓ, ઓલિવવાડીઓ અને ઘરો પરત કરી દો.” 12 આગેવાનોએ જવાબ આપ્યો, “અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું. અમે માલમિલક્ત પાછી આપી દઈશું અને તેમની પાસેથી દેવું વસૂલ નહિ કરીએ.” મેં યજ્ઞકારોને બોલાવ્યા અને તેમની સમક્ષ આગેવાનોને તેમણે આપેલું વચન તેઓ પાળે તેવા સમ ખવડાવ્યા. 13 પછી મેં કમરે ગાંઠે બાંધેલ વસ્ત્ર છોડીને ખંખેરી નાખતાં કહ્યું, “તમારામાંથી પોતાનું વચન ન પાળનારને પ્રભુ આ રીતે ખંખેરી નાખશે. ઈશ્વર તમારાં ઘર અને તમારું સર્વસ્વ લઈ લેશે અને તમને ખાલીખમ કરી નાખશે.” ત્યાં હાજર એવા બધા લોકો “આમીન” બોલ્યા અને પ્રભુની સ્તુતિ કરી. આગેવાનોએ પણ પોતાનું વચન પાળ્યું. નહેમ્યાનો નિ:સ્વાર્થ 14 આર્તાશાસ્તા રાજાના અમલના વીસમા વર્ષથી તે બત્રીસમા વર્ષ સુધી યહૂદિયા દેશના રાજ્યપાલ તરીકેનાં બાર વરસો દરમ્યાન મેં કે મારા સગાંસંબંધીઓએ મને રાજ્યપાલ તરીકે મળવાપાત્ર ખાધાખોરાકી પૈકી કંઈ લીધું નથી. 15 મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી. 16 મેં મારી બધી શક્તિ કોટના મરામતના કામમાં લગાડી અને મેં કોઈ જમીનજાગીર ખરીદી નહિ. મારી સાથેના સર્વ કાર્યકરો કોટના બાંધકામ જ ચાલુ રહ્યા. 17 આસપાસના દેશોમાંથી મારી પાસે આવતા બધા લોકો ઉપરાંત યહૂદી લોકો અને તેમના આગેવાનોમાંના દોઢસો માણસોને 18 દરરોજ મારે ખર્ચે એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને ઘણાં બધાં મરઘાંનું ભોજન પીરસાતું હતું. દર દસ દિવસે હું તાજો દ્રાક્ષાસવ પૂરો પાડતો, અને એમ મેં રાજ્યપાલ તરીકે મને મળવાપાત્ર ખાધા ખોરાકી પૈકી કંઈ માગ્યું નહોતું; કારણ, લોકોનો આર્થિક બોજો ઘણો ભારે હતો. 19 “હે ઈશ્વર, મારી પ્રાર્થના છે કે આ લોકોના હક્ક માં મેં જે કંઈ કર્યું છે તે મારા લાભમાં સંભારજો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide