Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 4 - પવિત્ર બાઇબલ C.L.


વિરોધ પર વિજય

1 અમે યહૂદીઓ ફરીથી કોટ બાંધવા લાગ્યા છીએ એવું જ્યારે સાનબાલ્લાટે સાંભળ્યું ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો, અને તેણે અમારી મશ્કરી કરવા માંડી.

2 પોતાના સાથીદારો અને સમરુની સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ દુર્બળ યહૂદીઓ શું કરવા ધારે છે? શું તેઓ ફરીથી આ શહેર બાંધવા માગે છે? બલિદાનો ચડાવવાથી એક દિવસમાં કામ પૂરું થઈ જશે એવું તેઓ માને છે? બળેલા પથ્થરોના ટુકડાઓના ઢગલામાંથી તેઓ બાંધકામના પથ્થરો પેદા કરી શકશે?”

3 હવે આમ્મોની ટોબિયા તેની પાસે ઊભો હતો. તે બોલ્યો, “ભલેને તેઓ કોટ બાંધે, એક શિયાળવુંય તેના પર ચડે તોય તે પડી જશે!”

4 મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તેઓ અમારી કેવી મજાક કરે છે તે સાંભળો. તેમની ઠઠ્ઠામશ્કરીનું પરિણામ તેમને જ ભોગવવા દો. તેમનું સર્વસ્વ લૂંટાઈ જાય અને વિદેશમાં તેઓ કેદી તરીકે લઈ જવાય એવું કરો.

5 તમે તેમના દુરાચારની ક્ષમા આપશો નહિ અને તેમનાં પાપ ભૂલી જશો નહિ. કારણ, તેમણે અમ બાંધનારાઓનું અમારી સામે જ અપમાન કર્યું છે.”

6 એમ અમે કોટનું બાંધકામ ચાલુ રાખ્યું, અને થોડા સમયમાં તો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી બંધાઈ ગયો; કારણ, લોકો કામ કરવા આતુર હતા.

7 સાનબાલ્લાટ તથા ટોબિયાએ તેમજ અરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે અમે યરુશાલેમના કોટને ફરી બાંધવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને કોટનાં ગાબડાં પૂરાવાં લાગ્યાં છે ત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા.

8 તેથી યરુશાલેમ આવવા અને તેના પર હુમલો કરી અમારા કામમાં ખલેલ પહોંચાડવાનો તેમણે સૌએ મળીને પ્રપંચ કર્યો.

9 પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરી અને રાતદિવસ તેમની તપાસ રાખવા અમે માણસો મૂક્યા.

10 યહૂદિયાના લોકો કહેતા હતા, “ભાર ઊંચકનાર મજૂરોની તાક્ત ઘટતી જાય છે, અને તૂટેલા પથરા પાર વગરના પડયા છે. આપણાથી આ કોટ કેવી રીતે પૂરો થશે.”

11 અમારા શત્રુઓએ વિચાર્યું કે તેઓ અમારા પર આક્રમણ કરીને અમને મારી નાખે અને અમારું કામ થંભાવી દે ત્યાં સુધી અમે તેમને જોવાના નથી કે કંઈ જાણવાના નથી.

12 પણ અમારા શત્રુઓ મધ્યે વસતા યહૂદીઓ અવારનવાર આવીને અમારા શત્રુઓના પ્રપંચથી અમને ચેતવી દેતા.

13 તેથી જ્યાં કોટ આૂરો હોય તેવા સ્થાનોમાં મેં લોકોને તેમના ગોત્રવાર તલવારો, ભાલાઓ અને ધનુષ્યો સજાવીને ગોઠવી દીધા.

14 લોકોને ભયભીત થયેલા જોઈને મેં તેમને તથા તેમના આગેવાનો અને અધિકારીઓને કહ્યું, “આપણા દુશ્મનોથી ગભરાશો નહિ. પ્રભુ કેવા મહાન અને આદરણીય છે તે સંભારીને તમારા દેશબાંધવો, તમારાં સંતાનો, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.”

15 અમારા દુશ્મનોએ સાંભળ્યું કે અમને તેમના કાવતરાની ખબર પડી ગઈ છે અને ઈશ્વરે તેમની યોજના ઊંધી વાળી છે. પછી અમે સૌ કોટ પર પોતપોતાના કામ પર પાછા ગયા.

16 તે વખતથી મારા અર્ધા માણસો કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો બખ્તર પહેરીને તથા ભાલા, ઢાલો અને ધનુષ્યો સજીને ચોકીપહેરો કરતા. આગેવાનો પણ કોટનું કામ કરતાં કરતાં યહૂદિયાના લોકોનું ધ્યાન રાખતા હતા.

17 બાંધકામનો સરસામાન ઊંચકનારા પણ એક હાથે કામ કરતા અને બીજા હાથમાં શસ્ત્ર રાખતા,

18 બાંધકામમાં રોક્યેલ પ્રત્યેક જણ પોતાની કમરે તલવાર લટકાવી રાખતો. ચેતવણી માટેનું રણશિંગડું વગાડનાર મારી સાથે રહેતો.

19 મેં લોકોને તથા તેમના અધિકારીઓ અને આગેવાનોને કહ્યું, “કામ ખૂબ મોટું અને ફેલાયેલું છે અને આપણે કોટ ઉપર એકબીજાથી છૂટા પડી ગયેલા છીએ.

20 તેથી જો તમે રણશિંગડું સાંભળો તો મારી પાસે એકઠા થઈ જજો. આપણા ઈશ્વર આપણે માટે લડશે.”

21 એ પ્રમાણે દરરોજ વહેલી પરોઢથી રાત્રે તારા દેખાય ત્યાં સુધી અમારામાંના અર્ધા માણસો કોટ પર કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો ભાલા સજીને ચોકીપહેરો ભરતા.

22 એ સમય દરમ્યાન મેં લોકોને કહ્યું કે તેમણે તેમના સાથીદારો સહિત રાત્રે યરુશાલેમમાં જ રોકાવું, જેથી આપણે રાત્રે શહેરનું રક્ષણ કરી શકીએ અને દિવસે કામ કરી શકીએ.

23 હું, મારા સાથીદારો, મારા ચાકરો કે મારા સંરક્ષકોમાંથી કોઈ પોતાનાં વસ્ત્ર ઉતારતા નહિ. અમે બધા શસ્ત્રસજિજત જ રહેતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan